વિટાન : ઇંગ્લૅન્ડમાં ઍંગ્લો-સૅક્સન સમયમાં રાજાને સલાહ આપવા માટેની ડાહ્યા માણસોની સભા(witenagemot)ના સભ્યો. આ સભામાં મોટા ધર્મગુરુઓ (Bishops), ‘અર્લ’ (મોટા જમીનદારો) અને સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓનો સમાવેશ થતો હતો. રાજા જરૂર પડે ત્યારે ગમે તે અધિકારીને આ સભામાં હાજરી આપવા બોલાવી શકતો.

ઇંગ્લૅન્ડનો રાજા નવા કાયદાઓ ઘડવામાં, જમીનોનું દાન આપવામાં, યુદ્ધ કે શાંતિ જાહેર કરવામાં, બિશપ કે અર્લની નિમણૂક કરવામાં અને દેવળ કે મઠને વિશેષાધિકારો આપવામાં આ સભાના સભ્યોની સલાહ લેતો. કાયદાને લગતા અગત્યના વિવાદમાં આ સભા રાજાની અદાલત તરીકે કામ કરતી અને રજૂઆતો સાંભળી ચુકાદાઓ આપતી. એ અયોગ્ય રાજાને પદભ્રષ્ટ કરી શકતી અને રાજગાદીના વિવાદમાં નવા રાજાની પસંદગી કરી શકતી. આ સંસ્થા માત્ર સલાહ આપનારી સંસ્થા હતી અને એની સલાહ સ્વીકારવી કે નહિ એ રાજાએ નક્કી કરવાનું હતું.

ઈ. સ. 1066માં નૉર્મન લોકોએ ઇંગ્લૅન્ડ જીતી લીધા પછી તેમણે આ સભાને નાબૂદ કરી ‘ક્યુરિયા રિજિસ’ (રાજાની કૉર્ટ અથવા અદાલત) નામની સંસ્થા શરૂ કરી, જે રાજાને વહીવટી કાર્યોમાં મદદ કરતી હતી.

મુગટલાલ પોપટલાલ બાવીસી