વિજિતાશ્વ : પૃથુ અને અર્ચિનો પુત્ર એક રાજા, જેને 100 અશ્વમેધ યજ્ઞ કરીને ઇંદ્રનું પદ મેળવવાની ઝંખના હતી. 99 યજ્ઞો નિર્વિઘ્ને સંપન્ન થયા હતા. સોમા યજ્ઞના ઘોડાને ઇંદ્રે છળથી પકડી લીધો, જેને કારણે રાજા સાથે યુદ્ધ થયું જેમાં ઇંદ્ર પરાજિત થયો. તેથી આ રાજાનું નામ વિજિતાશ્વ પડી ગયું. ઇંદ્રે રાજાને અંતર્ધાન થવાની વિદ્યા શીખવી હતી. વિજિતાશ્વને તેની પત્ની શિખંડિનીથી પાવક, પવમાન અને શુચિ નામના ત્રણ પુત્રો પ્રાપ્ત થયા હતા. વસ્તુતઃ એ ત્રણે મૂળમાં અગ્નિસ્વરૂપ હતા, પરંતુ વશિષ્ઠના શાપથી એમણે મનુષ્યયોનિમાં જન્મ ધારણ કરવો પડ્યો હતો. ઉત્તરાવસ્થામાં રાજાને રાજકાજથી વૈરાગ્ય ઉત્પન્ન થયો અને ભગવદભજનમાં લીન રહી સ્વર્ગવાસ પામ્યો.
પ્રવીણચંદ્ર પરીખ