વિજાપુર : મહેસાણા જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 23° 34´ ઉ. અ. અને 72° 45´ પૂ. રે.ની આજુબાજુનો 943.8 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ખેરાળુ તાલુકો, પૂર્વ તરફ સાબરમતી નદી અને સાબરકાંઠા જિલ્લો, દક્ષિણે કલોલ તાલુકો તથા પશ્ચિમ તરફ વિસનગર અને મહેસાણા તાલુકા આવેલા છે.

ભૂપૃષ્ઠ-આબોહવા : વિજાપુર તાલુકાનું ભૂપૃષ્ઠ સમતળ છે અને ફળદ્રૂપ કાંપનું બનેલું છે. સાબરમતી નદી તેની પશ્ચિમ સીમા રચે છે, નદીને કાંઠે આવેલાં ગામો નજીક ઊંડાં કોતરો આવેલાં છે. અહીંનું મે માસનું સરેરાશ દૈનિક તાપમાન 40° સે. (મહત્તમ) અને 26° સે. (લઘુતમ) તથા શિયાળાનું મહત્તમ અને લઘુતમ તાપમાન 28° સે. અને 11° સે. જેટલું રહે છે. 15 જૂનથી 15 સપ્ટેમ્બર દરમિયાન વર્ષભેદે સરેરાશ વાર્ષિક વરસાદ 600થી 800 મિમી. જેટલો પડે છે. તે પૈકીનો આશરે 50 % જેટલો વરસાદ જુલાઈમાં પડી જાય છે.

વનસ્પતિજીવન-પ્રાણીજીવન : તાલુકામાં જંગલવિસ્તાર નથી. ગામડાંની આજુબાજુ, ખેતરોમાં તેમજ કોતરોમાં આંબા, મહુડા, બાવળ, ગાંડો બાવળ, ખીજડા, આમલી, બોરડી, પીપળા, પીપર, વડ જેવાં વૃક્ષો જોવા મળે છે. અહીંની મહેસાણી ભેંસો અને કાંકરેજી ગાયો પુષ્કળ દૂધ આપે છે. અહીંનાં પશુઓમાં મુખ્યત્વે ગાય, ભેંસ, ઘેટાં-બૅંકરાં અને ઊંટનો સમાવેશ થાય છે.

ખેતી : અહીંની જમીન ફળદ્રૂપ છે. મુખ્ય ખાદ્ય પાકોમાં ઘઉં, જુવાર અને બાજરી તથા રોકડિયા પાકોમાં વર્જિનિયા તમાકુ, શાકભાજી અને  ઘાસ થાય છે. કૂવા અને પાતાળકૂવા દ્વારા સિંચાઈ થાય છે. ગોચર હેઠળની ભૂમિનું પ્રમાણ ઓછું છે.

ઉદ્યોગો : તાલુકાના ઉદ્યોગો વિજાપુર અને માણસામાં કેન્દ્રિત થયેલા છે. લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. કેટલાક ગૃહઉદ્યોગોમાં તો બીજા કેટલાક વેપારમાં રોકાયેલા છે.

વસ્તી : 2001 મુજબ તાલુકાની કુલ વસ્તી આશરે 2,40,000 જેટલી છે. તે પૈકી 90 % ગ્રામીણ અને 10 % શહેરી છે. પુરુષો અને સ્ત્રીઓની સંખ્યા લગભગ સરખી છે. 70 % લોકો અક્ષરજ્ઞાન ધરાવે છે. વિજાપુર અને આંબલિયાસણ રેલમથકો છે. વિજાપુર સડકમાર્ગો દ્વારા મહેસાણા, કલોલ, અમદાવાદ, વડોદરા સાથે જોડાયેલું છે. અવરજવર માટે રાજ્ય-પરિવહનની બસ સેવા ઉપલબ્ધ છે.

શહેર : 2001 મુજબ વિજાપુરની વસ્તી અંદાજે 31,000 જેટલી હતી. શહેરમાં સ્ત્રી-પુરુષોનું પ્રમાણ લગભગ એકસરખું છે. અહીં દર હજાર પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ 939 જેટલું છે.

શહેરમાં તમાકુના ભઠ્ઠા અને તેની સુકવણીનું એક કારખાનું આવેલું છે. આ ઉપરાંત અહીં કૃષિસાધનોનાં, પાવરલૂમનાં, બરફનાં, લાકડાં વહેરવાનાં અને સિમેન્ટની પાઇપોનાં કારખાનાં તથા ઇજનેરી એકમો આવેલાં છે. શહેરમાં સ્ટેટ બૅંક, બૅંક ઑવ્ બરોડા, જમીન વિકાસ બૅંક, જિલ્લા મધ્યસ્થ સહકારી બૅંક, નાગરિક સહકારી બૅંક તેમજ તારટપાલટેલિફોનની સુવિધાઓ ઉપલબ્ધ છે. અહીં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ, વિનયનવિજ્ઞાન કૉલેજ અને પુસ્તકાલયો આવેલાં છે. આ ઉપરાંત અહીં તમાકુ-સંશોધન કેન્દ્ર, જૈન જ્ઞાનમંદિર, પ્રાચીન હસ્તપ્રત-ભંડાર આવેલાં છે. અહીં થઈ ગયેલા બુદ્ધિસાગર જૈનમુનિના ગ્રંથો જળવાયેલા છે.

શહેરનાં જોવાલાયક સ્થળોમાં મહેશ્વર મહાદેવનું મંદિર અને એક વાવ છે. આ મંદિરની કોતરણી સુંદર છે અને તેમાં કાળા પથ્થરની વરાહની મૂર્તિ છે. વળી અહીં પરમાર રાજપૂતોની કુળદેવી વિંધ્યવાસિનીનું મંદિર, જૈન મંદિરો અને મસ્જિદો પણ છે.

શિવપ્રસાદ રાજગોર