વિજ્ઞાન અને ઔદ્યોગિક વિકાસ (Science and Industrial Development) : વિજ્ઞાન એટલે કોઈ પણ પ્રક્રિયાને (કે પ્રશ્ર્નને) ચોતરફથી તેની સમગ્રતયામાં સમજવી/જાણવી. કુદરતી ક્રિયાઓનું કારણ (રહસ્ય) સમજવું, પણ કશું અધ્ધરતાલ માની લેવું નહિ તે વિજ્ઞાનનું હાર્દ છે. વિજ્ઞાન દ્વારા પ્રક્રિયાઓ સમજી જે સિદ્ધાંતો ઊભા થાય તેમના જ્ઞાનનો નવી ભૌતિક વસ્તુઓના ઉત્પાદનમાં ઉપયોગ કરવા પ્રયત્ન કરવો તે ટૅક્નૉલૉજી.

ટેક્નૉલૉજી પ્રસ્થાપિત થાય એટલે તેનો ઉપયોગ માનવ-ઉપયોગી વસ્તુઓના ઉત્પાદનમાં સહેલાઈથી કરાય છે. આ રીતે વિજ્ઞાન, ટેક્નૉલૉજી અને ઔદ્યોગિક ઉત્પાદન એકબીજાં સાથે સંકળાયેલ છે. ઘણી વખત એવું પણ બને છે કે વિજ્ઞાનના ક્ષેત્રની દિશા ચોક્કસ હેતુ માટે જરૂરી ટેક્નૉલૉજી વિકસાવવાના લક્ષ્યને ધ્યાનમાં લઈને નક્કી થાય છે. વિજ્ઞાન અને ટેક્નૉલૉજી, ટેક્નૉલૉજી અને ઔદ્યોગિક વિકાસ તેમજ ઔદ્યોગિક વિકાસ અને આર્થિક વિકાસ જોડિયાં બાળકો (Siamese twins) જેવાં છે.

વીસમી સદીએ વિજ્ઞાન, ટેક્નૉલૉજી, ઔદ્યોગિકીકરણ અને આર્થિક વિકાસ ગાઢ રીતે સંકળાયેલાં જોયાં છે અને તે સ્થિતિ એકવીસમી સદીમાં પણ ચાલુ રહેશે. છેલ્લા ત્રણ દાયકામાં વિજ્ઞાન અને ટેક્નૉલૉજી ક્ષેત્રે જે વિકાસ થયો તે છેલ્લા ત્રણ સૈકામાં થયો તેથી પણ વધુ છે.

કોઈ પણ દેશની આર્થિક સ્થિતિનો આધાર તે દેશ પોતાની કુદરતી સંપત્તિનો કે હવામાન, પાણી, જમીન, ખનીજ-દ્રવ્યો, જંગલો, વનસ્પતિઓ, દરિયાકાંઠો, પર્વતો, પહાડો અને માનવશક્તિ(શિક્ષણ, ચારિત્ર્ય)નો વિજ્ઞાન અને ટેક્નૉલૉજી દ્વારા કેટલા પ્રમાણમાં સક્ષમ ઉપયોગ કરે છે કે કરી શકે છે તેના પર નિર્ભર છે.

યુરોપ, અમેરિકા, જાપાન અને છેલ્લે ઇઝરાયલ  એ એવા દેશો છે જેઓએ પોતાની ભૌતિક અને માનવશક્તિનો સક્ષમ ઉપયોગ કરી આર્થિક વિકાસ સાધ્યો છે, જ્યારે આફ્રિકા અને એશિયાના અમુક દેશો એવા છે કે જ્યાં કુદરતી સંપત્તિ વિપુલ પ્રમાણમાં હોવા છતાં વિજ્ઞાન અને ટેક્નૉલૉજીના અભાવે આર્થિક વિકાસ ઘણા ઓછા પ્રમાણમાં થયો છે. ભારતમાં પણ તેવી વિપુલ પ્રમાણમાં રહેલી કુદરતી સંપત્તિનો હજુ પણ પૂરતા પ્રમાણમાં સક્ષમ ઉપયોગ થઈ રહ્યો નથી. ઉત્પાદકતા-આંક (productivity index) અને કાર્યદક્ષતા-આંક (efficiency index) પ્રમાણમાં ઓછા છે, તે આ વાતનું દ્યોતક છે. આ માટેનાં પરિબળોમાં વિજ્ઞાન અને ટેક્નૉલૉજી ઘણાં મહત્વનાં હોવાં ઉપરાંત સામાજિક અને રાજકીય પરિબળો પણ ભાગ ભજવતાં હોય છે.

ભારતમાં 1900માં કુલ રાષ્ટ્રીય આવકમાં ખેતી (જમીન અને જંગલ)ની ઊપજનો હિસ્સો 85 %થી 90 %, 1950માં તે 65 %થી 70 % અને 2004માં તે ઘટીને 25 %થી 27 % થયો; એટલે કે ઉત્તરોત્તર ઔદ્યોગિક ઉત્પાદનનો દર વધતો ગયો છે. આવું બધાં વિકસિત અને વિકાસશીલ રાષ્ટ્રોમાં બન્યું છે. માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર જ વિકાસ પામતું રહ્યું છે તેમ નથી પરંતુ સેવાક્ષેત્ર (service sector) સમાવેશ પામતાં શિક્ષણ, આરોગ્ય, બૅન્કિંગ અને વીમાક્ષેત્રો, સંરક્ષણ, માહિતી અને સંદેશાવ્યવહાર જેવાં અનેક ક્ષેત્રો વિકસી રહ્યાં છે. આ બધાં ક્ષેત્રોમાં પણ વિજ્ઞાન અને ટેક્નૉલૉજીનો ભરપૂર ઉપયોગ થાય છે. રોજગારીમાં પણ ખેતમજૂરીમાંથી કામદાર-કારીગર (blue collar job) અને કામદાર-કારીગરમાંથી ‘વ્હાઇટ કૉલર જૉબ’ (સેવાક્ષેત્રમાં કામ કરતી વ્યક્તિઓ) તરફનો લગાવ અને સંખ્યામાં વધારો જોવા મળે છે. આ મોટું પરિવર્તન છે.

ઓગણીસમી સદીની શરૂઆતની પ્રથમ ઔદ્યોગિક ક્રાંતિ પછી ટેક્નૉલૉજી અને ઔદ્યોગિક વિકાસ સતત થતો રહ્યો છે; પરંતુ વિશ્વે 1950થી 2000ના પાંચ દશકામાં અવકાશક્ષેત્રે (space), ઉડ્ડયન (aviation), કમ્પ્યૂટર, માહિતી અને સંદેશાવ્યવહારક્ષેત્રે, મશીનોમાં (‘રૉબોટ’ સહિત) સ્વચાલન અને સ્વનિયંત્રણ ક્ષેત્રે તેમજ બાયૉ-ટેક્નૉલૉજી ક્ષેત્રે જે પ્રગતિ જોઈ તે મહાન કહી શકાય તેવી છે. ટેક્નૉલૉજીનાં આ ક્ષેત્રોની અસર આર્થિક વિકાસ પૂરતી મર્યાદિત રહી નથી પરંતુ માનવીની રહેણીકરણી ઉપર પણ થઈ છે.

અવકાશ ક્ષેત્ર :

ભારતે અવકાશક્ષેત્રે, 1960થી 2000 સુધીમાં નોંધનીય પ્રગતિ કરી છે. ત્રિવેન્દ્રપુરમ્ પાસે આવેલા થુમ્બામાંથી પ્રથમ રૉકેટ 21 નવેમ્બર, 1963ના રોજ છોડી અવકાશક્ષેત્રે વૈજ્ઞાનિક કામગીરીની શરૂઆત કરી. આ રૉકેટ માત્ર 23.3 કિગ્રા. વજનનું હતું અને 200 કિમી.ની ઊંચાઈ સુધી ગયું હતું. અવકાશ-સંશોધનનું ક્ષેત્ર શરૂઆતમાં અણુ-ઊર્જા- વિભાગ (Atomic Energy Department) સાથે હતું. 1962માં વિક્રમ સારાભાઈના અધ્યક્ષપણા નીચે ભારત રાષ્ટ્રીય અવકાશસંશોધન કમિટી(Indian National Committee for Space Research)ની સ્થાપના થઈ અને 1969માં તેની પુનર્રચના થઈને નવું નામાભિધાન ‘ભારતીય અવકાશ-સંશોધન સંસ્થા’ થયું. 1972માં અવકાશ-વિભાગ અને ભારતીય અવકાશ-સંશોધન સંસ્થા (ISRO) તરીકે સ્વતંત્ર વિભાગ બન્યો. 1972માં ભારત સરકારે અવકાશક્ષેત્રે વિકાસ માટે ખાસ ઠરાવ પાસ કર્યો.

આકૃતિ 1 : સૅટેલાઇટ આર્યભટ્ટ

1975-76માં અમેરિકાના સૅટેલાઇટ ATS6ની મદદથી સ્વાસ્થ્ય, કુટુંબનિયોજન પર શૈક્ષણિક માહિતી આપતો અને 2,500 ગામડાંઓને આવરી લેતો ‘સૅટેલાઇટ ઇન્સ્ટ્રક્શનલ ટેલિવિઝન એક્સપેરિમેન્ટ’ પ્રોગ્રામ શરૂ કર્યો. આવો જ બીજો પ્રોગ્રામ ફ્રેન્કો-જર્મન સૅટેલાઇટની મદદથી 1977-79માં આપ્યો. પ્રથમ ભારતીય સૅટેલાઇટ ‘આર્યભટ્ટ’ રશિયાના રૉકેટથી 1975માં તરતો મુકાયો. ત્યારબાદ 1979 અને 1981માં ‘ભાસ્કર-1’ અને ‘ભાસ્કર-2’ સૅટેલાઇટ અવકાશમાં છોડાયા. આ ઉપગ્રહો દ્વારા ‘રિમોટ સેન્સિંગ’ અંગેનો સારો અનુભવ મળ્યો. જૂન, 1981માં મુકાયેલ Ariana Passanger Payload Experiment (APPLE) સૅટેલાઇટ – એ સંદેશાવ્યવહાર માટેનો પ્રથમ ઉપગ્રહ હતો. વીસમી સદીના સિત્તેરમા દાયકા સુધીમાં ભારતે રાષ્ટ્રીય વિકાસમાં અવકાશ ક્ષેત્રે કુશળતાપૂર્વક કાર્ય કરી શકવાની શક્તિનાં એંધાણ આપી દીધાં.

1983માં બહુઉપયોગી સૅટેલાઇટ INSAT-1Bએ વ્યવહારુ ઉપયોગ (operational use) કરી બતાવ્યો અને INSAT-1D, જે 1990માં તરતો મુકાયો તે લાંબા સમયથી અવકાશમાં કામ આપી રહ્યો છે. INSAT-1 શ્રેણી તૈયાર કરવામાં વિદેશી જાણકારી અને ઉપકરણોની મદદ લેવાઈ, જ્યારે INSAT2 શ્રેણી મુખ્યત્વે ભારતમાં જ તૈયાર કરાઈ. INSAT-2C એ ત્રીજી પેઢી(third generation)નો સૅટેલાઇટ, તે ડિસેમ્બર, 1995માં તરતો મુકાયો.

INSAT-2 શ્રેણીએ ‘મોબાઇલ સૅટેલાઇટ સર્વિસિઝ’, વાણિજ્ય- માહિતીસંચારણ, સમગ્ર ભારતમાં ટેલિવિઝન વાપરી શકાય તેવી ક્ષમતા વગેરે બાબતોમાં બહુ મોટું યોગદાન આપ્યું. વર્ષ 2004 સુધીમાં INSAT વડે 5,500થી પણ વધારે ‘ટુ-વે સ્વિચ સર્કિટ’ અને 250થી પણ વધુ જમીન-સ્ટેશનો વડે ઊંડાણમાં આવેલાં સ્થળોને પણ સંદેશા- સંચારણમાં આવરી લેવાયાં છે. ભારતે માહિતી-સંચારણ- (communication)માં હરણફાળ ભરી તે સૅટેલાઇટમાં કરેલ પ્રગતિને આભારી છે. આના અંતિમ પરિણામે લાઇન ટેલિફોન, મોબાઇલ ફોન, રેડિયો અને ટેલિવિઝનનો વપરાશ છેલ્લા બે દાયકા-(1980-2000)માં પાંચ ગણો વધી ગયો; જેને લીધે ઇલેક્ટ્રૉનિક્સ ઉદ્યોગને મોટો વેગ મળ્યો છે.

આકૃતિ 2 : અવકાશમાં INSAT-2C

સૅટેલાઇટનો ઉપયોગ માત્ર માહિતી-સંચારણ માટે જ નહિ, પરંતુ ‘રિમોટ સેન્સિંગ’ માટે પણ ખૂબ સારા પ્રમાણમાં થાય છે. ‘ઇન્ડિયન રિમોટ સેન્સિંગ સૅટેલાઇટ’ (IRS) પદ્ધતિ કુદરતી સ્રોતોની ક્યાં કેટલા પ્રમાણમાં ઉપલબ્ધિ છે તેનું સર્વેક્ષણ અને સાચવણ (survey and monitoring) કરે છે. પહેલો IRS-1A 1988માં છોડાયો ત્યારથી આ ક્ષેત્રમાં અવિરતપણે વિકાસ ચાલુ છે. ભારત પોતાના જ ‘Launch Vehicles’થી સૅટેલાઇટને અવકાશમાં છોડે છે. આકૃતિ 3માં ઉપગ્રહ છોડવા માટેનું Launch Vehicle દર્શાવ્યું છે.

ભારતના અવકાશ કાર્યક્રમને લીધે તેના ઉદ્યોગોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ઘણા ફાયદા થયા છે. અવકાશ વિકાસ કાર્યક્રમ નીચે વર્ષ 2000 સુધીમાં 225થી પણ વધુ નવી ટેક્નૉલૉજી વિકસાવવામાં આવી, જેમનો ઉદ્યોગોમાં ‘કૉમર્શિયલ’ સ્તરે ઉપયોગ થઈ રહ્યો છે. અવકાશ-કાર્યક્રમનો ઔદ્યોગિક વિકાસમાં આ મોટો ફાળો છે.

વસ્તુ-ઉત્પાદન ક્ષેત્ર :

વસ્તુ-ઉત્પાદનમાં પણ મોટા પાયે ફેરફારો થયા છે અને હજુ પણ થઈ રહ્યા છે. અઢારમી સદીના અંતભાગમાં વરાળયંત્રો શોધાયાં અને ત્યારબાદ ઓગણીસમી સદીમાં અનેક પ્રકારનાં મશીનો વિકસતાં માનવશરીર દ્વારા કરવાનું થતું કાર્ય યંત્રો દ્વારા કરાવવાનું શરૂ થયું. વીસમી સદીના પૂર્વાર્ધમાં વરાળયંત્રના વિકાસ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલ-એન્જિન, વિદ્યુત ઉત્પન્ન કરતાં જનરેટરો, વિદ્યુત-મોટરો, મોટરકાર, બસ વગેરેના એકમો વિકસ્યા અને પરિવહન-ક્ષેત્રે આમૂલ પરિવર્તન થયું. વીસમી સદીના ઉત્તરાર્ધમાં ઇલેક્ટ્રૉનિક્સ અને તેમાં ખાસ કરીને કમ્પ્યૂટરે ઘણાંબધાં ક્ષેત્રોમાં જબરદસ્ત પરિવર્તન આણ્યું. મશીનોની ડિઝાઇન અને ખાસ કરીને તેના નિયંત્રણક્ષેત્રે ઘણા ફેરફારો થયા. તેમાં બહુ મોટો ભાગ કમ્પ્યૂટરાઇઝ્ડ ન્યૂમેરિકલ કંટ્રોલ સિસ્ટમે (CNC system) ભજવ્યો. રોબૉટિક મશીનો(યંત્રમાનવો) એ CNC પદ્ધતિના ઉપયોગની ચરમ સીમાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

વસ્તુની ડિઝાઇનમાં કમ્પ્યૂટર (Computer Aided Design – CAD), વસ્તુના ઉત્પાદનમાં કમ્પ્યૂટર (Computer Aided Manufacturing  CAM) અને ઉત્પાદનની સમગ્ર પ્રક્રિયાઓમાં કમ્પ્યૂટરનો ઉપયોગ (Computer Integrate Manufacturing – CIM) વગેરે બાબતો વસ્તુ-ઉત્પાદનમાં ક્રમશ: સામાન્ય બની રહી છે. આના કારણે વસ્તુની ગુણવત્તામાં વધારો અને લાંબે ગાળે ઉત્પાદન-ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ભારતમાં એન્જિનિયરિંગ ઉત્પાદન-ક્ષેત્રે ક્રમશ: કેવો વિકાસ થયો છે તેની વિગત સારણી 1માં દર્શાવી છે.

સારણી 1 : ભારતમાં એન્જિનિયરિંગ ઉત્પાદન-ક્ષેત્રે થયેલ વિકાસ

સમય (વર્ષ)                બનાવો (events)
1930-60 r

r

r

r

મશીનટૂલ ક્ષેત્રે R & Dનો પ્રારંભ

મશીનટૂલનું વ્યવસ્થિત રીતે ઉત્પાદન શરૂ (50’s)

વિકસિત દેશો જેવા કે જર્મની, ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ, ઇટાલી,

અમેરિકા, સ્વિટ્ઝર્લૅન્ડ વગેરે સાથે ગઠબંધન (collaboration)

સેન્ટ્રલ મશીનટૂલ ઇન્સ્ટિટ્યૂટનો બૅંગલોરમાં પ્રારંભ

1961-70 r NC લેથ, NC ટૂલરૂમ મિલિંગ મશીન અને NC મશીનિંગ

સેન્ટર જેવાં મશીનોના ઉપયોગ અને ઉત્પાદનની શરૂઆત.

1971-83 r

r

r

r

CMII બૅંગલોર અને HMT બૅંગલોરની મદદથી પ્રથમ CNC મશીન વિકસાવ્યું.

પ્રથમ ભારતીય  NC મશીન બનાવ્યું. (1973)

પ્રથમ ઊભું મશીનિંગ સેન્ટર બનાવ્યું. (1979)

બીજાં મશીનો જેવાં કે CNC ગિયર કટિંગ મશીન, CNC

વાયર-કટ EDM મશીન, CNC ટરેટ પંચ પ્રેસ જેવાં મશીનો

તૈયાર કરવાનો પ્રારંભ

1984-85 r જુદાં જુદાં સૉફ્ટવેર બનાવ્યાં.
1986-90 r

r

r

રોબૉટ મશીનોની શરૂઆત

FMS cells વિકસાવવાની શરૂઆત

પ્રથમ રોબૉટ મશીન (3 Axis, Pick and Plaer)

1990-2000 r

r

r

r

r

r

બલ્બ-ઉત્પાદન મશીનો માટે ખાસ પ્રકારના સેન્સરો

રોબૉટ મશીનમાં વિકાસ (હૈદરાબાદ સાયન્સ સોસાયટી)

અલ્ટ્રાસૉનિક સેન્સરો (Ultrasonic Sensors)

માઇક્રોપ્રોસેસર દ્વારા સ્ટેજ-મોટર વડે ચાલતો રોબૉટિક આર્મ,

બૅંગલોર ખાતેની IISCની રોબૉટિક લૅબોરેટરીમાં તૈયાર થયો.

ઔદ્યોગિક ઉત્પાદનમાં કુલ રોબૉટની સંખ્યા 100થી પણ વધુ

CNC મશીનોનો બહોળા પ્રમાણમાં ઉપયોગ

ઇલેક્ટ્રૉનિક્સ ઉપકરણો, કમ્પ્યૂટરો, મોટરકાર, મોટરસાઇકલ, ટ્રૅક્ટર, રેફ્રિજરેટર, મશીન-ટૂલ્સ, સ્ટીલ, સિમેન્ટ વગેરે અનેક વસ્તુઓના ઉત્પાદનમાં ગુણવત્તા અને ઉત્પાદનખર્ચની દૃષ્ટિએ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાત્મક રીતે ભારત ટકી શકે તેવી સ્થિતિ ઊભી થઈ રહી છે. તેનો યશ ઉત્પાદનમાં વિજ્ઞાન અને ટેક્નૉલૉજીનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ તેમજ ટેક્નૉલૉજી, મૅનેજમેન્ટ અને કાર્ય કરતી વ્યક્તિઓનો યોગ્ય સમન્વય(integration)  આ ત્રણેય મહત્વની બાબતોના પક્ષે જાય છે.

આકૃતિ 3 : PSLV

ઔદ્યોગિક ક્રાંતિ પછી ઇલેક્ટ્રૉનિક્સ ક્રાંતિ માહિતી-સંચારણ ક્રાંતિ અને ત્યારબાદ બાયૉટેક્નૉલૉજી ક્રાંતિ ગણી શકાય. આજના યુગમાં બાયૉટેક્નૉલૉજી મોટા ફેરફારો લાવી રહી છે. બાયૉટેક્નૉલૉજીના સંશોધન અને વિકાસ(R & D)માં વિકસિત દેશો દ્વારા ઘણા મોટા પ્રમાણમાં નાણાકીય સ્રોત વપરાઈ રહ્યો છે.

આકૃતિ 4 : ઉત્પાદન બાબતોનો સમન્વય

બાયૉટેક્નૉલૉજી :

બાયૉટેક્નૉલૉજીમાં બાયૉલૉજી, કેમિકલ એન્જિનિયરિંગ, ફાર્માસ્યુટિકલ્સ અને ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગનો સુયોગ્ય સમન્વય છે. બાયૉટેક્નૉલૉજી ક્રાંતિમાં મહત્વનો ભાગ ભજવનારી બાબતો તે (i) r  DNA  (જે ‘જિન’ ક્લૉનિંગ અને સ્પ્લાઇસિંગને લગતું છે.) (ii) હાઇબ્રિડોમા ટેક્નૉલૉજી (જે ‘ઍન્ટિબૉડિઝ’ને લગતી છે.) (iii) ઇલેક્ટ્રૉનિક્સ ઇન્સ્ટ્રુમેન્ટ (જે પ્રોટીનો અને DNAના સૂક્ષ્મક્રમો અને ઑલિગો ન્યૂક્લિઑઇડો અને પેપ્ટાઇડોના એકીકરણમાં ઉપયોગી છે.)

શરીરસ્વાસ્થ્ય, રોગો, પર્યાવરણ, જમીન પર વનસ્પતિના આવરણમાં સતત ઘટાડો, ચીલાચાલુ ઊર્જાસ્રોતમાં થઈ રહેલ ઘટાડો વગેરે આજે માનવજાત માટે મોટા પડકારરૂપ પ્રશ્ર્નો બની રહ્યા છે. બાયૉટેક્નૉલૉજી આમાં આશાનું કિરણ બની રહેલ છે.

આકૃતિ 5 : જિન-ક્લૉનિંગ અને સ્પ્લાઇસિંગ ક્રિયા

1982થી જિનટેક્નૉલૉજી અને કોષ (cell) તેમજ ‘ટિસ્યૂકલ્ચર’માં સારા પ્રમાણમાં સંશોધન અને વિકાસ થયેલ  છે. આમ છતાં જેની રેપ્લિકેશન, ટ્રાન્સફ્યૂજન, ટ્રાન્સલેશન, પોસ્ટ ટ્રાન્સલેશન પ્રોસેસિંગ, આઇડેન્ટિફાઇંગ પ્રમોટરો વગેરે ક્ષેત્રમાં હજુ ઘણું કરવાનું બાકી છે. બાયૉટેક્નૉલૉજીનો વિકાસ એટલે ચીલાચાલુ (classical) બાયૉલૉજીથી શરૂઆત કરી માઇક્રોબાયૉલૉજી, મૉલેક્યુલર બાયૉલૉજી, એટમિક બાયૉલૉજી, ઇલેક્ટ્રૉનિક બાયૉલૉજી અને ક્વૉન્ટમ બાયૉલૉજીમાંનો વિકાસ. આકૃતિ 6માં બાયૉટેક્નૉલૉજીમાં ક્રમશ: કેવો વિકાસ થયો છે તે દર્શાવ્યું છે :

આકૃતિ 6 : બાયૉટેક્નૉલૉજીનો વિકાસ

છોડોમાં ‘ટ્રાન્સજેનિક’ ફેરફારો કરીને તેમના જૈવિક ઉત્પાદનમાં મોટા ફેરફાર કરી મોટા લાભ મેળવાય છે. દવાઓ અને સ્વાસ્થ્ય-સંભાળના ક્ષેત્રમાં બાયૉટેક્નૉલૉજીનું જબરદસ્ત યોગદાન થઈ રહ્યું છે. ટ્યૂમર, કૅન્સર, હેપેટાઇટ-બી, ઇમ્યૂનૉલોજી જેવા ક્ષેત્રના વણઉકેલાયેલા પ્રશ્ર્નોના ઉકેલમાં બાયૉટેક્નૉલૉજી આશાનું કિરણ બની રહ્યું છે.

સમગ્ર દુનિયામાં ખેતીવાડી એ પ્રજાની આર્થિક બાબતનું મહત્વનું ક્ષેત્ર છે. બાયૉટેક્નૉલૉજી આ ક્ષેત્રનું ઉત્પાદન વધારવામાં મોટો ફાળો ભજવી શકે તેમ છે. વૃક્ષ-છોડ, પ્રાણી (animal), ખેતી, વન વગેરેની ઊપજમાં ધરખમ વધારો થઈ શકશે. આ દિશામાં મોટા પાયે કામ થઈ રહ્યું છે.

ગાયત્રીપ્રસાદ હી. ભટ્ટ