વાસ્તોષ્પતિ : વેદ અને પુરાણોમાં વર્ણવાયેલા એક દેવતા. પ્રાચીન સમયમાં માનવી ગુફાઓ, નદીકાંઠે કે જંગલમાં રહેતો હતો. વૃક્ષની ડાળીઓને એકબીજા સાથે જોડાતી જોઈ તેને ઘરનો ખ્યાલ પર્ણકુટિ રૂપે આવ્યો. કાળક્રમે તેમાંથી ઘરની કલ્પના સાકાર થઈ. મોહેં-જો-દડોનું ઉત્ખનન ઈ. પૂ. 5000 લગભગ થયું ત્યારે ગૃહરચના અને નગરરચના મૂર્ત થઈ ચૂકી હતી.
વેદમાં નિવાસભૂમિ માટે ‘વાસ્તુ’ શબ્દ પ્રયોજાયો છે. સમયના વહેણ સાથે ‘વાસ્તુ’ શબ્દ ઘર માટે પ્રયોજાવા લાગ્યો. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં ભૂમિની ખરીદી, ગૃહરચના, દેવાલયરચના, ચૈત્ય, સ્તૂપ વગેરે માટે તે પ્રયોજે છે. (અર્થ. 3-8, 8-10). સામાન્ય રીતે ‘વાસ્તુ’ એટલે ‘નિવાસભૂમિ-બિનખેતીની ભૂમિ’.
ઋગ્વેદમાં ‘ધામ’, ‘પત્સ્યા’, ‘હર્મ્ય’ વગેરે શબ્દો વિવિધ ગૃહરચના માટે પ્રયોજાયેલા છે. ઋગ્વેદમાં ચાર મંત્રો વાસ્તોષ્પતિ માટે મળે છે. (ઋ. વે. 7-54, 1-3, 7-5-51). તેમાં વાસ્તોષ્પતિને પ્રાર્થના કરવામાં આવે છે : ‘અમારું નિવાસસ્થાન નીરોગી હો. અમે જે ઇચ્છીએ તે મળો. અમારાં બેપગાં-ચોપગાં સૌ માટે કલ્યાણકારી હો. અમે ગાયો અને અશ્ર્વો સાથે સુખી થઈએ. અમને વૃદ્ધત્વ ન આવે. અમે તમારી સાથે મિત્રભાવે રહીએ. પિતા પુત્રની દેખરેખ રાખે તેમ વાસ્તોષ્પતિ મારું ધ્યાન રાખો. અમારાં યોગક્ષેમ જાળવો.’
વાસ્તોષ્પતિને રોગનો નાશ કરનાર કહ્યા છે. એક મિત્રની માફક સુખદાયી થઈ પધારવા પ્રાર્થના કરવામાં આવી છે : આ ચારેય મંત્રોના ઋષિ વસિષ્ઠ છે. સાયણ પિતા પુત્રને ભાગ આપે તેમ પોતાને સુખ-સમૃદ્ધિ આપવા માટેની આ પ્રાર્થના હોવાનું માને છે. (ઋ. 7-5-51 ઉપર સાયણભાષ્ય).
વેદમાં ત્વષ્ટાને જીવનકર્તા માનવામાં આવ્યા છે. વિશ્વકર્મા વિશ્વના શિલ્પી છે. ઋગ્વેદમાં ‘યર દી’, ‘હર્મ્ય’, ‘ધ્રુવ’ વગેરે પારિભાષિક શબ્દો મળે છે પણ ગૃહનિર્માણની વિગતો મળતી નથી. અથર્વવેદના શાલાસૂક્તમાં આ વિશે વિગતો છે. ‘વંશ’, ‘સ્થૂણા’, ‘ઉપચીત’, ‘પ્રતિમા’ વગેરે શબ્દોનો પ્રયોગ નોંધપાત્ર છે. (અથર્વ. 3-12; 5-31, 9-3; 6-106-13). ગૃહ્યસૂત્રોમાં વાસ્તુ વિશે વિગતો મળે છે. (શા. ગૃ. 3-2; આ. ગૃ. 2/7-9; ગોભિલ ગૃ. સૂ. 4-7-15-10, હિરણ્યકેશિ ગૃ. સૂ. 1-8-27; પારસ્કર ગૃ. સૂ. 3-8-2). શુલ્વ સૂત્રોમાં આવતી ભૌમિતિક વિગતો બાંધકામની દૃષ્ટિએ અગત્યની બને છે. (કાત્યા. શુ. સૂ., બૌધાયન શુલ્વ સૂત્ર) વેદિ, કુંડ, મંડપ, નિવાસભૂમિ વગેરે વિશેની વિગતો આ દૃષ્ટિએ વિચારણીય છે.
વાલ્મીકિ રામાયણ અને મહાભારતમાં પ્રાસાદ, હર્મ્ય, વાતાયન, સૌધ, પરિખા, ભિત્તિ વગેરેના સંદર્ભો મળે છે, પણ તેની રચનામાં વપરાતા પદાર્થોની વિગતો મળતી નથી. દુર્યોધને લાક્ષાગૃહ બનાવરાવ્યું હતું એટલી જ વાત છે. વાત્સ્યાયન ગૃહનિર્માણ-વિદ્યાને કળા કહે છે. ઈ. પૂ. 400માં શિલ્પવિદ્યાએ કળાનું સ્વરૂપ ધારણ કર્યું હતું. મત્સ્યપુરાણ, વાયુપુરાણ, સ્કંદપુરાણ, ગરુડપુરાણ, ભવિષ્યપુરાણ, વિષ્ણુધર્મોત્તરપુરાણ વગેરેમાં વાસ્તુવિદ્યા વિશે વિગતો છે. મત્સ્યપુરાણ (અ. 254) વાસ્તુવિદ્યાની વિશેષ ચર્ચા કરે છે. ભારદ્વાજ, માર્કંડેય વગેરે વાસ્તુવિદ્યાના આચાર્યો છે. આગમ અને તંત્રગ્રંથોમાં પણ વાસ્તુવિદ્યા મળે છે. આ વિદ્યા ભારત અને બહાર પણ વિકસી છે.
વાસ્તુવિદ્યા વાસ્તોષ્પતિ સાથે સંકળાયેલી છે. શાલાસૂક્તો અને વાસ્તુવિદ્યાના મંત્રો વાસ્તોષ્પતિ સાથે સંબંધિત છે. આશ્વલાયન-ગૃહ્યસૂત્ર ઋગ્વેદના ચારેય મંત્રો વાસ્તુવિધાન, ગૃહપ્રવેશ આદિ વિધિ માટે નિર્ધારિત છે. ગ્રામસેન વાસ્તોષ્પતિ તંદુરસ્તી બક્ષે છે એમ માને છે. રૉથના મતે આ બહાર જતી વખતે આશીર્વચન માગવા માટે છે. આ મંત્રો શુભપ્રવેશ, સ્વાસ્થ્ય, ઘર-પરિવારના લોકો, પાલતુ પશુઓ, સમૃદ્ધિ, પરસ્પર સહકાર, સારાં સંતાન, સન્મિત્ર, સુગમ માર્ગ અને શુભ નિવાસ માટે પ્રાર્થના રૂપે છે. વસિષ્ઠ વાસ્તોષ્પતિને પિતૃવત્ ગણવા કહે છે.
યજુર્વેદમાં વાસ્તોષ્પતિ વિશે છૂટક મંત્રો મળે છે. (યજુ. 11-44; 16, 39; 17-82; 33-60). સામવેદમાં ધ્રુવા સ્થૂણાને પ્રાર્થના છે (સા. વે. 275). અગ્નિ એ જ વાસ્તોષ્પતિ છે. (યજુ. – 1144). રુદ્રને વાસ્તુપ અને વાસ્તવ્ય કહ્યા છે (યજુ. 16-39). તે જ ધર્તા, ધ્રુવ, ઋત, સત્ય, ધરુણ અને વિધર્તા છે (યજુ. 17-82).
સામવિધાન બ્રાહ્મણ દર ચાર માસે વાસ્તુવિધાન કરવા કહે છે. તેમાં ઇન્દ્રની સમૃદ્ધિ માટે સ્તુતિ છે. (સામ. વે. 210, ઋ. વે. 3-52-1; યજુ. વે. 20-29). અથર્વવેદનું શાલાસૂક્ત વાસ્તોષ્પતિને અર્પણ કરાયું છે. કૌ. સૂ. આવાં સૂક્તોને વાસ્તોષ્પતિ ગણમાં સમાવે છે. (કૌ. સૂ. 66-22). શાલાસવમાં ગૃહસુશોભન અને ગૃહદાનની વિગતો છે. (કૌશિક ગૃહ્યસૂત્ર 3/2). વાસ્તુવિધાન વાસ્તોષ્પતિની પ્રસન્નતા માટે છે.
વાસ્તુપુરુષની ઉત્પત્તિ અન્ધકાસુર સાથે યુદ્ધ કરતા શિવના પ્રસ્વેદમાંથી થઈ છે. બધા દેવોએ તેને ઊંધો પાડી તેના ઉપર ચડી બેઠા પણ તેનો અંત થયો નહિ. વાસ્તુપુરુષનું મસ્તક ઈશાનમાં અને પગ નૈર્ઋત્યમાં રહ્યા. તે વાસ્તુપુરુષને વાસ્તુવિધાનમાં સ્થાન મળ્યું. વાસ્તુવિધાનના અંતે ગર્ભમાં મૂર્તિને આ જ રીતે દાટવામાં આવે છે. વાસ્તુયંત્રમાં બધા દેવોને સ્થાન આપ્યું છે.
નગર, ગ્રામ, ગૃહ, મંદિર, યજ્ઞમંડપ, સભાગૃહ, વાવ, કૂવા, દુર્ગ વગેરેનાં વાસ્તુ ભિન્ન ભિન્ન છે. વાસ્તુ માટે કોટિહોમ પણ બતાવાયો છે. 64, 81, 100 કે 1000 પદનાં વાસ્તુ, વાસ્તોષ્પતિની પ્રસન્નતા માટે વિવિધ ગ્રંથોમાં મળે છે.
વાસ્તોષ્પતિ નિવાસયોગ્ય ભૂમિના દેવતા છે, કૃષિયોગ્ય ભૂમિના દેવતા, ક્ષેત્રપતિ કે ક્ષેત્રપાલ છે.
દશરથલાલ વેદિયા