વાહક (પરિવહન) : ખુદ જાતે વહીને એની સાથેના પદાર્થોનું વહન કરે એવું માનવસર્જિત સાધન. વાહક પરિવહન પદ્ધતિ(transportation system)નું એક અંગ છે. વાહક માનવસર્જિત હોવું જોઈએ. ચક્રવાતમાં ફસાયેલ પદાર્થોનું વહન થાય છે, પરંતુ ચક્રવાત માનવસર્જિત નથી, તેથી ચક્રવાત વાહક નથી. નલિકાઓ પદાર્થોનું વહન કરે છે, પરંતુ ખુદ વહન થતી નથી તેથી તે વાહક નથી. બિનતારી સંદેશો ખુદ વહન થાય છે, પરંતુ તે અન્ય પદાર્થોનું વહન કરતો નથી તેથી તેને પણ પરિવહનના વાહક તરીકે ઓળખી શકાય નહિ. આ અને એવાં કેટલાંક અન્ય માધ્યમો સમાજને મહત્વની સેવા આપે છે, પરંતુ તેટલા માત્રથી તે વાહક બનતાં નથી.

પૃથ્વીના પટ પર ધ્રુવ પ્રદેશમાં કૂતરાથી ખેંચાતી સ્લેજથી માંડી અવાજની ગતિથી પણ વધારે ગતિથી ઊડતાં વિમાનો વાહકો છે. પ્રાગૈતિહાસિક કાળમાં બે માણસોના ખભા વચ્ચે રાખવામાં આવતા લાકડા પર લટકતા પદાર્થોથી માંડી આજની અણુસબમરીનો વાહકો છે. આમ, ઐતિહાસિક અને ભૌગોલિક દૃષ્ટિએ વાહકો અનેક છે. એની ગમે તેટલી લાંબી યાદી પણ અધૂરી જ રહે છે, કારણ કે સ્થળે સ્થળે અને સમયે સમયે જરૂરિયાત અને આનંદપ્રાપ્તિ માટે માણસની સંશોધનબુદ્ધિએ અગણિત વાહકો પેદા કર્યાં છે અને કરતી રહેશે. આમ છતાં, ઐતિહાસિક દૃષ્ટિએ આજથી 5500 વર્ષ પૂર્વે સૌથી પહેલાં સુમેરિયન પ્રજાએ પૈડું શોધ્યું. તે પૈડાંવાળાં વાહકો અને ધ્રુવપ્રદેશમાં ઉપયોગમાં લેવાતાં પૈડાં વગરનાં વાહકો એવા વર્ગીકૃત બે પ્રકાર પાડી શકાય.

જમીન પર રસ્તા અને લોખંડના પાટા પરનાં વાહકો, જળ પર માનવશક્તિ, કુદરતી શક્તિ કે/અને યાંત્રિક શક્તિવાળાં વાહકો, જળની અંદરના માત્ર યાંત્રિક શક્તિથી ચાલતાં વાહકો, હવામાં ગૅસ ભરેલાં અને યાંત્રિક શક્તિથી ચાલતાં વાહકો જેવા પ્રકારો પાડી શકાય. ભવિષ્યમાં અવકાશના માધ્યમમાં ઘૂમતાં વાહકોને પણ આ યાદીમાં ઉમેરવાનાં થાય. વાયુશક્તિ, વરાળશક્તિ, વિવિધ પ્રકારનાં બળતણથી ચાલતાં વિવિધ પ્રકારનાં એંજિનો જેવી શોધોએ વાહકોની ગતિ, ચોકસાઈ, વહનશક્તિ અને સગવડ તેમજ આનંદ આપવાના સામર્થ્યમાં ક્રાંતિકારી ફેરફારો કર્યા છે. શરૂઆતમાં આર્થિક દૃષ્ટિએ વાહકો માત્ર જરૂરિયાતો સંતોષવા માણસ ઉપયોગમાં લેતો હતો. હવે જરૂરિયાત ઉપરાંત માણસ વાહકને સવલતો સાચવવા અને આનંદ માણવા પણ ઉપયોગમાં લેતો થયો છે. વાહકોની સવલત અને આનંદવર્ધક સેવાને કારણે અર્થકારણમાં ખૂબ અગત્યનો પ્રવાસન-સેવા-ઉદ્યોગ વિકસી શક્યો છે.

વાહકો એકલાં કશી સેવા આપી શકતાં નથી. એમને રસ્તા, પાટા, બંદરો, હવાઈ મથકો વગેરેની જરૂર પડે છે. આ બધાંની ગુણવત્તા વાહકની સેવાશક્તિ, સલામતી અને આયુષ્ય નક્કી કરે છે. એ જ પ્રમાણે બળતણના ગુણધર્મો વાહકની શક્તિ, ગતિ અને સેવાની ગુણવત્તા નક્કી કરે છે. વાહક વહનમાં જેટલો સમય વધારે રહે એટલી એની સેવાની પડતર નીચી આવે છે. વાહક સાથે આમ આ બધાં પરિબળો પરિવહન-પદ્ધતિ(system)નું નિર્માણ કરે છે. કેટલીક વાર લશ્કરી હેતુઓ સિદ્ધ કરવા નવા જ પ્રકારનું વાહક તૈયાર કરવામાં આવે છે અથવા તો હયાત વાહકમાં સુધારા કરવામાં આવે છે. સમય જતાં આ લશ્કરી વાહકો પરિવહનમાં ઉપયોગી બને છે. જળની અંદરનું વાહક સબમરીન એનો એક દાખલો છે.

સૂર્યકાંત શાહ