વાસ્કો-દ-ગામા

January, 2005

વાસ્કો-દ-ગામા (જ. 1460 સાઇનીસ, પૉર્ટુગલ, અ. 24 ડિસેમ્બર 1524, કોચિન, ભારત) : પૂર્વયુરોપથી કેપ ઑવ્ ગુડ હોપ થઈને ભારત સુધીનો દરિયાઈ માર્ગ શોધનાર પોર્ટુગીઝ નાવિક. તેણે ખગોળશાસ્ત્ર અને નૌકાવિદ્યાનો અભ્યાસ કર્યો હતો. 1492માં તે નૌકા-અધિકારી બન્યો અને પૉર્ટુગલના કિનારા પરનાં વહાણો ઉપર હકૂમત ધરાવતો હતો. ઈ. સ. 1488માં બાર્થોલૉમ્યુ ડાયઝ નામના પૉર્ટુગીઝ નાવિકે આફ્રિકાના દક્ષિણ છેડા સુધીનો દરિયાઈ માર્ગ શોધીને ત્યાંની ભૂશિરને ‘કેપ ઑવ્ ગુડ હોપ’ નામ આપ્યું હતું. 1497માં પોર્ટુગલના રાજા મૅન્યુઅલ પહેલાએ દ-ગામાને ભારતનો દરિયાઈ માર્ગ શોધવા જણાવ્યું. 8 જુલાઈ, 1497ના રોજ દ-ગામા ચાર વહાણો અને 170 નાવિકોના કાફલા સહિત લિસ્બનથી સિધાવ્યો. તેમણે હોકાયંત્ર, નૌકાયાનનાં સાધનો, નકશા વગેરે સાથે રાખ્યાં. 22 નવેમ્બરે કેપ ઑવ્ ગુડ હોપ થઈને ઉત્તરમાં મોઝામ્બિક, કેન્યાના મોમ્બાસા અને મલિન્દી (પૂર્વ આફ્રિકા) ગયો. મલિન્દીના લોકોએ તેને મદદ કરી અને એક ભારતીય કચ્છી નાવિક કાનજી માલસને દરિયાઈ માર્ગ બતાવવા સાથે મોકલ્યો. તેથી માત્ર 23 દિવસમાં હિંદી મહાસાગર ઓળંગીને 20 મે, 1498ના રોજ દ-ગામા ભારતના કાલિકટ બંદરે ઊતર્યો. સ્થાનિક રાજા ઝામોરિને તેને આવકાર્યો. કાલિકટ બંદરના વેપાર પર મુસ્લિમ વેપારીઓનો અંકુશ હોવાથી તેમના વેપારમાં પોર્ટુગીઝોની દરમિયાનગીરી તેને પસંદ ન હતી. તેમને તેઓ વેપારના હરીફો લાગ્યા. તેથી દ-ગામા કાલિકટમાં વેપારી કરાર કે સંધિ કરી શક્યો નહિ. ઑગસ્ટ, 1498માં ભારતના માલના કેટલાક નમૂના સાથે તે પાછો ફર્યો. હિંદી મહાસાગર ઓળંગતાં તેને ત્રણ મહિના થયા અને સફર દરમિયાન સ્કર્વીનો રોગ થવાથી તેના ઘણા માણસો મરણ પામ્યા. તેના કાફલામાં માત્ર 55 જણા બચ્યા. પશ્ચિમ આફ્રિકાના કિનારા તરફથી પસાર થતા વાવાઝોડાને લીધે વહાણો છૂટાં પડી ગયાં; અને જુદા જુદા સમયે લિસ્બન પહોંચ્યા. દ-ગામા 9 સપ્ટેમ્બર, 1499ના રોજ લિસ્બન પહોંચ્યો. રાજા મૅન્યુઅલે તેને સારી બક્ષિસ તથા ‘ઍડમિરલ ઑવ્ ધ સી ઑવ્ ઇન્ડિયા’નો ખિતાબ આપ્યો.

રાજા મૅન્યુઅલે બીજો નૌકાકાફલો પેદ્રો અલ્વારિસ કેબ્રલની આગેવાની હેઠળ ભારત મોકલ્યો. દ-ગામાને ફેબ્રુઆરી, 1502માં નૌકાકાફલા સહિત બીજી વાર ભારત મોકલ્યો. તેણે બળનો ઉપયોગ કરીને, આફ્રિકા અને ભારત વચ્ચેના હિંદી મહાસાગરમાં વેપાર માટે પૉર્ટુગીઝોનો અંકુશ સ્થાપ્યો. ઑક્ટોબર, 1503માં પૉર્ટુગલ પાછા ફર્યા બાદ નાવિક તરીકે નિવૃત્ત થયો. 1519માં રાજાએ તેને કાઉન્ટ (ઉમરાવ) બનાવ્યો.

વાસ્કો દ ગામા

1524માં રાજા જૉન ત્રીજાએ તેમને ભારતનો વાઇસરૉય એટલે કે ભારતમાં પૉર્ટુગલના પ્રદેશનો વાઇસરૉય નીમ્યો. દ-ગામા ભારત આવ્યો. અહીં તે માંદો પડ્યો અને મરણ પામ્યો. દરિયાઈ માર્ગની તેની શોધના પરિણામે યુરોપિયનોએ ભારત સહિત પૂર્વના દેશોમાં સંસ્થાનો અને તે પછી સામ્રાજ્યો સ્થાપ્યાં.

જયકુમાર ર. શુક્લ