વાસેકર, વિશ્વાસ પ્રભાકરરાવ

January, 2005

વાસેકર, વિશ્વાસ પ્રભાકરરાવ (જ. 20 ઑગસ્ટ 1952, વાસ્સા, જિ. પરભણી, મહારાષ્ટ્ર) : મરાઠી લેખક. તેમણે નૂતન મહાવિદ્યાલય, સેલુમાં મરાઠીના અધ્યાપક તરીકે કામગીરી કરી. તેઓ 1986માં મરાઠી ગ્રામીણ સાહિત્ય પરિષદના સભ્ય; તથા 1986-89 દરમિયાન મહારાષ્ટ્ર સ્ટેટ લાઇબ્રેરિયન ઍસોસિયેશનના સેક્રેટરી રહ્યા.

તેમણે અત્યાર સુધીમાં મરાઠીમાં 10 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘કોરસ’ (1980), ‘કાલા ગુલાબ’ (1986), ‘પૈગામ’ (1997), કાવ્યસંગ્રહો; ‘ફોબિયા’ (1989) નવલકથા; ‘હાસ્યછટા’ (1998) પરિહાસ ગ્રંથ; ‘રેઘોટયા’ (1984) અને ‘શાયરીચે રંગ’ (1998) નિબંધસંગ્રહ અને ‘કાવ્યસ્ય’ (1998) વિવેચનગ્રંથ મુખ્ય છે.

તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને બાળસાહિત્ય અંગેના સંશોધન માટે 1994માં અમરેન્દ્ર ગાડગિલ ઍવૉર્ડ અને 1995માં મુંબઈ મરાઠી ગ્રંથ સંગ્રહાલય તરફથી શેનાઈ ખટખટે ઍવૉર્ડ આપવામાં આવેલા.

બળદેવભાઈ કનીજિયા