વાયુપુરાણ : પ્રાચીન ભારતીય પુરાણસાહિત્યનો એક ગ્રંથ. વાયુપુરાણ એક પ્રાચીન પુરાણ છે. પુરાણોની યાદીમાં સામાન્ય રીતે વાયુપુરાણ કે શિવપુરાણને ચોથું પુરાણ માનવામાં આવે છે. કૂર્મ, પદ્મ, બ્રહ્મવૈવર્ત, ભાગવત, માર્કંડેય, લિંગ, વરાહ અને વિષ્ણુપુરાણ શિવપુરાણને ચોથું પુરાણ ગણાવે છે. વસ્તુત: વાયુપ્રોક્ત સંહિતા શિવમહાપુરાણનો ભાગ છે; પણ તે પ્રસિદ્ધ વાયુપુરાણના છઠ્ઠા ભાગ જેટલું છે. મત્સ્યપુરાણ વાયુપુરાણના 24,000 શ્ર્લોકો ગણાવે છે. ઉપલબ્ધ વાયુપુરાણ આ પુરાણના 23,000 શ્ર્લોકો ગણાવે છે. વર્તમાન વાયુપુરાણ સ્પષ્ટ રીતે આનાથી ભિન્ન છે.
પ્રસિદ્ધ વાયુપુરાણના 112 અધ્યાયોમાં પુરાણનાં પાંચેય લક્ષણો મળે છે. અ. 103માં ગુરુપરંપરા છે. અ. 104થી 112માં વૈષ્ણવધર્મની વિગતો મળે છે. તે પાછળથી ઉમેરાયેલી હોવાનો ઘણા વિદ્વાનો મત ધરાવે છે. વાયુપુરાણ પાશુપત શૈવપરંપરાને અનુસરે છે. નારદીય પુરાણ પણ વાયુપુરાણમાં રુદ્રનું પ્રતિપાદન સ્વીકારે છે. (1/95-116).
વાયુપુરાણ ચતુષ્પાદ છે : પ્રક્રિયાપાદ, ઉપોદ્ઘાતપાદ, અનુષંગપાદ અને ઉપસંહારપાદ.
પ્રક્રિયાપાદના છ અધ્યાયોમાં પુરાણજિજ્ઞાસા, અધિસીમ કૃષ્ણના દ્વાદશ વાર્ષિક યજ્ઞનો પ્રસંગ અને સૃદૃષ્ટિવર્ણન સમાયાં છે.
બીજો ઉપોદબાતપાદ અ. 7થી 64 સુધી વિસ્તરેલો છે. આ વિભાગમાં પ્રતિસંધિ (7), ચતુરાશ્રય વિભાગ, દેવાદિ સૃદૃષ્ટિ (8), મન્વન્તર (9), પાશુપત યોગ (11-15), શૌચાચાર (16), પરમાશ્રય (17), પ્રાયશ્ચિત્ત (18), અરિષ્ટ (19), ઓંકારપ્રાપ્તિ (20), કલ્પ (21-22), મહેશ્વરના અવતાર (23), શાર્વસ્તવ (શિવની સ્તુતિ) (24), મધુકૈટભ (વૃત્તાન્ત) (25), સ્વરોત્પત્તિ (26), મહાદેવનું સ્વરૂપ (27), ઋષિવંશ (28), અગ્નિવેશ (29), દક્ષ-શાપ (30 31), યુગધર્મ (32), સ્વાયંભુવ વંશ (33), ભુવનકોશ અને જીવનવિન્યાસ (345-49), ખગોળ (50-53), નીલકંઠ સ્તવ (54), લિંગોદભવ (55), પિતૃવર્ણન (56), યજ્ઞપ્રવર્તન (57), ચતુર્યુગાખ્યાન (58), ઋષિલક્ષણ (59), મહાસ્થાન-તીર્થવર્ણન (60), પ્રજાપતિવંશ વર્ણન (61), વેનચરિત-પૃથુચરિત (62-63), વૈવસ્વત સર્ગ (64) વર્ણ્ય વિષયો છે.
અનુષંગ પાદમાં અ. 65થી 99 અધ્યાય છે. પ્રજાપતિ વંશ (65), કાદૃશ્યપી સૃદૃષ્ટિ (અ. 66-69), ઋષિવંશાનુકીર્તન (70), શ્રાદ્ધ ધર્મ (71-85), ગાંધર્વ મૂર્છના (86), ગીતાલંકાર (87), વૈવસ્વત મનુવંશ (88-89), ચંદ્રવંશ પુરુરવોર્વશી ચરિત્રાદિ (90-93), કાર્તવીર્ય સહસ્રાર્જુનચરિત (94), જરાસંધ વૃત્તાન્ત (95), વિષ્ણુવંશ અને વિષ્ણુમાહાત્મ્ય (96-98) અને તુર્વસુ વગેરેના વંશનું વર્ણન આ પાદના વર્ણ્ય વિષયો છે.
છેલ્લો ઉપસંહારપાદ અન્વર્થક છે. આ પુરાણનું સમાપન આ પાદમાં થાય છે. મન્વન્તર નિસર્ગવર્ણન (100), ભૂર્લોકાદિવ્યવસ્થાનું નિરૂપણ (101) અને પ્રતિસર્ગ (102)માં સમાપનના હેતુની અભિવ્યક્તિ છે. આ પછી સૃદૃષ્ટિવર્ણન (103), વ્યાસસંશયનું અપનોદન (શંકા દૂર કરી સમાધાન સાધવું) અને ગયા-માહાત્મ્ય (105-114) આવે છે. આ પછી ઋષિપરંપરા અને ફલશ્રુતિ પછી આવતું તેમનું સ્થાન જેવા અંશો પ્રક્ષિપ્ત મનાયા છે, જે બાબત સત્ય જણાય છે.
આ પુરાણમાં વાયુ દ્વારા કહેવાયેલા સદાચારના ધર્મો અને રુદ્ર-માહાત્મ્ય મુખ્ય છે.
श्वेतकल्पप्रसंगकगेन धर्मान् वायुरिहा ब्रवीत् ।
यत्र तद्वायवीयं स्यात् रुद्रमाहत्म्यसंयुतम् ।। (5328)
પ્રો. હાઝરાના મતે વાયુપુરાણના અ. 16-18, જે પાશુપતયોગમાં છે તે માર્કંડેય પુરાણના અ. 39થી 43 સુધી પ્રભાવિત છે. આથી તે ઈ. સ. 200થી પ્રાચીન ગણી શકાય નહિ. વળી તેઓ કહે છે તેમ, બ્રહ્માંડપુરાણ અને વાયુપુરાણ આરંભકાળે એક હશે; ઈ. સ. 400 લગભગ જુદાં પડ્યાં છે. પાશુપતયોગ બ્રહ્માંડપુરાણમાં મળતો નથી. તેથી તે વાયુપુરાણમાં પાછળથી સમાવાયો હતો. વાયુપુરાણમાં મળતો યુગધર્મ (અ. 57થી 59) નંદના શાસન અને પશ્ચિમ ભારતમાં આંધ્રશાસનની અસર ધરાવે છે. શ્રાદ્ધ-વિષયક (અ. 73થી 83) ઘણી બાબતો મનુસ્મૃતિ કે યાજ્ઞવલ્ક્યસ્મૃતિમાં મળતી નથી; પાંચરાત્ર સંહિતાઓમાં અપાયેલું મહત્ત્વ જોતાં શ્રાદ્ધ કલ્પનો આ અંશ પણ ઈ. સ. 200થી વધુ પ્રાચીન હોઈ શકે નહિ.
વાયુપુરાણ (અ. 82)માં કૃતિકાથી આરંભાતી નક્ષત્રગણના વરાહમિહિરથી પ્રાચીન છે. અ. 78-79 પણ ઈ. સ. 300 લગભગ વાયુપુરાણનો અંશ જણાય છે. વાયુપુરાણના અ. 53-54માં આવતી સંગીત-વિષયક સામગ્રી પણ પરવર્તી અંશ જણાય છે. આમ છતાં વાયુપુરાણના ઘણા અંશો મહાભારતના જેટલા પ્રાચીન છે. ઉપલબ્ધ વાયુપુરાણની રચના ઈ. સ. 200થી 400 સુધીમાં થઈ ચૂકી હતી તેમાં સંશય નથી.
અહીં સર્ગ, પ્રતિસર્ગ, વંશ, વંશાનુચરિત અને મન્વન્તર ઉપરાંત પાશુપતયોગ, કલ્પનિરૂપણ, વેદવિદ્યાપરંપરા, પિતૃવર્ણન, નિર્વચનો જેવા વિષયો ધ્યાન ખેંચે છે.
શ્રી રાય ચૌધરી, પ્રો. વી. આર. આર. દીક્ષિતાર, પ્રો. હાઝરા, પ્રો. વાસુદેવશરણ અગ્રવાલ, ડૉ. એ. ડી. પુસાળકરે પણ વિલ્સન અને પાર્જિટરની માફક આ પુરાણનું અધ્યયન કર્યું છે.
સુદ્યુમ્ન વૃત્તાન્ત, ચ્યવનસુકન્યાનું આખ્યાન, શશાદ પ્રતિ વિક્રમ આદિલક સાથેના યુદ્ધમાં કકુત્સ્થ, સગર વૃત્તાન્ત, ત્રિશંકુ વૃત્તાન્ત, હરિશ્ર્ચંદ્રોપાખ્યાન જેવા સૂર્યવંશી રાજવીઓનાં ચરિત્રો તેમજ તારકામયયુદ્ધ, બુધ-પુરુરવા વૃત્તાંત, જહનુકથા, માંધાતા, ગાધિ, જમદગ્નિ, યયાતિ-ચરિત, કાર્તવીર્ય સહસ્રાર્જુન, ચંદ્રવંશના અનુવંશોમાં આવતાં ચરિત્રો આ પુરાણમાં ગૂંથાયાં છે.
આ પુરાણમાં પ્રમાણમાં ઓછા પ્રક્ષેપો છે. મૂળે 24,000 શ્ર્લોકોના આ પુરાણમાં લગભગ 12,000 શ્ર્લોકો છે. ઘણા અંશો વિશૃંખલ હોવા છતાં આ પુરાણનું મૂળસ્વરૂપ ઘણુંખરું જળવાઈ રહ્યું છે. સ્વરૂપલક્ષી અધ્યયનના આધારે અ. 104થી 112 પ્રક્ષિપ્ત મનાય છે. અ. 103-/ 58-66ની ગુરુ-પરંપરા અને ફલશ્રુતિ આ પુરાણની સમાપ્તિ સૂચવે છે. પ્રક્ષિપ્ત અંશ ઈ. સ. 1400 લગભગ રચાઈ ચૂક્યા હતા. મળતી શ્ર્લોકોની સંખ્યા 12,000 અને વાયુપુરાણમાં ઉલ્લિખિત 83,000 શ્ર્લોકસંખ્યા આ પુરાણના ઘટેલા અંશો સૂચવે છે.
ડૉ. ડી. આર. પાટીલ આ પુરાણના વર્ણ્ય અંશને વેદપૂર્વે અને વૈદિક સાહિત્યમાં ઉપલબ્ધ વિગતો; વેદકાળથી ધર્મશાસ્ત્ર પર્યંત અર્થાત્ બૌદ્ધ ગ્રંથો, જૈન આગમો અર્થશાસ્ત્રના મહાભારત તેમજ મનુસ્મૃતિકાલીન અંશ અને બાકીના નવીન અંશ એવા ત્રણ વિભાગોમાં વહેંચે છે. તેમના મતે આ પુરાણની પૂર્વ સીમા ઈ. પૂ. 500 અને ઉત્તર સીમા ઈ. સ. 500 ગણી શકાય.
દશરથલાલ જી. વેદિયા