વાયુબ્રેક : હવાના દબાણના તફાવત દ્વારા સક્રિય બનતી બ્રેક. વાયુબ્રેક (Air Brake) અથવા વધુ સ્પષ્ટ રીતે વર્ણવીએ તો દબાયેલી વાયુબ્રેક (compressed air brake) ભારે માલવાહક વાહનોની ગતિ ધીમી પાડવા અથવા તેને અટકાવવામાં વપરાય છે. આ પ્રકારની વાયુબ્રેકનો ઉપયોગ બસ, ટ્રક, ટ્રેઇલર અને રેલગાડીમાં થાય છે. અને 1872માં જ્યોર્જ વૉશિંગ્ટને સૌપ્રથમ વાર વાયુબ્રેક વિકસાવી.

વાયુબ્રેકમાં સામાન્ય રીતે હવાનું દબાણ 100 – 120 psi અથવા 6.9 – 8.3 bar જેટલું રાખવામાં આવે છે.

જ્યારે વાહનમાં ડ્રાઇવર (ચાલક) બ્રેકનું પૅડલ દબાવે છે ત્યારે ભારે દબાણવાળી હવા ટાંકી(Reservoir)માંથી બ્રેકની ચેમ્બરમાં પ્રવેશી બ્રેકનું સંચાલન કરે છે. જ્યારે બ્રેકના પૅડલને મુક્ત (release) કરવામાં આવે ત્યારે બ્રેક વાહનની ગતિ રોકવાની સ્થિતિમાંથી મુક્ત થાય છે. (Disengaging of Break) બ્રેકની ચેમ્બરમાંથી આ પરિસ્થિતિમાં ભારે દબાણની હવા વાતાવરણમાં ભળી જાય છે. મોટાભાગની વાયુબ્રેક, drum type અને વર્તમાનમાં disc typeની હોય છે. હવાનું દબાણ જે ખૂબ ઓછું થાય તે સંજોગોમાં બ્રેકની ગતિ રોકવાની શક્તિ નબળી પડી જાય છે. આની નોંધ વાહનચાલક લઈ શકે તે માટેની ચેતવણી વાયુબ્રેકની systemમાં વિગ-વેગ (wig wag) ઉપકરણ દ્વારા કરવામાં આવે છે.

પ્રકાશ ભગવતી