વહાબી આંદોલન (1820-1870) : રાયબરેલીના સૈયદ અહમદ બરેલવી(1786-1831)એ ઇસ્લામ ધર્મમાં સુધારા કરવા માટે ભારતમાં શરૂ કરેલ આંદોલન. પાછળથી તે પંજાબમાંથી શીખોને અને બંગાળમાંથી અંગ્રેજોને દૂર કરીને મુસ્લિમ સત્તા સ્થાપવા માટેનું રાજકીય આંદોલન બન્યું હતું. ઇસ્લામ ધર્મમાં સુધારા કરવાના ઇરાદાથી અરબસ્તાનમાં અઢારમી સદીના છેલ્લાં વરસોમાં અબ્દુલ વહાબે આ આંદોલન શરૂ કર્યું હોવાથી, તે વહાબી આંદોલન કહેવાયું. સૈયદ અહમદ દિલ્હીના પ્રસિદ્ધ સંત શાહ વલીઉલ્લાહ તથા તેમના પુત્ર અબ્દુલ અઝીઝના ઇસ્લામમાં સુધારા વિશેના વિચારોથી પ્રભાવિત થયા હતા. વળી તેઓ મક્કા ગયા ત્યારે અબ્દુલ વહાબે શરૂ કરેલ આંદોલનથી પરિચિત થયા હતા. તેમના વિચારોમાંથી ભારતમાં વહાબી આંદોલન કરવાની તેમને પ્રેરણા મળી હતી.
શરૂઆતમાં આ આંદોલનનું સ્વરૂપ ધાર્મિક હતું તથા ઇસ્લામની સુધારણા કરવાને મહત્વ આપ્યું હતું; પરંતુ સૈયદ અહમદે ભારતની ભૂમિને મુસ્લિમોની ભૂમિ બનાવવા જેહાદ આરંભી. તેમણે ભારતના વિવિધ વિસ્તારોમાં પ્રવાસ કરીને અનુયાયીઓ તૈયાર કર્યા. આ વખતે પેશાવર તથા પંજાબ શીખોની સત્તા હેઠળ હોવાથી વહાબીઓએ પ્રથમ આંદોલન શીખો સામે કર્યું. પાછળથી તે પ્રદેશો અંગ્રેજોની સત્તા હેઠળ જવાથી આંદોલન અંગ્રેજો સામે થયું. તેથી તેને રાજકીય સ્વરૂપ મળ્યું. વહાબીઓ અંગ્રેજો વિરુદ્ધના લગભગ અર્ધી સદીના તેમના આંદોલન દરમિયાન હિંદુઓ વિરુદ્ધ કંઈ કરતા ન હતા. આ આંદોલનને હિંદુઓનો ટેકો મળ્યો ન હતો, પરંતુ કેટલાક હિંદુઓ તેમના પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા.
સૈયદ અહમદે ઉત્તર ભારતમાં પટણાથી પેશાવર સુધીના વિસ્તારોમાં વહાબી સંસ્થાની શાખાઓ સ્થાપી. તેમાં મુસલમાનોની ભરતી કરીને તેમને શસ્ત્રો વાપરવાની તાલીમ આપવામાં આવી. શરૂઆતમાં શીખો પાસેથી પેશાવર તથા પંજાબ કબજે કર્યા પછી અફઘાનિસ્તાન અને સરહદના પ્રદેશોમાં રહેતા મુસલમાનોની મદદ વડે ભારત તાબે કરવાની યોજના ઘડવામાં આવી. તે મુજબ સૈયદ અહમદ તેમના 500થી વધારે સશસ્ત્ર સ્વયંસેવકો (સૈનિકો) લઈને 1826માં રાયબરેલીથી નીકળ્યા. તેઓ રસ્તામાં અનેક સ્થળે રોકાયા અને સ્વયંસેવકોની ભરતી કરતા આગળ વધીને 1830માં પેશાવર પહોંચ્યા. પેશાવર જીતી લઈને પોતાના નામના સિક્કા પડાવ્યા. ઈ. સ. 1831માં રણજિતસિંહના લશ્કર સાથે બાલાકોટ નજીક થયેલા ખૂનખાર જંગમાં શીખ લશ્કરે વહાબીઓને સખત પરાજય આપ્યો. આ લડાઈમાં સૈયદ અહમદ સહિત કેટલાક વહાબી આગેવાનો માર્યા ગયા. શીખોએ પુન: પેશાવર કબજે કર્યું. આ હારથી વહાબી આંદોલનને ફટકો પડ્યો.
આમ છતાં, સૈયદ અહમદે પટણામાં ખલીફા નીમેલા વિલાયતઅલી અને ઇનાયતઅલીની આગેવાની હેઠળ સરહદના વિસ્તારોમાં અને મહમ્મદ શાહ તથા અકબરખાનની આગેવાની હેઠળ બિહાર અને બંગાળમાં વહાબી આંદોલનની પ્રવૃત્તિ ચાલુ રહી. રાજમહલ, રાજશાહી, માલ્દા, નદિયા, ઢાકા વગેરે સ્થળોએ વહાબી સંસ્થાની શાખાઓ સ્થાપવામાં આવી. વિલાયતઅલીએ મધ્યપ્રદેશ, મુંબઈ ઇલાકો, દક્ષિણમાં હૈદરાબાદનું રાજ્ય વગેરે વિસ્તારોમાં પ્રવાસ કરીને વહાબી આંદોલનનો પ્રચાર કર્યો. હૈદરાબાદમાં નવાબના ભાઈએ સહકાર આપવાથી તે રાજ્યમાં આંદોલનનો પ્રચાર વધ્યો. તેથી અંગ્રેજ સરકારે નવાબના ભાઈ અને તેના સાથીદારોની ધરપકડ કરી, ગોલકોંડાના કિલ્લામાં કેદ કર્યા. 1854માં નવાબનો ભાઈ કિલ્લામાં મરણ પામ્યો; પરંતુ તેના સાથીઓને દસ વર્ષ સુધી જેલમાં રાખવામાં આવ્યા.
વિલાયતઅલીએ વહાબીઓનું મુખ્ય મથક વાયવ્ય સરહદ પ્રાંતના સિતાનમાં રાખ્યું અને બિહાર, બંગાળ, ઉત્તર પ્રદેશ તથા પંજાબમાં વહાબી આંદોલનનું સંગઠન સાધ્યું. તેણે દિલ્હી જઈને મુઘલ બાદશાહ બહાદુરશાહને આંદોલનની વિગતે માહિતી આપીને તેની મદદ માગી; પરંતુ તેની મહેનત નિષ્ફળ ગઈ.
ઈ. સ. 1852માં વિલાયતઅલીનું અવસાન થવાથી આંદોલનનું સંચાલન તેના ભાઈ ઇનાયતઅલીએ સંભાળ્યું. ભારતને અંગ્રેજો તથા બિન-મુસ્લિમોમાંથી મુક્ત કરવા માટે તે જલદ લશ્કરી પ્રવૃત્તિ કરવામાં માનતો હતો. તેથી તેણે વાયવ્ય સરહદથી પટણા સુધીના વિસ્તારોમાં જેહાદ જગાવી; પરંતુ 1850 સુધીમાં ઉત્તર ભારતનો લગભગ બધો પ્રદેશ બ્રિટિશ સત્તા હેઠળ આવી ગયો હોવાથી બ્રિટિશ સેનાએ વહાબી બળવાખોરો વિરુદ્ધ સખત કાર્યવહી કરી. બળવાખોરોનાં સ્થાનો પર વારંવાર હુમલા કર્યા. પેશાવર, રાવલપિંડી વગેરે ઠેકાણે લશ્કરના સૈનિકોને ફોડવાનો પ્રયાસ કરનાર વહાબીઓને તોપને ગોળે ઉડાવવામાં આવ્યા. 1857ના વિપ્લવ દરમિયાન ઘણાખરા વહાબી આગેવાનો જેલમાં હોવાથી તેઓ તેમાં ભાગ લઈ શક્યા નહિ. તેમ છતાં ચરબીવાળી કારતૂસોનો પ્રચાર કરવામાં તેમનો નોંધપાત્ર હિસ્સો હતો. પટણા, આગ્રા, દિલ્હી જેવાં કેટલાંક ઠેકાણે વહાબીઓએ બળવામાં ભાગ લીધો હતો. વિપ્લવ પછી, 1858થી 1870 દરમિયાન સરહદના પ્રાંતોથી પટણા સુધીના વિસ્તારોમાં વહાબીઓએ વખતોવખત રંજાડ કરી હતી. તેથી અંગ્રેજ લશ્કરે તેઓની વિરુદ્ધ સખત હાથે કામ લઈને તેમનાં અનેક થાણાંઓનો નાશ કર્યો હતો. તેમના આગેવાનોને દેશનિકાલ કરવામાં આવ્યા કે મૃત્યુદંડની સજા કરવામાં આવી. વખત જતાં 1870 સુધીમાં વહાબી આંદોલન શાંત થઈ ગયું.
જયકુમાર ર. શુક્લ