વહીદખાં (જ. 1895, ઇટાવા; અ. ?) : સૂરબહાર અને સિતારના પ્રસિદ્ધ કલાકાર. તેમના પિતા ઉસ્તાદ ઇમદાદખાં પણ સૂરબહાર અને સિતારના ઉચ્ચ કલાકાર હતા. ઇનાયતખાંસાહેબ તેમના નાના ભાઈ હતા.

વહીદખાંએ શરૂઆતમાં ધ્રુપદ, ખયાલ તથા ઠૂમરીની તાલીમ લઈ, પછી સિતાર અને સૂરબહારની તાલીમ પોતાના પિતા પાસેથી પ્રાપ્ત કરી. ત્રણ વર્ષ સુધી તેઓ પતિયાલા નરેશને ત્યાં દરબારી સંગીતકાર હતા. ત્યારબાદ ઇંદોર ખાતે હોળકર દરબારમાં અઢાર વર્ષ સુધી રહી. ખૂબ પ્રતિષ્ઠા મેળવી. આ ઉપરાંત ટીકમગઢ, રીવા, વડોદરા, મૈસૂર, ધોલપુર વગેરે સંસ્થાનો તરફથી પણ તેમને સન્માન તથા ચંદ્રકો પ્રાપ્ત થયા. મુંબઈના ગવર્નર દ્વારા પણ તેમને સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. પાછલાં વર્ષોમાં તેઓ કોલકાતા રહ્યા હતા અને ત્યાં સંગીતશિક્ષણનું કાર્ય કર્યું હતું.

નીના ઠાકોર