વસુદેવ : યદુવંશી શૂર અને મારિષાના પુત્ર, કૃષ્ણના પિતા, કુંતીના ભાઈ અને મથુરાના રાજા ઉગ્રસેનના મંત્રી. તેમનાં લગ્ન દેવક કે બાહુકની સાત કન્યાઓ સાથે થયાં હતાં જેમાં દેવકી સહુથી મુખ્ય હતી.

દેવકીનો આઠમો પુત્ર કંસનો વધ કરશે એવી આકાશવાણીને કારણે કંસે પોતાની બહેન દેવકી અને બનેવી વસુદેવને કારાગૃહમાં રાખ્યાં હતાં અને વસુદેવનું મોટાભાગનું જીવન કારાગૃહમાં વીત્યું હતું. કૃષ્ણને મથુરાથી ગોકુળમાં મૂકી આવવાનું અને નંદ-યશોદાની નવજાત કન્યાને મથુરા કારાગૃહમાં લઈ આવવાનું કાર્ય વસુદેવે પાર પાડ્યું હતું.

વસુદેવના નામ નપરથી કૃષ્ણને વાસુદેવ તરીકે સંબોધવામાં આવતા. વસુદેવના જન્મ વખતે દેવતાઓએ આનક અને દુંદુભિ વગાડ્યાં હતાં જેથી વસુદેવનું એક નામ ‘આનંદદુંદુભિ’ પણ પડ્યું હતું. વસુદેવે સ્યમંતપંચક-ક્ષેત્રમાં અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો. કૃષ્ણના મૃત્યુના સમાચાર જાણીને ઉદ્વિગ્ન થઈ વસુદેવે પ્રભાસક્ષેત્રમાં દેહત્યાગ કર્યો હતો.

પ્રવીણચંદ્ર પરીખ