વસુદેવ-હિંડી

January, 2005

વસુદેવ-હિંડી : જૈન કથાસાહિત્યની પ્રથમ કક્ષાની કૃતિઓમાંની એક. આગમબાહ્ય ગ્રંથોમાં પ્રાચીનતમ ગણાતા આ ગ્રંથમાં જૈન પરંપરા પ્રમાણે કૃષ્ણના પિતા વસુદેવના ભ્રમણ(હિંડી)નો વૃત્તાન્ત છે. મૂળ સંસ્કૃતના અને ગુજરાતી તેમજ પ્રાકૃતમાં વપરાતા ‘હિંડ’ ધાતુનો અર્થ ચાલવું-ફરવું-પરિભ્રમણ કરવું એવો થાય છે. એથી ‘વસુદેવ-હિંડી’ એટલે વસુદેવનું પરિભ્રમણ. શ્રીકૃષ્ણના પિતા વસુદેવ પોતાની યુવાવસ્થામાં ગૃહત્યાગ કરીને ચાલી નીકળ્યા હતા અને વર્ષોના પરિભ્રમણ દરમિયાન તેમણે અનેક માનવ અને વિદ્યાધર કન્યાઓ સાથે લગ્ન કર્યાં હતાં તથા અનેક પ્રકારના ચિત્રવિચિત્ર અનુભવો લીધા હતા. તેનો વૃત્તાન્ત એ વસુદેવ-હિંડીના કથાભાગનું મુખ્ય કલેવર છે; પણ જ્યાં જ્યાં તક મળી ત્યાં ત્યાં કર્તાએ અનેક ધર્મકથાઓ, લોકકથાઓ અને વાદસ્થળો તેમજ તીર્થંકરો, ધર્મપરાયણ સાધુઓ અને ધાર્મિક પુરુષોનાં ચરિત્રો તથા બીજી અનેક વસ્તુઓનું નિરૂપણ કરીને, આ ગ્રંથને એક મહાકાય ધર્મકથા તરીકે રજૂ કર્યો છે.

તેના બે ખંડ છે : પ્રથમ ખંડ જૈન સાહિત્યના સર્વ ઉપલબ્ધ આગમેતર કથાગ્રંથોમાં પ્રાચીનતમ છે. તેના પ્રથમ ખંડના 29 અને બીજાના 71 લંભક (પ્રકરણ) છે. પ્રથમ ખંડના કર્તા સંઘદાસગણિ વાચક અને બીજા ખંડના કર્તા ધર્મસેનગણિ છે. તેમનો સમય નિશ્ચિત નથી, પણ જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે ‘વિશેષણવતી’માં આ ગ્રંથનો ઉલ્લેખ કર્યો છે. એથી સંઘદાસગણિનો સમય ઈ. સ.ની છઠ્ઠી શતાબ્દી પહેલાંનો સિદ્ધ થાય છે. પ્રથમ ખંડનો વચ્ચેનો અને અંતનો ભાગ ખંડિત છે. 19 અને 20 લંભક અનુપલબ્ધ છે અને 28મું લંભક અપૂર્ણ મળે છે.

મુનિશ્રી પુણ્યવિજયજી દ્વારા સંપાદિત આત્માનંદ જૈન ગ્રંથમાળા, ભાવનગરથી ઈ. સ. 1930-1931માં તેના પ્રથમ ખંડનું પ્રકાશન થયું છે. ડૉ. ભોગીલાલ સાંડેસરાએ તેનું ગુજરાતી ભાષાન્તર કર્યું છે. બીજા ખંડને સામાન્ય રીતે મધ્યમ ખંડ કહેવામાં આવે છે. તેનો એક ભાગ એલ. ડી. ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડૉલોજી તરફથી એલ. ડી. સિરીઝ 99 તરીકે પ્રકાશિત થયો છે, બાકીનો ભાગ અદ્યાપિ અપ્રકાશિત છે.

ડૉ. આલ્સડૉર્ફે બૃહત્કથા અને વસુદેવ-હિંડીના સંબંધ અંગે મહત્ત્વનું સંશોધન કર્યું છે તથા બૃહત્કથાના મૂળ સ્વરૂપ વિશે કેટલાંક પ્રમાણો રજૂ કર્યાં છે. બૃહત્કથાના નાયક નરવાહનદત્તનાં પરાક્રમો જૈન સાહિત્યમાં કૃષ્ણના પિતા પર આરોપવામાં આવ્યાં છે. કથાનું વિભાજન છ અધિકારોમાં કરવામાં આવ્યું છે – કથાની ઉત્પત્તિ, પીઠિકા, મુખ, પ્રતિમુખ, શરીર અને ઉપસંહાર. કથા-ઉત્પત્તિમાં જંબૂસ્વામીચરિત, માતાપિતા અને જંબૂ વચ્ચે તથા જંબૂ અને પ્રભવ વચ્ચે સંવાદ, કુબેરદત્તચરિત, મહેશ્વરદત્તનું આખ્યાન, વલ્કલચીરી પ્રસન્નચંદ્રનું આખ્યાન, બ્રાહ્મણ દારકની કથા, અણાઢિયદેવની ઉત્પત્તિ આદિનું વર્ણન છે. અંતમાં વસુદેવચરિતની ઉત્પત્તિ બતાવવામાં આવી છે. ત્યારપછી તપશ્ચર્યાના ફળ રૂપે આ લોકમાં જ બત્રીસ કન્યાઓ સાથે લગ્ન કરી લૌકિક કામભોગો ભોગવતા સાર્થવાહપુત્ર ધમ્મિલ્લની કથા વિસ્તારથી આપવામાં આવી છે. પીઠિકામાં પ્રદ્યુમ્ન અને સાંબકુમારની કથા, રામ અને કૃષ્ણની પત્નીઓનો પરિચય, પ્રદ્યુમ્નકુમારનો જન્મ, તેનું અપહરણ અને શોધ, પ્રદ્યુમ્નના પૂર્વભવ, માતાપિતા સાથે તેનું મિલન અને લગ્ન આદિનું વર્ણન છે. મુખ નામના અધિકારમાં સાંબ અને સુભાનુની ક્રીડાઓનું વર્ણન છે. પ્રતિમુખમાં વસુદેવ પોતાની આત્મકથાનો પ્રારંભ કરે છે; પણ વસુદેવની આત્મકથાનો ખરા અર્થમાં વિસ્તાર ‘શરીર’ વિભાગથી શરૂ થાય છે. લંભકોનો પ્રારંભ પણ ત્યાંથી જ થાય છે. વસુદેવની આત્મકથારૂપ મુખ્ય કથાના વિભાગોને લંભક નામ આપવામાં આવ્યું છે. જે કન્યા સાથે વસુદેવનું લગ્ન થયું હોય તેના નામ અનુસાર તે તે લંભકનું પણ નામકરણ થયેલું છે; જેમ કે, શ્યામલીલંભક, ગન્ધર્વદત્તાલંભક, નીલયશાલંભક વગેરે. શરીર અધિકાર પ્રથમ લંભકથી 29મા લંભકમાં સમાપ્ત થાય છે. આ અધિકારમાં સમુદ્રવિજય આદિ નવ વસુદેવોના પૂર્વભવોનું વર્ણન છે.

વસુદેવની ભ્રમણકથાની સાથે સાથે તેમાં અનેક અવાંતરકથાઓ છે. આ કથાઓ સમાજ અને સંસ્કૃતિના અભ્યાસ માટે ઉપયોગી અને રસપ્રદ માહિતી પૂરી પાડે છે. એમાંના કેટલાક ઉલ્લેખો તદ્દન નવી જ હકીકતો રજૂ કરતા હોઈ ઘણા મહત્ત્વના છે, જ્યારે બાકીના ઉલ્લેખો પ્રાચીન ભારતની સંસ્કૃતિના અભ્યાસ માટે સારી એવી પૂરક માહિતી પૂરી પાડે છે.

‘વસુદેવ-હિંડી’ વર્ણનાત્મક અને સમાસપ્રચુર પ્રાકૃત ગદ્યમાં લખાયેલો વિશાળ કથાગ્રંથ છે. વચ્ચે વચ્ચે પદ્યો પણ આવે છે. પ્રસંગોપાત્ત, અલંકારમય અને સમાસપ્રચુર વર્ણનો પણ જોવા મળે છે. કથાવર્ણનની દૃદૃષ્ટિએ પ્રાચીન જૈન સાહિત્યમાં ‘વસુદેવ-હિંડી’નો જોટો જડે તેમ નથી. તેની ભાષા ચૂર્ણિગ્રંથો આદિમાં મળતી આર્ષ જૈન મહારાષ્ટ્રી પ્રાકૃત છે, જે પોતાની અસાધારણ પ્રાચીનતાને કારણે અનેક વિશિષ્ટતાઓ અને વિલક્ષણતાઓ દર્શાવે છે અને આર્ષ લક્ષણોને કારણે પ્રાકૃત સાહિત્યના સમસ્ત ગ્રંથોમાં જુદી તરી આવે છે. પ્રાકૃત જ્યારે જનસમાજમાં બોલાતી ભાષા હશે ત્યારે એ લખાયેલ હોવાથી તેની ભાષામાં સ્વભાવસિદ્ધ નૈસર્ગિકતા માલૂમ પડે છે. કેવળ ભાષાની દૃદૃષ્ટિએ જોઈએ તોપણ ‘વસુદેવ-હિંડી’ જૈન સાહિત્યનો વિરલ ગ્રંથ છે.

કાનજીભાઈ પટેલ