વર્ધમાનપુર : આજનું સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાનું વડું મથક વઢવાણ. જૈન અનુશ્રુતિ મુજબ વર્ધમાન મહાવીરની મૂર્તિની અહીં સ્થાપના કરવામાં આવેલી હોવાથી, આ નામ પ્રચલિત થયું હતું. ઈ. સ. 783-84માં જયવરાહ નામના રાજાના શાસનકાલ દરમિયાન જયસેનસૂરિએ ‘હરિવંશપુરાણ’ની રચના વર્ધમાનપુરમાં કરી હતી. ચાપ વંશનો ધરણીવરાહ ઈ. સ. 917-18માં વર્ધમાનપુરમાં શાસન કરતો હતો, તે તેના એકમાત્ર ઉપલબ્ધ દાનશાસનથી જાણી શકાય છે. ઈ. સ. 933માં દિગંબર સંપ્રદાયના આચાર્ય હરિષેણે આ નગરમાં કથાકોશની રચના કરી હતી. કુમારપાલના સમયમાં (ઈ. સ. 1142-1172) ઉદયન મંત્રીએ વર્ધમાનપુરમાં ઋષભદેવના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. મેરુતુંગાચાર્યે ઈ. સ. 1305માં ‘પ્રબંધચિંતામણિ’ની રચના આ નગરમાં પૂરી કરી હતી.

જયકુમાર ર. શુક્લ