વર્ધમાન પિપ્પલી રસાયણપ્રયોગ

January, 2005

વર્ધમાન પિપ્પલી રસાયણપ્રયોગ : આયુર્વેદનો વ્યક્તિના આરોગ્ય, બળ અને રોગપ્રતિકારશક્તિની વૃદ્ધિ કરી, તેની યુવાનીને ટકાવી રાખે (વૃદ્ધત્વ આવવા ન દે) તેવો એક રસાયણ-પ્રયોગ. ગળો, ગોખરુ અને આમળાં ત્રણેય સરખે ભાગે લઈ, બનાવેલ ચૂર્ણ ‘રસાયણ’ ઔષધ તરીકે ભારતમાં સર્વાધિક પ્રચલિત છે. વૈદકમાં રસાયણ ગુણ ધરાવતાં અનેક ઔષધો છે, તેના અનેક પ્રયોગો છે. તેમાં લોકો અને વૈદ્યોમાં વધુ પ્રચલિત પ્રયોગ છે વર્ધમાન પિપ્પલી રસાયણપ્રયોગ.

લીંડીપીપર નામની એક વનસ્પતિ આયુર્વેદમાં પાચન-ક્ષુધાવર્ધક ઔષધ રૂપે ખાસ વપરાય છે. આ લીંડીપીપર પાક્યા પછી સૂકી થયા પછી જરા લીલાશ પડતી – કાળી થાય છે. તે 6.5 મિમી.(3 ઇંચ)થી 13 મિમી. (1 ઇંચ) જેટલી લાંબી, કાચા શેતૂરના ફળ જેવી બારીક  દાણાવાળી ગ્રંથિઓથી બનેલ સપાટીવાળી અને સૂતળી જેવી પાતળી થાય છે. આયુર્વેદના મતે લીંડીપીપરના ગુણધર્મો આ પ્રમાણે છે : તે સ્વાદે તીખી, તીક્ષ્ણ, જરા કડવી, પચવામાં હળવી, ગરમ, સ્નિગ્ધ, ભૂખ લગાડનાર, ખોરાક હજમ કરનાર, દોષોને ભેદનાર, હૃદયને પ્રિય, વાયુ-કફ દોષનાશક તથા રસાયણ ગુણવાળી છે. રસાયણપ્રયોગો કરનાર વ્યક્તિનું સ્વાસ્થ્ય અને સૌંદર્ય વધવા સાથે તેનું આયુષ્ય પણ વધે છે.

વર્ધમાન એટલે રોજ વધતા જતા ક્રમ મુજબ લીંડીપીપરનો રસાયણપ્રયોગ. નીચે બતાવ્યા મુજબ તે થઈ શકે છે. આ પ્રયોગ વ્યક્તિના શરીરની તાસીર (પ્રકૃતિ) તથા શારીરિક બળનો વિચાર કરીને નીચે મુજબ યોજાય છે :

ક્રમ વ્યક્તિની બળનું પ્રમાણ રોજ કેટલી પ્રયોગ કેટલા
પ્રકૃતિ પીપર વધારવી ? દિવસ કરવો ?
1. પિત્તજ → 1. અલ્પ બળ → 1-1 નંગ → 7 દિન
2. વાતજ → 2. મધ્ય બળ → 2 કે 3 નંગ → 14 દિન
3. કફજ → 3. પૂર્ણ બળ → 3થી 5 નંગ → 21 દિન

પ્રયોગવિધિ : કોઈ પણ રસાયણપ્રયોગ શરૂ કરતાં પૂર્વે વ્યક્તિએ 2-3 દિવસ જુલાબ લઈ, પેટ સાફ કરવું જરૂરી છે. વર્ધમાન પિપ્પલી (લીંડીપીપર) પ્રયોગમાં વ્યક્તિ રોજ સવારે 200થી 500 ગ્રામ દૂધમાં પ્રથમ દિને 3 લીંડીપીપર આખી (સૂકી) દૂધમાં નાખી, તે ઉકાળે છે. જ્યારે પીપર દૂધમાં બફાઈને પોચી થઈ જાય ત્યારે તે દૂધ ઉતારી, ઠરવા દઈ સવારે નરણા કોઠે પી જવાનું અને પીપર ચાવી જવાની હોય છે. દૂધનું પ્રમાણ વ્યક્તિ પોતે પચાવી શકે  હજમ કરી શકે તેટલું લેવાય છે. તે પછી વ્યક્તિએ આખો દિવસ મરચાં  મસાલેદાર ખોરાક, વાસી, તળેલો ખોરાક બંધ કરી, માત્ર ઘી-દૂધ, ઘઉં, ચોખા, ખાંડની બનેલ ખાદ્યસામગ્રી કે ફળોનો જ ખાવામાં ઉપયોગ કરવાનો રહે છે. કોઈ પણ વ્યસન કરી શકાતું નથી. વળી વ્યક્તિએ પોતાની પ્રકૃતિ (તાસીર) સમજીને રોજ 1-2-3 કે વધુ લીંડીપીપર દૂધમાં વધારતા જવાની હોય છે. દૂધ સવારે 1 વાર જ લેવાનું હોય છે. બીજા સમયે સાદું દૂધ તે લઈ શકે છે. આ પ્રયોગ ગરમી(પિત્ત)ની તાસીરવાળાએ તથા અલ્પ બળવાળાએ 7 દિન, વાયુની તાસીરવાળા કે મધ્ય બળવાળાએ 14 દિન અને પૂર્ણબળવાળી કે કફની તાસીરવાળી વ્યક્તિએ 21 દિન સુધી રોજ પીપર વધારતાં જઈને કરવાનો હોય છે. 7, 14 કે 21 દિન પછી રોજ 1-1; 2-2 કે 3-3 જે ક્રમે પીપર વધારી હોય તે ક્રમે પીપરની સંખ્યા ઘટાડતા જઈ, પ્રયોગ છેવટે 3 પર લાવી પૂર્ણ કરવાનો હોય છે. આ પ્રયોગ કરતાં પૂર્વે અનુભવી વૈદ્યની સલાહ લેવી જરૂરી છે અને પ્રયોગ દરમિયાન કોઈ ઉપદ્રવ કે પીડા જણાય તોપણ વૈદ્યની સલાહ લેવી હિતાવહ છે. પ્રાય: વર્ધમાન પીપલીનો પ્રયોગ કરવા માટે શિયાળાની ઋતુ પસંદ કરવી યોગ્ય છે. આ પ્રયોગ ઉનાળામાં તથા શરદ ઋતુમાં કદી ન કરવો જોઈએ. પ્રાય: શિશિર ને હેમંત ઋતુ અર્થાત્ ડિસેમ્બરથી માર્ચ માસ આ પ્રયોગ માટે વધુ યોગ્ય રહે છે.

ફળ : લાભ : આ રસાયણપ્રયોગથી વ્યક્તિનો જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. તેનાથી ભૂખ સારી લાગે છે અને ખોરાકનું પાચન પણ ઉત્તમ થતાં, રસ-રક્ત-માંસાદિ સાતેય ધાતુઓની વૃદ્ધિ થાય છે તેથી શરીરમાં બળ, પુદૃષ્ટિ, વીર્ય અને કાંતિની વૃદ્ધિ થાય છે ખાસ કરીને કફજન્ય દર્દો આ પ્રયોગથી દૂર થાય છે. લીવર (યકૃત) અને ફેફસાં મજબૂત થાય છે. વાયુ અને કફના દર્દીઓને આ પ્રયોગથી વધુ સારો લાભ થાય છે. ગરમી(પિત્ત)ની તાસીરવાળાએ આ પ્રયોગમાં 1-1 લીંડીપીપર જ વધારવાના ક્રમે 7 દિનથી વધુ દિન પ્રયોગ ન કરવો ઇષ્ટ છે. પ્રયોગ દરમિયાન કોઈને પણ આંખ, પેશાબ અને ગુદામાં દાહ-બળતરા જણાય તો પીપરનું પ્રમાણ ઘટાડવું જરૂરી છે. વળી, દૂધમાં 1-1 ચમચી પ્રાણિજ ઘી ઉમેરીને લેવાથી દાહનો ઉપદ્રવ શમાવી શકાય છે. આ પ્રયોગ દમ, ખાંસી, ક્ષય, તાવ, કોઢ, અરુચિ, વાતરક્ત (ગાઉટ), વિષમ જ્વર, ગોળો, બાદી, હરસ, પ્રમેહ, બરોળ, પેટનાં દર્દો, આમદોષ, કૃમિ, અજીર્ણ, પાંડુ, કમળો, હૃદયરોગ, ઉદર તથા શૂળનાં દર્દોમાં વધુ લાભપ્રદ છે. સામાન્ય સ્વસ્થ લોકો શિયાળાની ઋતુમાં 7, 14 કે 21 દિવસમાં આ પ્રયોગ દર વર્ષે કરીને પોતાની રોગપ્રતિકારક શક્તિ, બળ, આરોગ્ય અને આયુષ્યની વૃદ્ધિ કરી શકે છે. પ્રયોગમાં ગરમ થતા દૂધમાં વ્યક્તિ પીપરની સાથે સાકર કે ખાંડ પ્રમાણસર નાંખીને લઈ શકે છે. આ પ્રયોગ સુશ્રુતે વાતરક્ત પ્રકરણમાં નોંધ્યો છે.

વૈદ્ય બળદેવપ્રસાદ પનારા