વરધારો (સમુદ્રશોક) : દ્વિદળી વર્ગમાં આવેલા કૉન્વોલ્યુલેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Argyreia nervosa (Burm. f.) Bojer syn. A. speciosa Sweet (સં. સમુદ્રપાલક, સમુદ્રશોષ, વૃદ્ધદારુ; બં. બિચતરક; ગુ. વરધારો, સમુદ્રશોક; હિં. બિધારા, સમુન્દર-કા-પાત; ક. તે. ચંદ્રપાડા; અં. એલિફંટ ક્રીપર, વૂલી મૉર્નિંગ ગ્લોરી) છે. તે ભારતમાં 300 મી.ની ઊંચાઈ સુધી થતી કાષ્ઠમય વળવેલ છે. પ્રકાંડ મજબૂત અને સફેદ ઘન-રોમિલ (tomentose) હોય છે. પર્ણો સાદાં, એકાંતરિક અંડ-હૃદયાકાર (ovate-cordate) 7.5 સેમી.થી 30 સેમી. વ્યાસવાળાં, ઉપરની સપાટીએ અરોમિલ (glabrous) અને નીચેની સપાટીએ સફેદ ઘન-રોમિલ હોય છે. પુષ્પો ગુલાબી-જાંબલી રંગનાં ઘંટાકાર અને 7.5 સેમી.થી 15.0 સેમી. લાંબાં હોય છે. પુષ્પદંડો સફેદ ઘન-રોમિલ હોય છે. પુષ્પનિર્માણ વર્ષાઋતુમાં કે શિયાળાની શરૂઆતમાં થાય છે. ફળો ગોળાકાર, 30 સેમી. લાંબાં અને સાગ્રક (apiculate) હોય છે. ફળ શિયાળામાં પાકે છે.
સ્થાનિક ઔષધ-પદ્ધતિમાં તે પરમિયાને લીધે થતા મૂત્રવાહિનીના સોજા(મૂત્રવાહિનીશોથ)માં, દીર્ઘકાલીન ચાંદાં અને મૂત્રકૃચ્છમાં ઉપયોગમાં લેવાય છે. તે એક શોભન વનસ્પતિ તરીકે ઉદ્યાનોમાં ઉગાડવામાં આવે છે. આસામ અને બિહારમાં તેનાં પર્ણોનો શાકભાજી તરીકે ઉપયોગ થાય છે. પર્ણો પ્રશામક (emollient) અને સ્ફોટકારી (vesicant) ગુણધર્મો ધરાવે છે. તે દાદર, ખરજવું, ખસ અને ત્વચાના અન્ય રોગોમાં ચોપડવામાં આવે છે. તેનો દાઝ્યા ઉપર અને સોજાઓમાં પણ ઉપયોગ થાય છે. પર્ણો સ્થાનિક ઉત્તેજક (stimulant) તરીકે અને રક્તિમાકર (rubefacient) તરીકે વાપરવામાં આવે છે. તે ટ્રાઇએકોન્ટેનોલ, એપીફ્રાઇડેલિનોલ અને તેનો ઍસિટેટ તથા b-સીટોસ્ટેરોલ ધરાવે છે.
બિહારના કેટલાક ભાગોમાં તેનાં બીજ ખાવાના ઉપયોગમાં લેવાય છે. બીજનો નિર્મૂલી (Hygrophila auriculata (schum.) Heine syn. H. spinosa T. Anders.) સાથે મિશ્ર કરીને શક્તિવર્ધક તરીકે ઉપયોગ થાય છે. તેઓ 0.5 %થી 0.9 % અર્ગોલિન આલ્કેલૉઇડો, એગ્રોક્લેવિન, ચેનોક્લેવિન-I, ચેનોક્લેવિન-II, રેસમિક ચેનોક્લેવિન-II, એલિમોક્લેવિન; ફેસ્ટુક્લેવિન, લાયસર્જિન, લાયસર્જોલ, આઇસોલાયસર્જોલ, મોલિક્લેવિન, પેનિક્લેવિન, સીટોક્લેવિન, આઇસોસિટોક્લેવિન, અર્જિન (0.14 %), આઇસોઅર્જિન (0.19 %), અર્ગોમેટ્રિન, અર્ગોમેટ્રિનિન, લાયસર્જિક ઍસિડ a-હાઇડ્રૉક્સિ ઇથાઇલેમાઇડ અને આઇસોલાયસર્જિક ઍસિડ a-હાઇડ્રૉક્સિ ઇથાઇલેમાઇડ ધરાવે છે. કેટલાંક આલ્કેલૉઇડ ભ્રમોત્પાદક (hallucinogenic) હોય છે. બીજનો આલ્કોહૉલીય નિષ્કર્ષ કૅફિક ઍસિડ અને ઇથાઇલ કૅફિયેટ, ઉપરાંત આલ્કેલૉઇડો ધરાવે છે. બીજ અલ્પરક્તદાબી (hypotensive) અને ઉદ્વેષ્ટહારી (spasmolytic) સક્રિયતા દર્શાવે છે. બીજ દ્વારા લગભગ 10.68 % જેટલું મેદીય તેલ ઉત્પન્ન થાય છે.
મૂળ કડવાં, વાજીકર (aphrodisiac) અને મૂત્રલ (diuretic) હોય છે અને પરમિયો, સંધિવા અને ચેતાતંત્રના રોગોમાં ઉપયોગી છે. તેના મૂળનો શતાવરી (Asparagus racemosus), ખડધામણી (Grewia hirsuta) અને અનંતવેલ(Hemidesmus indicus)નાં મૂળ સાથેનો મિશ્ર મલમ દીર્ઘકાલીન ઉધરસ, શરદી અને તાવમાં ઉપયોગી છે.
આ વનસ્પતિ અને અન્ય ઘટકોમાંથી બનાવાતું ‘ફૉર્ટેજ’ નામનું ઔષધ પુરુષના જાતીય રોગો મટાડવામાં વપરાય છે. ‘સ્પેમેન’ તરીકે જાણીતા ઔષધમાં પણ આ વનસ્પતિ એક ઘટક તરીકે છે; જે ઉદરમાં ચયિક (anabolic) અને એન્ડ્રોજન જેવી સક્રિયતા દર્શાવે છે.
આયુર્વેદ અનુસાર તે ગ્રાહક, વાતુલ અને અતિ પિત્તલ અને કફકર છે. વાતવિકાર ઉપર અળવીનાં પાંદડાંની માફક પતરવેલિયાં કરી ઘીમાં તળી ખાવામાં આવે છે. ગૂમડાં પાકી ફૂટવા માટે સમુદ્રશોષનાં પાંદડાં ગરમ કરી ઊલટાં બાંધવામાં આવે છે. ઊલટાં બાંધવાથી ફૂટેલાં ગૂમડાં રુઝાય છે. સૂલટાં બાંધવાથી ઉષ્ણતા પહોંચીને જલદી પાકી જાય છે. ઊલટાં પાન નીચેથી ઘનરોમિલ હોવાથી પરુ તેને લાગતું નથી, તેમજ વાયુ અને કીટાણુઓથી રક્ષણ થાય છે; માટે જલદી રુઝ આવી જાય છે. આમવાતમાં અને વાતરક્તમાં તેની કાંજી આપવાથી લાભ થાય છે. આમવાતના સોજા પર પાન વાટી અને ગરમ કરીને સાંધા પર બંધાય છે.
વાયુના રોગોમાં અને ઉરુસ્તંભમાં વરધારાનું અને સૂંઠનું ચૂર્ણ સમાન ભાગે ગરમ પાણી સાથે પિવડાવાય છે. હાથીપગામાં તેના મૂળનું ચૂર્ણ કાંજી સાથે પિવડાવવામાં આવે છે. પુત્રની કામનાવાળા પુરુષને વરધારાના મૂળથી પકવેલું ઘી-દૂધ સાથે આપવામાં આવે છે.
Argyreia પ્રજાતિની ભારતમાં 35 જેટલી જાતિઓ થાય છે; જેમાં A. nervosa (વરધારો) ઉપરાંત A cuneata kergawl. (પર્પલ કોન્વૉલ્વ્યુલસ), A. elliptica (Wight) Choisy (મ. બોનવેલ, ખેરાડી; અં. સિલ્વરવીડ), A. capitata (Vahl.) Choisy, A. fulgens Choisy, A. imbricata (Roth) Sant. & Patel, A. malabarica Choisy. અને A. strigosa (Roth) Sant. & Patelનો સમાવેશ થાય છે.
વૈદ્ય ભાલચંદ્ર હાથી, બળદેવભાઈ પટેલ