વરદ શ્રીનિવાસ (‘પાવન’)

January, 2005

વરદ શ્રીનિવાસ (‘પાવન’) (જ. 25 જુલાઈ 1950, કસારગોડ, કેરળ) : કન્નડ કવયિત્રી, નિબંધકાર, નવલકથાકાર અને વિવેચક. 1970માં ડી. બી. હિંદી પ્રચાર સભાની રાષ્ટ્રભાષા પ્રવીણ અને 1971માં સંસ્કૃતમાં વિશારદની પદવીઓ પ્રાપ્ત કરી. પછી કન્નડ ‘નુડી’નાં સંપાદિકા બન્યાં. તેમણે 1972માં મૅંગલોર યુનિવર્સિટીમાંથી કન્નડમાં એમ.એ., 1997માં બૅંગ્લોર યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી.

તેઓ 1974-83 દરમિયાન વરિષ્ઠ અનુવાદક (સિનિયર ટ્રાન્સલેટર); 1983-92 દરમિયાન સંશોધન-અધિકારી અને 1994 સુધી ભાષાકચેરીના મદદનીશ નિયામક રહ્યાં. ત્યારપછી કે. એલ. આર. સી. હાઇકૉર્ટમાં નાયબ મુખ્ય અનુવાદક બન્યાં. તેઓ કન્નડ સાહિત્ય પરિષદ; કર્ણાટક લેખકિયારા સંઘ, બૅંગલોર; અને વર્ધમાન પીઠ, કર્કલાનાં આજીવન સભ્ય પણ છે.

તેમણે 12 જેટલા ગ્રંથો આપ્યા છે. તેમાં ‘સમ્મેલા’ (સાહિત્યિક નિબંધસંગ્રહ, 1982), ‘પુત્તના ગલિપટા’ (બાલગીતો, 1989), ‘મુંજવડા કાનસુગલુ’ (કાવ્યસંગ્રહ, 1993), ‘મોડિવલા માચય્યા’ (ચરિત્ર; 1994),  ‘મક્કલ સાહિત્યિક ડૉ. શિવરામ કારન્તર કોડુગે’ (વિવેચન, 1995), ‘મહિલે સ્થિતિ ગતિ’ અને ‘અન્ડુ ઇન્ડુ’ (નિબંધસંગ્રહો) તથા ‘પુરુષ પ્રધાન’ (1998) અને ‘મહાશરણ’ (1998)  બંને નવલકથાઓ મુખ્ય છે.

તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને કર્ણાટક સાહિત્ય પરિષદ તરફથી ઍવૉર્ડ (3 વખત); 1989માં સંક્રમણ સાહિત્ય ઍવૉર્ડ ધારવાડ; અને ‘માતુશ્રી રત્નમ્મા હેગ્ગડે’ ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

બળદેવભાઈ કનીજિયા