વરન્વાલ, ઉમેશ પાલ

January, 2005

વરન્વાલ, ઉમેશ પાલ (જ. 4 નવેમ્બર 1946; મુરાદાબાદ, ઉ. પ્ર.) : હિંદી કવિ. તેમણે આગ્રા યુનિવર્સિટીમાંથી એમ.એ. અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી એમ. ડી. તથા આયુર્વેદ રત્નની ડિગ્રી પ્રાપ્ત કરી. અધ્યાપક તરીકે શરૂઆત કર્યા બાદ ‘પુષ્પેન્દ્ર’ તખલ્લુસ ધારણ કરી લેખનકાર્ય કર્યું.

અત્યારસુધીમાં તેમણે હિંદીમાં 16 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘શબ્દ મૌન’; ‘વીર અધોધર’  બંને તેમનાં ઉલ્લેખનીય સુદીર્ઘ કાવ્યો છે. ‘પ્રણય દીર્ઘ’ ઊર્મિકાવ્યસંગ્રહ છે, તો ‘બીજ ઔર બંજર જમીન’ ગીતિ નાટ્યસંગ્રહ અને ‘વજ્રાયન કી આધારભૂમિ’ નિબંધસંગ્રહ છે. ‘મુરાદાબાદ કે પૂજાસ્થાન’; ‘મુરાદાબાદ કે શિક્ષણ સંસ્થાન’ બંને જાણીતા વર્ણનાત્મક ગ્રંથો છે.

તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને કલા સંસ્કૃતિ સાહિત્ય વિદ્યાપીઠ, મથુરા તરફથી ‘સાહિત્યાલંકાર’ અને હિંદી અકાદમી, હૈદરાબાદ તરફથી ‘કાવ્યશાસ્ત્રી’ના ખિતાબ આપવામાં આવ્યા છે.

બળદેવભાઈ કનીજિયા