વડનગર : મહેસાણા જિલ્લાના ખેરાળુ તાલુકામાં આવેલું, ગુજરાતનાં પ્રાચીન સ્થળો પૈકીનું એક નગર. ભૌગોલિક સ્થાન : 23° 42´ ઉ. અ. અને 72° 39´ પૂ. રે.. આ નગર સમુદ્રસપાટીથી 21 મીટરની ઊંચાઈએ વસેલું છે. નગરની બહાર શમેળા (કે શર્મિષ્ઠા) તળાવ આવેલું છે. આ નગરને અર્જુનબારી, નડિયોલ, અમતોલ, ઘાસકોલ, પથોરી અને અમરથોલ નામના છ દરવાજા હતા. શહેર ફરતે જાડી દીવાલ ધરાવતો કોટ હતો. તેનું બાંધકામ લાલ-પીળા રેતીખડકોથી થયેલું હતું. શર્મિષ્ઠા તળાવ નજીક નગરની ઉત્તર દિશાએ પૂર્વાભિમુખ બે કીર્તિતોરણો આવેલાં છે. તે પૈકીનું મંદિરનું મુખ્ય દ્વાર સૂચવતું એક તોરણ સંપૂર્ણ મકરમુખ સહિત જળવાયેલું છે. અમરથોલ દરવાજા નજીક અમથેર માતાનું મંદિર છે. મંદિરની દીવાલ પર પ્રાચીન મૂર્તિઓ જળવાઈ રહેલી જોવા મળે છે. આ તોરણો અહીં ભવ્ય મંદિર હોવાનું સૂચન કરે છે.

હાટકેશ્વર મહાદેવનું મંદિર, વડનગર

2001 મુજબ વડનગર શહેરની વસ્તી કુલ 25,041 જેટલી હતી. અહીં નગરપંચાયતની વ્યવસ્થા છે. પુરુષો અને સ્ત્રીઓનું સંખ્યા-પ્રમાણ લગભગ સમાન છે. સાક્ષરતાનું પ્રમાણ 60 % જેટલું છે. શહેરની મુખ્ય વસ્તી કડવા પાટીદારોની છે, તે ઉપરાંત ભાવસાર, ભોજકો, નાયક, ઠાકોર, હરિજનો પણ છે. મુસલમાન અને મરાઠાકાળ દરમિયાન નાગરો, અહીંથી સ્થળાંતર કરીને વાંસવાડા, ડુંગરપુર, પ્રતાપગઢ, કુશળગઢ જેવાં નગરોમાં જઈને વસ્યા હતા, કેટલાક ગુજરાતના અન્ય ભાગોમાં તેમજ સૌરાષ્ટ્રમાં જઈને વસ્યા હતા.

ઈ. સ.ની પાંચમી સદી દરમિયાન, જૈન મુનિ ભદ્રબાહુએ ‘કલ્પસૂત્ર’ની રચના અહીં કરી હતી. મૈત્રક અને સોલંકીકાળ દરમિયાન અહીં શ્રીપાલ જેવા અનેક વિદ્વાનો થઈ ગયા. વડનગરના લોકોમાં તાના અને રીરી નામની બે નાગર બહેનો સંગીતમાં ખૂબ જ પ્રવીણ હતી. અનુશ્રુતિ મુજબ અકબરનાં નવ રત્નો પૈકીના તાનસેનનો દીપક રાગ ગાવાથી ઉત્પન્ન થયેલો દાહ આ બંને બહેનોએ મલ્હાર રાગ ગાઈને શમાવ્યો હતો. અહીંના ભોજક-નાયકોની વસ્તી તેમનો રંગભૂમિ અને અભિનય સાથેનો સંબંધ સૂચવે છે. તાના-રીરીની સ્મારક-દેરીઓ મનકામેશ્વર મહાદેવના મંદિર નજીક છે.

વડનગર તેની આજુબાજુના વિસ્તાર માટે કોલ્હાપુરી ગોળનું કેન્દ્ર છે. અહીંના માર્કેટયાર્ડમાં જીરું, અનાજ, કઠોળ વગેરે વેચાણ માટે આવે છે. તેથી તે ખરીદ-વેચાણનું પ્રાદેશિક મથક બની રહેલું છે. આ નગરમાં બે તેલમિલો, સિમેન્ટ-પાઇપનું એક અને ટ્રાન્સફૉર્મરનું એક કારખાનું, ખેતીનાં સાધનોનાં, સાબુનાં, સ્ટીલનાં, રાચરચીલાનાં, રંગાટી અને છાપકામનાં કારખાનાં આવેલાં છે. શહેરમાં જુદી જુદી બૅંકોની શાખાઓ પણ છે. તાર-ટપાલ-ટેલિફોનની સુવિધાઓ અહીં ઉપલબ્ધ છે. આ ઉપરાંત અહીં બાલમંદિરો, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ, વિનયન-વાણિજ્ય કૉલેજ તથા પુસ્તકાલયોની સગવડ પણ છે.

અહીં નાગરોના ઇષ્ટદેવ હાટકેશ્વરનું સોલંકીકાળનું ભવ્ય મંદિર છે, તે ઉપરાંત સોમનાથ, ધૂમેશ્વર, જળેશ્વર, મનકામેશ્વર, અજપાલનાં શિવમંદિરો, શીતળા, છત્રેશ્વરી, આશાપુરી તથા અંબાજી માતાનાં મંદિરો, હનુમાનજીનું મંદિર, ગૌરીકુંડ, જૈનમંદિર, સ્વામિનારાયણનું મંદિર આવેલાં છે. વારતહેવારે અહીં જુદા જુદા મેળા ભરાય છે અને ઉત્સવો યોજાય છે.

ઇતિહાસ : ઉત્તર ગુજરાતનો આ પ્રદેશ અગાઉ આનર્ત તરીકે ઓળખાતો હતો. આનર્ત એ મનુના પુત્ર શર્યાતિનો પુત્ર  તેના નામ પરથી આ નગરનું નામ આનર્તનગર પડ્યું હતું. સ્કંદપુરાણ મુજબ આનર્ત પ્રદેશના રાજા ચમત્કારે આ નગરની સ્થાપના કરેલી. ચમત્કારને કોઢ થયેલો હોવાથી કોઈ બ્રાહ્મણની સલાહથી ચૈત્રી ચૌદશે શંખતીર્થમાં સ્નાન કરવાથી તેનો આ રોગ દૂર થયેલો, તેથી તેણે અહીં ચમત્કારપુરની સ્થાપના કરી હતી. 1152માં કુમારપાળના રાજકવિ શ્રીપાલરચિત 42 લીટીના પ્રશસ્તિલેખમાં આનર્તપુર પરથી આ નગરનું નામ આનંદપુર પડેલું હોવાનો ઉલ્લેખ મળે છે.

રાસમાળાના રચયિતા ફૉર્બ્સે ભાટ-ચારણો પાસેથી મેળવેલ વિગત પ્રમાણે કોશલ દેશના સૂર્યવંશી રાજા કનકસેને પરમાર રાજવીને હરાવીને 144-45માં આ નગરની સ્થાપના કરેલી. મૈત્રકકાળ (525-766) દરમિયાન આનંદપુરના ધરસેન બીજાના સમયમાં, તથા ધ્રુવસેન પહેલાના 539ના વાવડી જોગિયામાંથી મળેલાં દાનદર્શક તામ્રપત્રોમાં આનંદપુરના બ્રાહ્મણોનો દાનગ્રહિતા તરીકે ઉલ્લેખ મળે છે. પુરાણોમાં વડનગરનાં ચમત્કારપુર, અર્કસ્થલી, સ્કંદપુર, વૃદ્ધનગર વગેરે જેવાં સાત નામ મળે છે. વૃદ્ધનગર ઉપરથી વડનગર નામ અસ્તિત્વમાં આવ્યું હોવાનું જણાય છે. સાતમી સદીમાં ભારતમાં આવેલ ચીની મુસાફર શ્યેન ચાંગે આનંદપુરની મુલાકાત લીધી હતી, તેનાં લખાણોમાં તેનો ઉલ્લેખ બ્રાહ્મણોથી વસેલા નગર તરીકે હોવાનું જણાય છે.

અબુલ ફઝલે તેના ગ્રંથ ‘આઇને અકબરી’(1590)માં બરનગર અથવા વડનગરનો એક મોટા પ્રાચીન નગર તરીકે ઉલ્લેખ કરેલો છે. આ નગરમાં ત્યારે 3,000 પેગોડા (મંદિરો) હતાં અને તેમની નજીક તળાવો પણ હતાં. અહીંના મુખ્ય નિવાસી લોકો બ્રાહ્મણો હતા. વિસલદેવ વાઘેલાએ વિસનગરની સ્થાપના વખતે યજ્ઞ માટે વડનગરના વિદ્વાન બ્રાહ્મણોને આમંત્રેલા. આ બ્રાહ્મણો પૈકી દાન સ્વીકારનાર બ્રાહ્મણોને બહિષ્કૃત કર્યા હતા, તેઓ વિસનગરા નાગર તરીકે ઓળખાયા એમ કહેવાય છે.

એમ. એસ. યુનિવર્સિટી ઑવ્ બરોડાના પુરાતત્વ ખાતા તરફથી આર. એન. મહેતાએ વડનગરમાં ઉત્ખનન કરાવીને તેની પ્રાચીનતા સિદ્ધ કરી આપી હતી. તેમના મત અનુસાર ઈ. પૂ. બીજા સૈકા દરમિયાન આ નગર અસ્તિત્વમાં આવ્યું હોવાનું મનાય છે. અહીંથી તેમને Punch marker સિક્કાઓ, કાળા અને લાલ રંગનાં વાસણો, શંખની બંગડીઓ, ચિત્રવાળાં રંગીન વાસણો, સીસાના સિક્કાઓ વગેરે મળ્યાં હતાં. આ બધાંનો સમય ઈ.સ.ની પહેલી સદીનો જણાય છે.

છઠ્ઠી સદીમાં તે ‘નગરક’ તરીકે ઓળખાતું હતું; પૌરાણિક સમય દરમિયાન તે આનર્તપુર તરીકે ઓળખાવા લાગ્યું હશે. નગરક પરથી તેના મૂળ રહેવાસી બ્રાહ્મણો નાગર તરીકે ઓળખાતા હશે. ઉત્ખનન દ્વારા મોટા રસોડાની જગ્યા અને જૂનાં મકાનોના અવશેષો મળે છે. લોકો અહી ઈંટથી બંધાયેલ કિલ્લાની અંદરના ભાગમાં રહેતા હતા. રાણા સંગે 1520માં ગુજરાત પર ચડાઈ કરી ત્યારે વડનગર બ્રાહ્મણોથી વસેલું હોવાથી બચી ગયેલું. 1633માં અહીંના કિલ્લાનું મુઘલોએ મોટા પાયે સમારકામ કર્યું હતું. અઢારમી સદી દરમિયાન અરાજકતાને કારણે વડનગરની અવનતિ થઈ હતી. દામાજીરાવ ગાયકવાડે તેને જીતી લીધા પછી અશાંતિ દૂર થતાં તે ધીમે ધીમે આબાદ થતું ગયું હતું.

1857ના વિપ્લવમાં, ગાયકવાડના તાબા હેઠળના વિજાપુર, વડનગર તથા ખેરાળુ વિસ્તારમાં આશરે 2,000 કોળી, ભીલ અને સશસ્ત્ર લોકો ભેગા લોકો ભેગા થયા. તેમણે 20 ઑક્ટોબર 1857ના રોજ ગાયકવાડી ગામ લોદરાં (તા. વિજાપુર) પર હુમલો કર્યો. પરંતુ બ્રિટિશ લશ્કર આવી પહોંચતાં બળવાખોરોને પાછા હઠી જવું પડ્યું. 195354માં ડૉ. બી. સુબ્બારાવે વડનગરમાં ઉત્ખનન કરાવ્યું હતું. વડોદરા રાજ્યનું 1 મે 1949ના રોજ મુંબઈ રાજ્ય સાથે વિલીનીકરણ થયું. તે પછી વડનગર મહેસાણા જિલ્લામાં મૂકવામાં આવ્યું.

શિવપ્રસાદ રાજગોર, જયકુમાર ર. શુક્લ