વડનગરનાં તોરણદ્વારો : તોરણનું સ્થાપત્ય

January, 2005

વડનગરનાં તોરણદ્વારો : તોરણનું સ્થાપત્ય : ભારતના ધાર્મિક સ્થાપત્યમાં જોવા મળતું કલાત્મક પ્રવેશદ્વાર. ભારતના ધાર્મિક વાસ્તુમાં તોરણનાં અનેક સ્વરૂપો દેશ અને કાળ પ્રમાણે વિકસ્યાં છે. ભારતીય તોરણનો પ્રભાવ તો શ્રીલંકા, જાવા, કમ્બોજ તથા છેક ચીન અને જાપાન સુધી વિસ્તરેલો છે. બીજી બાજુ એનાં મૂળ આર્યોના વસવાટોમાં હોવાનું મનાય છે. અમર કોશકાર કહે છે કે વસવાટોનાં બહિર્દ્વારોનું જ પાછળથી તોરણમાં રૂપાંતર થયું હશે. સાંચીના મહાસ્તૂપનાં વિખ્યાત તોરણોનું તો જગતનાં સ્થાપત્યમાં અનેરું સ્થાન છે. ગુપ્તકાલ દરમિયાન દેવપ્રાસાદોનાં ગર્ભગૃહ, ગૂઢમંડપ વગેરેની બારસાખો અને સ્તંભો વચ્ચેના ગાળાઓમાં તોરણ બનવા લાગ્યાં.

મધ્યકાલીન વાસ્તુશાસ્ત્રકારોએ ‘તોરણ’ શબ્દ બે અર્થમાં પ્રયોજ્યો છે. એક, જેમાં પીઠ પર સ્તંભો, ભારપટ્ટ, શિરોદળ અને સ્તંભોના ઉપરના ભાગે મકરમુખમાંથી નીકળતી માલા કે વંદનમાલિકા સહિતનું સમગ્ર સ્મારક. જ્યારે બીજા સંક્ષિપ્ત ભાવમાં વંદનમાલિકાને જ તોરણ કહ્યું છે. વિવિધ વાસ્તુગ્રંથોમાં પણ તેનો ઉલ્લેખ છે; જેમ કે, ‘અભિધાનચિંતામણિ’, ‘સમરાંગણ સૂત્રધાર’, ‘અપરાજિતપૃચ્છા’, ‘વૃક્ષાર્ણવ’ વગેરે. આ ગ્રંથોમાં મંડપમાં થોડા થોડા અંતરે કે સ્તંભાંતરે તોરણ કરવાનો આદેશ છે. ત્યાં પણ તોરણ માટે ‘વંદનમાલિકા’ શબ્દ પ્રયોજાયો છે.

આ વંદનમાલિકા સ્તંભો વચ્ચે પડતા ગાળાના ઉપલા ભાગના અવકાશને ભરવાનું કામ કરે છે. પશ્ચિમ ભારતનાં વાસ્તુશાસ્ત્રોમાં વંદનમાલિકાના બે મુખ્ય પ્રકારો : (1) ઇલ્લિકા (2) આંદોલ (હિંદોલ) વર્ણવ્યા છે. ઇલ્લિકા તોરણમાં વંદનમાલિકા ઇયળના વળ જેવી કરવામાં આવે છે. જ્યારે આંદોલ કે હિંદોલમાં સમુદ્રતરંગના જેવી કરવામાં આવે છે. આ બંને પ્રકારોમાંથી કેટલાંક પ્રાદેશિક સ્વરૂપો વિકસ્યાં છે.

ગુજરાતનાં તોરણોમાં વંદનમાલિકા, અષ્ટચંદ્રભાગા, નવ ચંદ્રભાગા, અગિયાર ચંદ્રભાગા જોવા મળે છે. ઇલ્લિકા તોરણની સાથે આંદોલ (હિંદોલ) તોરણ પ્રકાર પણ વિશેષ પ્રચલિત બન્યો. જેમાં તિલક(તિલકડુ)નો ઉમેરો કરવામાં આવ્યો. તોરણો ખાસ કરીને દેવાલયો, વાવ, કુંડ, તળાવના કાંઠે કરવામાં આવતાં. તોરણનો હેતુ શોભામાં અભિવૃદ્ધિ કરવાનો, તેમજ ઉત્સવાદિ પ્રસંગોએ દેવોના હિંદોલક તરીકે ઉપયોગમાં લેવાતો હશે.

વડનગરનું તોરણદ્વાર

તોરણનાં અંગોમાં પહેલાં તો પીઠ પર ઉચ્ચાલક(ઠેકી)વાળા સ્તંભો કરી એના પર કૂટછાદ્ય (છજું), ભારપટ્ટ (ભારોટ) અને તેના પર સ્તંભ માર્ગે તિલક (તિલકડુ) અને તિલકની બાજુમાંથી બાહ્ય દિશાએ મકરમુખ (મધડિયું) કરવામાં આવે છે. તેમજ વચ્ચે શિરોમોડ સમું ઇલ્લિકાવણ્ણ (તોરણિયું) કરી એના મધ્યમાં સામાન્ય રીતે સદાશિવ અને આજુબાજુ બ્રહ્મા તથા વિષ્ણુની પ્રતિમા સ્થાપવામાં આવે છે. તોરણની પીઠ પ્રાસાદની પીઠ કરતાં નીચી કરાતી, પણ ઉપરની પાટ તો મંડપની પાટ બરાબર કરવામાં આવતી. ‘અપરાજિત પૃચ્છા’કારે આવા તોરણને ઉત્તુંગ પ્રકારનું તોરણ કહ્યું છે. ગુજરાતમાં આવાં તોરણો શામળાજી, પિલુદ્રા, વડનગર, કપડવંજ, સિદ્ધપુર વાલમ, મોઢેરા, ઘૂમલી વગેરે સ્થળોએ જોવા મળે છે. ઉપરાંત, શાસ્ત્રોમાં વર્ણવેલ ન હોય તેવી કેટલીક બાબતો તોરણ સાથે સંકળાયેલી છે; જેમ કે, ઉચ્ચાલક મોટાં તોરણોમાં જ હોય. આ ઉચ્ચાલકોની ફરતાં ટેકણો ઉપર વ્યાલ અને શાલભંજિકાઓનાં શિલ્પો પણ મૂકવામાં આવે છે.

ગુજરાતનાં કેટલાંક પ્રાચીન મંદિરોની આગળ તોરણ કરેલાં મળે છે. કેટલીક વાર મંદિર નષ્ટ થયાં હોય પણ તેનાં તોરણદ્વારો મોજૂદ હોય છે. ત્યારે તે યુગલોની ચોરી તરીકે પણ ઓળખાય છે ! જેમ કે, મોઢેરાનું તોરણ, સીતાની ચોરી; શામળાજીનું તોરણ, હરિશ્ર્ચંદ્રની ચોરી અને વડનગરનું તોરણ, કુંવરબાઈની ચોરી તરીકે ઓળખાય છે.

વડનગરનાં તોરણો : વડનગરમાં બે તોરણો છે, જેમાંનું એક મૂળ સ્થિતિમાં છે અને બીજાનો કેટલોક ભાગ નીચે પડેલો છે. બંને કદ અને કારીગરીમાં સરખાં છે. તોરણના સ્તંભ ઘણા ઊંચા છે. તે બહુકોણીય છે. અને એનાં અંગો વિવિધ આકારનાં અને વિવિધ સુશોભનવાળાં છે. તેના ગોખમાં ઉત્તમ શિલ્પાંકનો છે. ઉચ્ચાલકના ટેકાઓમાં શાલભંજિકાનું આલેખન છે. તોરણનાં પીઠ, સ્તંભ, મકરમુખ, વંદનમાલિકા, ઉચ્ચાલક, તિલકડુ અને ઇલ્લિકાવલણ બારીક નકશીથી સુશોભિત છે. વંદનમાલિકા મકરમુખમાંથી નીકળે છે અને તે ઇલ્લિકા પ્રકારની છે.

એના ઇલ્લિકાવલણમાં ગણેશ, કાર્તિકેય વગેરેની પ્રતિમાઓ ગોઠવેલી છે. આમ તોરણનાં વિવિધ અંગોનું અન્યોન્ય સમતોલપણું તેમજ સૌષ્ઠવથી શોભતાં રૂપાંકનોને લીધે આ તોરણ ગુજરાતનાં તોરણોમાં શ્રેષ્ઠ છે. જોકે હાલમાં આ તોરણોનાં રૂપાંકનો ઘણાં ઘસાયેલાં છે; પરંતુ જ્યારે તે ઊભું હશે ત્યારે ચોક્કસ ગુજરાતનું ગૌરવ હશે.

અન્નપૂર્ણા શાહ