વડતાલ : આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકામાં આવેલું નગર અને વૈષ્ણવ ધર્મના સ્વામિનારાયણ સંપ્રદાયનું પવિત્ર યાત્રાધામ. ભૌગોલિક સ્થાન : 22° 36´ ઉ. અ. અને 72° 55´ પૂ. રે.. વડતાલ જિલ્લામથક નડિયાદથી 16 કિમી. અને બોરિયાવીથી 6 કિમી.ને અંતરે આવેલું છે.

વડતાલ આસપાસનો સમગ્ર પ્રદેશ ગોરાડુ જમીનવાળો, ફળદ્રૂપ અને સમતળ છે. વડતાલ નડિયાદની નજીક હોવાથી તેની આબોહવા નડિયાદને સમકક્ષ છે. સરેરાશ મહત્તમ અને લઘુતમ તાપમાન અનુક્રમે 29° સે. અને 14° સે. જેટલાં રહે છે. ઉનાળામાં મે માસનાં મહત્તમ અને લઘુતમ તાપમાન 41° સે. અને 26° સે. જેટલાં રહે છે. સમુદ્રથી પ્રમાણમાં દૂર હોવાથી ઉનાળામાં ક્યારેક 46° સે. તાપમાન પણ પહોંચે છે. અહીં જૂન 15થી સપ્ટેમ્બર 15 દરમિયાન આશરે 800 મિમી. જેટલો વરસાદ પડે છે.

સ્વામિનારાયણ મંદિર, વડતાલ

અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય વેપાર છે. કેટલાક લોકો ખેતી અને પશુપાલન પર જીવનનિર્વાહ કરે છે. લુહારી, સુથારી અને હાથસાળ તેમજ પાવરલુમ સંચાલિત વણાટકામ અહીંના પરંપરાગત લઘુઉદ્યોગો છે. જિલ્લા અને તાલુકામાં તમાકુનો પાક વિશેષ થતો હોઈ તમાકુ પકવવાની ખળીઓ અહીં વડતાલ ખાતે પણ આવેલી છે. અહીં દૂધમંડળીઓ, વણાટ સહકારી મંડળીઓ, બૅંકોની શાખાઓ, તાર-ટપાલ-ટેલિફોન ઑફિસ, પાણી-પુરવઠો વીજળી જેવી સગવડો ઉપલબ્ધ છે.

અહીં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની તેમજ પુસ્તકાલયની સગવડ છે. વડતાલ વિશેષે કરીને ત્યાંના સ્વામિનારાયણ મંદિર માટે જાણીતું બનેલું છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક સહજાનંદ સ્વામી 1731માં ઉત્તરપ્રદેશમાં છપૈયા ગામે જન્મ્યા હોવા છતાં તેઓ વડતાલમાં વધુ વખત રહેલા. 1824માં તેમના માર્ગદર્શનથી વડતાલ ખાતે શિલ્પ-સ્થાપત્યના ભવ્ય નમૂનારૂપ કાષ્ઠસ્તંભો પર બારીક કોતરણી ધરાવતું સ્વામિનારાયણ સંપ્રદાયનું ભવ્ય મંદિર બંધાયું હતું. મંદિરના મધ્યભાગમાં દરવાજો છે, મંદિર ફરતી યાત્રાળુઓ માટેની ધર્મશાળા છે, મંદિરને વાયવ્ય ખૂણે બગીચો અને ગોમતી તળાવ છે. દર વર્ષે ભાદરવા સુદ અગિયારશ(જળઝીલણી એકાદશી)ને દિવસે અહીં મોટો મેળો ભરાય છે તથા ગણપતિનો વરઘોડો નીકળે છે. સમૈયા વખતે સાધુસંતો એકઠા થઈને ધામધૂમથી ઉત્સવ ઊજવે છે અને ભજન-કીર્તન કરે છે.

વડતાલમાં ગોમતી તળાવ ઉપરાંત બીજું એક તળાવ અને વાવ આવેલાં છે. આ નગર નજીક ત્રણ પરાં આવેલાં છે. અમદાવાદ-મુંબઈ બ્રૉડગેજ રેલમાર્ગ પર આવેલા બોરિયાવી મથકથી વડતાલ માત્ર 6 કિમી. અંતરે આવેલું છે તથા તે વલ્લભવિદ્યાનગર-આણંદ સાથે સડકમાર્ગે જોડાયેલું છે. વડતાલની વેપાર-વૃદ્ધિ તેમજ આબાદી સ્વામિનારાયણના મંદિરને કારણે થયેલી છે.

શિવપ્રસાદ રાજગોર