લૉન્જાયનસ (આશરે જ. 213; અ. 273) : ગ્રીક નવ્યપ્લેટોવાદી અલંકારશાસ્ત્રી અને તત્વવેત્તા. તેઓ ડાયોનિસિયસ લૉન્જિનસ તરીકે પણ ઓળખાય છે. તેમણે વ્યાકરણ, ગદ્યશાસ્ત્ર, અલંકાર અને પૃથક્કરણીય વિવેચનનો ઊંડો અભ્યાસ કર્યો હતો. ઍથેન્સમાં તેમણે વર્ષો સુધી વક્તૃત્વ-કલા અને અલંકારશાસ્ત્ર વિષયનું અધ્યાપન કરેલું. વિશ્વસાહિત્યમાં ‘ઑન ધ સબ્લાઇમ’, મૂળ ગ્રીક ગ્રંથ ‘પેરી હિપ્સોસ’ના લેખક તરીકે તેમનું નામ ખૂબ જાણીતું છે. ઍરિસ્ટૉટલના ‘પોએટિક્સ’ પછી વિવેચનસાહિત્યમાં ‘ઑન ધ સબ્લાઇમ’ અગત્યનો સીમાસ્તંભ ગણાય છે. આર. એ. સ્કૉટ જેમ્સે તેમને ‘પહેલા રોમૅન્ટિક વિવેચક’ તરીકે ઓળખાવ્યા છે. ‘સબ્લાઇમ’ની દસમી સદીમાં લખાયેલી હસ્તપ્રત મળી આવી છે. 1554માં સૌપ્રથમ તે છપાઈ હતી. 1674માં ફ્રેન્ચ વિવેચક બૉઇલૂ(Boileau)એ તેનો ફ્રેન્ચ ભાષામાં અનુવાદ કર્યો હતો. આ ગ્રંથની પ્રબળ અસર ડ્રાયડન અને પોપ જેવા નવ્યશિષ્ટ લેખકો પર જોવા મળે છે.

એક મત મુજબ લૉન્જાયનસ રાણી ઝેનોબિયાના વિશ્ર્વાસુ મંત્રી હતા. પામીરાની આ રાણીના તેઓ અધ્યાપક પણ હતા. તેમની સલાહથી રાણીએ સીરિયા, એશિયા માઇનોર અને ઇજિપ્તને પોતાની સત્તા નીચે આણ્યાં હતાં. કેટલોક સમય રોમના આધિપત્યથી અલગ થઈ તેમણે સ્વતંત્ર સત્તા ઊભી કરી હતી.

પરંતુ રોમન સમ્રાટ ઓરેલિયસે રાણી ઝેનોબિયાને હરાવતાં લૉન્જાયનસ પર રાષ્ટ્રદ્રોહનો આરોપ મૂકી તેમને દેહાન્તદંડની સજા કરેલી. આ સજાની રૂએ તેમનો કાયદેસર શિરચ્છેદ કરવામાં આવ્યો ત્યારે તેમની ઉંમર સાઠ વર્ષની હતી. પામીરાના યુદ્ધના વીર પુરુષની આ ભવ્ય કરુણાંતિકાની પાછળ રહેલી એક સાહિત્યસર્જક રાજનીતિનો પણ ઘડવૈયો હોય તે ઘટના સાચે જ રોમાંચક છે.

લૉન્જાયનસના મત મુજબ સાહિત્યમાં ઉદાત્ત તત્વ (‘Hypsos’  ‘Sublimisty’) એટલે સર્જકની સમર્થ શક્તિનો તેની કૃતિમાં પડતો પ્રતિઘોષ કે નિચોડ. આની પાછળ સર્જકની નૈતિક અને કલ્પનાપ્રચુર શક્તિ છે. સાહિત્યકૃતિ અનન્ય નીવડે તેના કારણમાં સર્જકની પોતાની ગુણવત્તા હોય છે. લૉન્જાયનસ એમ પણ સૂચવે છે કે વિચારની મહાનતા કદાચ જન્મજાત નહિ હોય, પરંતુ અન્ય મહાન સર્જકોના અધ્યયન-અભ્યાસમાંથી પ્રાપ્ત થઈ શકે. તે એમ કહે છે કે હોમર, ડિમોસ્થિનિસ અને પ્લેટો જેવાના અભ્યાસમાંથી તે મળી શકે છે. કૃતિમાં અભિવ્યક્ત થતા કેટલાંક પાયાનાં અવતરણોમાંથી ઉદાત્ત તત્વને અનુભવી શકાય છે.

કોઈ કૃતિ સાહિત્યમાં ચિરંજીવ બને છે તેનું કારણ આ ઉદાત્ત તત્વ છે. સેફો જેવી મહાન કવયિત્રીમાં આ પ્રકારની પંક્તિઓ મળી આવે છે. ઉદાત્ત તત્વના પાંચ મૂળ સ્રોત છે.

(1) ભવ્ય વિચાર (grandeur of thought)

(2) તીવ્ર લાગણી (deep emotion). તે સર્જકના પોતાના સ્વભાવમાંથી નીપજે છે.

(3) અલંકારયુક્ત વાણી (figures of speech)

(4) શબ્દનો પ્રભાવી અને નવનિર્મિત ઉપયોગ (nobility and originality in word – use)

(5) લખાણની શૈલીમાં તાલ કે લય અને સ્વરમાધુર્ય (rhythm and euphony in diction)

આ ગ્રંથમાં ગ્રીક વક્તા ડિમોસ્થિનિસ અને રોમન વક્તા સિસેરોની સાહિત્યિક શૈલીઓની સરખામણી કરવામાં આવી છે. શબ્દોના અતિ આડંબરથી સાહિત્ય પર કેવો જુલ્મ થઈ શકે તેની ચર્ચા પણ એમાં કરવામાં આવી છે.

લૉન્જાયનસે તત્વજ્ઞાન, વિવેચન અને અલંકાર વિશે પણ લખ્યું હોય તેમ મનાય છે. પરંતુ તેમાં ‘ધી આર્ટ ઑવ્ રહેટોરિક’ અને ‘ઑન ધ ચીફ એન્ડ’ના થોડાક ફકરાઓ સિવાય કોઈ લખાણ ઉપલબ્ધ થયું નથી; પરંતુ એક વાત ચોક્કસ કે ‘ઑન ધ સબ્લાઇમ’ના દીર્ઘ નિબંધની પ્રબળ અસર વિશ્વભરના સાહિત્યના રસિક અભ્યાસીઓ પર થઈ છે.

વિ. પ્ર. ત્રિવેદી