લૉન્સેસ્ટન (Launceston)

January, 2005

લૉન્સેસ્ટન (Launceston) : ઑસ્ટ્રેલિયાના ટાપુ રાજ્ય ટસ્માનિયામાં ઉત્તર તરફ આવેલું, બીજા ક્રમનું મોટું શહેર. ભૌગોલિક સ્થાન 41° 26´ દ. અ. અને 147° 08´ પૂ. રે.. તે ઉત્તર કિનારાથી આશરે 65 કિમી.ના અંતરે તથા ટૅસ્માનિયાના દક્ષિણ ભાગમાં આવેલા હોબાર્ટથી 200 કિમી. અંતરે તમાર નદીના કાંઠે ખીણભાગમાં વસેલું છે. આ શહેરની વસ્તી 1996 મુજબ 95,982 જેટલી છે.

આ શહેરમાં ઉદ્યાનો-બગીચાઓની વચ્ચે જૂના વખતનાં મકાનો જોવા મળે છે, સાથે ટૅસ્માનિયાના સમૃદ્ધ ગણાતા ખેતી વિસ્તારમાં તે વિકસતું જતું ઔદ્યોગિક મથક પણ છે. અહીં ઊનની મિલો તથા રેલવેની કાર્યશાળા (workshop) આવેલી છે. અહીંથી ઊન, સફરજન, શાકભાજી, ખનિજો અને લાકડાંની નિકાસ થાય છે. ક્વીન્સલૅન્ડના વાઇપામાંથી સજ્જીકરણ પામેલું શુદ્ધ બૉક્સાઇટ મંગાવીને શહેરની ઉત્તરે 48 કિમી. અંતરે આવેલા બેલબે ખાતેના ઍલ્યુમિનિયમ એકમમાં ઍલ્યુમિનિયમનું ઉત્પાદન લેવાય છે. અહીંના ટ્રેવાલીન ખાતેના જળવિદ્યુતમથકમાંથી રાજ્યને વીજળી પૂરી પાડવામાં આવે છે.

શહેરનાં પ્રવાસન-આકર્ષણોમાં ફેડરલ કન્ટ્રી ક્લબ કેસીનો (જુગારખાનું), પેની રૉયલ વર્લ્ડ, કૅટરૅક્ટ ગૉર્જ (જળપ્રપાત કોતર), વેવરલી વુલન મિલ, ક્વીન વિક્ટૉરિયા મ્યુઝિયમ અને કલાદીર્ઘા (art gallery) તથા રધરગ્લેન હૉલિડે વિલેજનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એન્ટેલી હાઉસ, ફૅકલિન હાઉસ અને ક્લૅરન્ડન જેવી રાજ્યની જૂની ઇમારતોમાં સુધારા કરીને જાહેર જનતાને જોવા માટે તે ખુલ્લી મૂકવામાં આવેલી છે.

ગિરીશભાઈ પંડ્યા