લેસ્કોલ, નિકોલે એસ. (જ. 16 ફેબ્રુઆરી 1831, ગૉરોખૉવો, રશિયા; અ. 5 માર્ચ 1895, સેંટ પીટર્સબર્ગ) : રશિયન નવલકથાકાર અને ટૂંકી વાર્તાના લેખક. પોતાનાં દાદીમા સાથે રશિયન ધાર્મિક મઠોમાં રહેલા, તે જ તેમનો શિક્ષણકાળ હતો. લેસ્કોલે પોતાની કારકિર્દી સરકારી નોકર તરીકે શરૂ કરેલી. ફોજદારી કૉર્ટમાં કારકુન તરીકે ઓરેલ અને કીવમાં જોડાયેલા. તેમણે રશિયાનો વ્યાપક પ્રવાસ કરેલો. ત્યારબાદ તેમના કાકાના ધંધામાં એજન્ટ તરીકે તેઓ જોડાયા.
કાકાના પ્રોત્સાહનથી તેમણે પત્રકાર થવાનું પસંદ કર્યું અને સાથે જ વાર્તાઓ રચવાની પણ શરૂઆત કરી. તેમની વાર્તાઓ ચિત્રાત્મક અને રમૂજી શૈલીમાં લખાયેલી હોવાથી સામાન્ય વાચકવર્ગમાં તે પ્રિય થઈ પડી. આરંભની વાર્તાઓમાં મુખ્યત્વે કામુકતા અને ક્રૂરતા જેવા વિષયોનો સમાવેશ થતો હતો અને સામાન્ય જનમાનસને આકર્ષી શકે તેવી રજૂઆત તેમાં હતી. જુસ્સાપૂર્ણ ભાષામાં થયેલાં વર્ણનોથી વાર્તાઓ વાચકને પકડી રાખતી. તેમની વાર્તા ‘લેડી મૅકબેથ ઑવ્ ધ મઝીન્સ્ક ડિસ્ટ્રિક્ટ’ 1866માં લખાઈ, જેનું અંગ્રેજી ભાષાંતર 1961માં થયું અને ખૂબ ખ્યાતિ પામી. 1934માં શૉસ્ટાકોવિચે તેનો પોતાના ઑપેરામાં ઉપયોગ કર્યો. 1872માં લખાયેલ તેમની નવલકથા કથીડ્રલ ફૉક, અંગ્રેજીમાં 1924માં અનૂદિત થઈ. આ નવલકથામાં પ્રાદેશિક પાદરીજીવનના ગુણો અને ચર્ચની અમલદારશાહીની ક્ષતિઓનું વેધક વર્ણન છે. તે જમાનાના સમાજનું અને ખાસ કરીને પાદરી-જીવનનું સર્વગ્રાહી વર્ણન આ નવલકથામાં જોવા મળે છે. ‘ધ ટેલ ઑવ્ ક્રૉસ-સાઇડ લેફટી ફ્રૉમ ટુલા ઍન્ડ ધ સ્ટીલ ફલીઆ’ (1881) અને ‘એન્ચેન્ટેડ વૉન્ડરર’ (અનુ. 1961) ટૂંકી વાર્તાઓ છે. ‘નો વ્હેર ટુ ગો’ (મૂળ કૃતિ 1864) અને ‘એટ ડેગર્સ ડ્રૉન’ (1870) તેમની નોંધપાત્ર પણ વિવાદાસ્પદ નવલકથાઓ છે. 1969માં ડબ્લ્યૂ. બી. ઍડગર્ટને તેમની 13 વાર્તાઓનો અનુવાદ અંગ્રેજીમાં કર્યો હતો. લેસ્કોલનાં લખાણોમાં વિચાર કરતાં, વેધક શૈલીમાં થયેલું નિરૂપણ તેમને સફળ વાર્તાકાર અને અસરકારક નવલકથાકાર તરીકે યશસ્વી બનાવે છે.
પંકજ સોની, વિ. પ્ર. ત્રિવેદી