લે’ સ્ટ્રેન્જ રૉજર (સર) (જ. 17 ડિસેમ્બર 1616, હન્સ્ટેન્ટન, નૉર્ફોક, ઇંગ્લૅન્ડ; અ. 11 ડિસેમ્બર 1704, લંડન) : અંગ્રેજ પત્રકાર અને અનુવાદક. સત્તરમી સદીના ઇંગ્લૅન્ડના અત્યંત ચર્ચાસ્પદ પત્રકાર તરીકે એ સમયના વિવાદોને લગતી પુસ્તિકાઓ તથા પત્રિકાઓ લખીને બહાર પાડી હતી. તેમણે કેટલાક અનુવાદો પણ કર્યા છે. દેશમાંના પ્રજાકીય સ્વાતંત્ર્ય માટેના આંતરવિગ્રહ વખતે એમણે રાજાની તરફદારી કરી હતી. છાપકામના સર્વસત્તાધીશ અધિકારી તરીકે તેમની નિમણૂક થઈ હતી, જે હોદ્દાની રૂએ તેઓ જે તે છાપકામની પરવાનગી આપતા અને સરકાર વિરુદ્ધ લખાણ છાપનાર મુદ્રકોને શોધી શોધીને તેમના પરવાના રદ કરતા.

લીન શહેરનો પુન: કબજો મેળવવાની બાબતમાં પ્રજાકીય લશ્કરના હાથે તેઓ પકડાયા હતા અને ચાર વર્ષની સજા પામ્યા હતા. પાછળથી નેધરલૅન્ડ્ઝમાં નાસી ગયેલા. રાજાની રજા સિવાય સરકારવિરોધી કોઈ પણ વિચાર છાપી ન શકાય તેવા સરકારી ધારા સામે મહાકવિ જૉન મિલ્ટને ‘એરિયોપેજિટિકા’ તેમજ અન્ય લેખો અને પાર્લમેન્ટનાં ઉદબોધનો દ્વારા ઊહાપોહ મચાવેલો તે બધા વિચારોની વિરુદ્ધ રૉજરે ‘નો બ્લાઇન્ડ ગાઇડ્ઝ’ (1660) નામની પુસ્તિકા લખેલી. 1663માં તેમની ‘સર્વેયર’ પદે પુન: પ્રતિષ્ઠા કરવામાં આવેલી. આ પછી તેમણે ‘ઇન્ટેલિજન્સર’, ‘ન્યૂઝ’ (બંને 1663-66) અને ‘ઑબ્ઝર્વેટર’ (1681-87) વગેરે પુસ્તિકાઓ લખેલી. 1675માં તેમણે ‘સિટી મર્ક્યુરી’ સામયિક શરૂ કરેલું. 1685માં તેમની વફાદારી બદલ રાજા જેમ્સ બીજા તરફથી તેમને ‘સર’નો ખિતાબ બક્ષવામાં આવેલો.

1688માં રાજા જેમ્સ બીજાને ઇંગ્લૅન્ડની ગાદી ગુમાવવી પડેલી અને વિલિયમ તથા મેરીના રાજ્યારોહણના સમયે લે’ સ્ટ્રેન્જને તેમનો હોદ્દો છોડવાની ફરજ પડેલી. પછીથી તેમને જેલમાં પણ ધકેલી દેવામાં આવેલા. પોતાના પરિવારના ભરણપોષણ માટે તેમણે ‘ફેબલ્સ ઑવ્ ઇસપ ઍન્ડ અધર એમિનન્ટ મિથોલૉજિસ્ટ્સ’ અને ઇરેઝ્મસના ‘કૉલોક્વિઝ’ (1680, 89)ના અનુવાદ બહાર પાડેલા.

વિ. પ્ર. ત્રિવેદી