લેસોથો : દક્ષિણ આફ્રિકા દેશના અંતરાલમાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : તે 29° 30´થી 31° 00´ દ. અ. અને 27° 00´થી 29° 00´ પૂ. રે. વચ્ચેનો 30,352 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ 515 કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ 430 કિમી. જેટલી છે. માસેરુ તેની રાજધાનીનું સ્થાન છે.

લેસોથો

ભૂપૃષ્ઠ : લેસોથોનું ભૂપૃષ્ઠ પહાડી છે. તેના પૂર્વ ભાગમાં 3,400 મીટર ડ્રેકન્સબર્ગની પર્વતીય હારમાળા આવેલી છે, તેના એક ભાગ રૂપે આવેલા માલોટી પર્વતો મધ્ય લેસોથોમાં છવાયેલા છે. પશ્ચિમ ભાગ મેદાની ભૂપૃષ્ઠ છે. હિંદી મહાસાગર આ દેશથી પૂર્વમાં આશરે 320 કિમી.ને અંતરે આવેલો છે. ઑરેન્જ, કાલેડોના અને ટુગેલા અહીંની મહત્વની નદીઓ છે, તેમનાં ઉદગમસ્થાનો લેસોથોની ઈશાન દિશામાં આવેલાં છે.

કાતિલ ઠંડી સામે લેસોથોવાસીઓનું વિશિષ્ટ રક્ષા-કવચ

આ દેશ સમુદ્રસપાટીથી આશરે 1,500 મીટરની ઊંચાઈએ આવેલો હોવાથી તેની આબોહવા ગરમ અને ભેજવાળી રહે છે. તેનાં સ્થળદૃશ્યો સૃદૃષ્ટિસૌંદર્યથી ભરપૂર હોવાથી આ દેશ દક્ષિણ આફ્રિકાના સ્વિટ્ઝર્લૅન્ડ તરીકે ઓળખાય છે. અહીંનાં ઉનાળા અને શિયાળાનાં તાપમાન અનુક્રમે 32° સે. અને 7° સે. જેટલાં રહે છે. પર્વતીય ભાગોમાં શિયાળાની ઋતુમાં તાપમાન અવારનવાર શૂન્ય અંશ કરતાં પણ નીચું જાય છે. શિયાળાની ઋતુમાં માલોટી પર્વતનાં શિખરો હિમાચ્છાદિત રહે છે. અહીં તાપમાનની જેમ વરસાદનું વૈવિધ્ય પણ રહે છે. ઑક્ટોબરથી એપ્રિલનો સમયગાળો અહીં વર્ષાઋતુ ગણાય છે. અહીં સરેરાશ 700 મિમી. જેટલો વરસાદ પડે છે.

દેશનું મોટાભાગનું ભૂપૃષ્ઠ પહાડી હોવાથી ઘાસ સરળતાથી ઊગી નીકળે છે, તે વિસ્તાર ગોચરો તરીકે જાણીતો બન્યો છે. અહીંના કેટલાક ભાગોમાં ઑલિવ, વિલો અને બ્રશવુડ જેવાં વૃક્ષો તથા હરણ, કાળિયાર, સસલાં જેવાં રુવાંટીવાળાં પ્રાણીઓ જોવા મળે છે.

અર્થતંત્ર : દેશની મોટાભાગની ભૂમિ ખડકાળ હોવાથી અહીંની જમીનો ઓછી ફળદ્રૂપ છે, તેમ છતાં અહીં મકાઈ, જુવાર, ઘઉં અને શાકભાજી થાય છે. દેશમાં ઘાસચારાની અછત ન હોવાથી પશુપાલનનો વ્યવસાય વિકસ્યો છે. ખાસ કરીને ગાય અને ઘેટાં-બકરાંનો ઉછેર વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. તેમાંથી મળતી ઊન, વાળ, ચામડાં અને દૂધ જેવી પેદાશોને પ્રાણીજ-પેદાશ તરીકે ઘટાવાય છે.

હીરા આ દેશની મુખ્ય સંપત્તિ છે, તે દેશના ઈશાન ભાગમાંથી મળે છે. આ ઉપરાંત અહીં લોહઅયસ્ક, ચિરોડી અને ક્વાર્ટ્ઝ પણ મળે છે. પહાડી ઢોળાવવાળા ભાગોમાંથી વહેતી નદીઓને કારણે જળવિદ્યુત ઉત્પન્ન કરવાની શક્યતા વધુ છે. અહીં કાપડ, પોશાકો અને રાચરચીલું બનાવવાના એકમો પણ આવેલા છે.

વસ્તી : 2000 મુજબ આ દેશની વસ્તી આશરે 21,53,000 જેટલી છે. અહીંના નિવાસીઓ કાળા આફ્રિકી લોકો છે, તેઓ બાસુટો (અથવા બાસોથો) તરીકે ઓળખાય છે. તેઓ શરીરે મજબૂત બાંધાના હોય છે; મોટાભાગના લોકો ગામડાંઓમાં ઝૂંપડાં બનાવીને રહે છે, દરેક ગામડું આશરે 250ની વસ્તીવાળું હોય છે. ગામની આસપાસ ખેતરો હોય છે, ખેતીનું અને ઘરનું કામકાજ સ્ત્રીઓ સંભાળે છે.

પુરુષો પશુપાલનની પ્રવૃત્તિમાં વ્યસ્ત રહે છે. અંગ્રેજી (સત્તાવાર) અને સેસોથો, ઝુલુ અહીંની મુખ્ય ભાષાઓ છે. તેમનો મુખ્ય ધર્મ ખ્રિસ્તી છે. બાળકોની કુલ વસ્તીના 75 % પ્રાથમિક શાળાઓનો લાભ લે છે. દેશના 65 % પુખ્તવયના લોકો લખી-વાંચી શકે છે. અહીં પુરુષો કરતાં સ્ત્રીઓનું સાક્ષરતાનું પ્રમાણ વિશ્વમાં સૌથી વધુ છે. (પુરુષો : 72 %, સ્ત્રીઓ 73 %) અહીં શિક્ષણની પ્રવૃત્તિ મિશનરીઓ દ્વારા વિકસી છે. માસેરુ દેશનું પાટનગર છે.

ઇતિહાસ : 1820ના દાયકામાં હાસના લેસોથોમાં મોશો શો 1લાએ સોથો રાજ્ય સ્થાપ્યું. તેણે અંગ્રેજોને શરણે જવાની ફરજ પડી, અને 1868માં તે રક્ષિત રાજ્ય બન્યું. 1871માં તે બ્રિટિશ કેપ કોલોનીનો પ્રદેશ બન્યો. 1966માં યુનિયન ઑવ્ સાઉથ આફ્રિકામાં વિલીન થવાનો સોથો લોકોના વિરોધને લીધે તે લેસોથોનું સ્વતંત્ર રાજ્ય બન્યું. 1970માં લિબુઆ જોનાથને બંધારણ મુલતવી રાખ્યું અને વિરોધ પક્ષો પર પ્રતિબંધ મૂક્યો. સરકાર અને બાસુટો કૉંગ્રેસ પાર્ટી વચ્ચે 16 વર્ષ સંઘર્ષ ચાલ્યો. 1986માં લશ્કરના બળવાના પરિણામે મોશોશો 2 જો પુન: સત્તા પર આવ્યો. 1990માં તેને સત્તાભ્રષ્ટ કરીને તેનો પુત્ર લેત્સી 3 જો સત્તાધીશ બન્યો. 1992ની ચૂંટણીમાં બાસુટો કૉંગ્રેસ પાર્ટી જીતી અને લશ્કરી સમિતિ વિખેરી નાંખી. 1995માં મોશોશો 2 જો ફરી ગાદીએ બેઠો બીજે વર્ષે તેના નિધન બાદ તેનો પુત્ર લેત્સી 3 જો ફરી ગાદીએ બેઠો. 1998ની ચૂંટણીમાં પ્રપંચના આક્ષેપો થવાથી હિંસક વિરોધ થયો અને લશ્કરે બળવો કર્યો. સપ્ટેમ્બર, 1998માં દક્ષિણ આફ્રિકાના લશ્કરે ત્યાં જઇને વ્યવસ્થા સ્થાપી અને 2000માં નવી ચૂંટણી થઈ. વર્ષો સુધીની રાજકીય કટોકટી પછી 2003માં લેસેથોમાં પ્રમાણમાં સ્થિરતા સ્થપાઈ. 2005માં દેશમાં ગરીબી વધી. ખેતીના ઉત્પાદનમાં ઘટાડો થયો. લાખો લોકો અનાજની તંગીમાં જીવતા હતા. 2007માં લેસોથોમાં ફરીથી રાજકીય તકલીફો અનુભવવી પડી. 2007માં લેસોથોમાં દુષ્કાળમાં આશરે ચાર લાખ લોકો અનાજની તંગીમાં હતાં. 2008માં પણ વરસાદ ન પડવાથી દેશની જરૂરિયાતનું 70% થી વધારે અનાજ આયાત કરવું પડ્યું. તેના ભાવો બેસુમાર વધવાથી ગરીબો તે મેળવી શકતા નહિ. એપ્રિલ 2009માં લેસોથોના વડાપ્રધાનની હત્યા કરવાનો નિષ્ફળ પ્રયાસ થયો અને ત્રણ હુમલાખોરો માર્યા ગયા. 2011માં ત્યાં રાજા લેત્સી 3 જો અને વડાપ્રધાન પકાલિથા મોસિસિલી હતા.

નીતિન કોઠારી

જયકુમાર ર. શુક્લ