લેનિન સ્ટેટ લાઇબ્રેરી, મૉસ્કો (રશિયન સ્ટેટ લાઇબ્રેરી)

January, 2005

લેનિન સ્ટેટ લાઇબ્રેરી, મૉસ્કો (રશિયન સ્ટેટ લાઇબ્રેરી) : યુએસએસઆરનું રાષ્ટ્રીય ગ્રંથાલય. રશિયન સ્ટેટ લાઇબ્રેરી (Rossiiskaia gosudarstvennaia biblioteka, or RGB) તરીકે જાણીતું આ ગ્રંથાલય વિશ્વનાં અગ્રેસર ગ્રંથાલયોમાંનું એક છે.

1લી જુલાઈ 1862ના રોજ રુમિયનત્સેવ મ્યુઝિયમ (Rumiantser Museum). મૉસ્કોના ભાગ તરીકે આ ગ્રંથાલયની સ્થાપના થઈ. અઢારમી અને ઓગણીસમી સદીમાં ઘણા ખાનગી સંગ્રહો આ ગ્રંથાલયમાં ઉમેરાયા. ઈ. સ. 1917 સુધીમાં 300 કરતાં વધારે ખાનગી સંગ્રહો આ ગ્રંથાલયને મળેલા છે. રાજનીતિદક્ષ રુમિયનત્સેવ (1754-1826) અને વિખ્યાત રાજપુરુષો, વિદ્વાનો, લેખકો અને સમાજની નામાંકિત વ્યક્તિઓનાં પુસ્તકો તેમજ પ્રાચીન હસ્તપ્રતોના વિશાળ સંગ્રહ સાથે આ ગ્રંથાલય અસ્તિત્વમાં આવ્યું. નાણાંના અભાવે આ ગ્રંથાલયનો વિકાસ ન થયો; પરંતુ 1917ની રશિયન ક્રાંતિ પછી આ ગ્રંથાલયનો દરજ્જો તથા તેની પ્રવૃત્તિઓમાં પરિવર્તન આવ્યું. ક્રાંતિની ભયંકર સ્થિતિ, સિવિલ વૉર અને પરદેશનો હસ્તક્ષેપ છતાં સોવિયેત સરકારે ગ્રંથાલયોની કાળજી લીધી; ખાસ કરીને આ ગ્રંથાલયની.

લેનિન સ્ટેટ લાઈબ્રેરી, મોસ્કો

કૉમ્યુનિસ્ટ પાર્ટી અને સોવિયેત સ્ટેટના સ્થાપક વી. આઈ. લેનિન (V. I. Lenin, 18701924) પોતે આ ગ્રંથાલયના સભ્ય બન્યા. ક્રાંતિ પછી તેઓ નિયમિત રીતે આ ગ્રંથાલયોમાંથી પુસ્તકો લઈ જતા અને નિશ્ચિત તારીખે પરત કરતા. તેમણે આ ગ્રંથાલયની પુસ્તક-પ્રાપ્તિની નીતિ અંગે સમર્થ માર્ગદર્શન આપ્યું. અગાઉ રુમિયનત્સેવ મ્યુઝિયમ તરીકે જાણીતા આ ગ્રંથાલયનું ફેબ્રુઆરી 1925માં નવેસરથી નામાભિધાન યુએસએસઆર સ્ટેટ લાઇબ્રેરી તરીકે થયું. ‘સ્ટેટ બુક ડિપૉઝિટરી’ તરીકેનો મરતબો ઈ. સ. 1921માં આપવામાં આવેલો. ત્યારબાદ ઈ. સ. 1927માં આ ગ્રંથાલય મ્યુઝિયમથી અલગ થઈને એક સ્વતંત્ર અસ્તિત્વ પામ્યું.

ગ્રંથાલયની શરૂઆતથી જ રશિયામાં પ્રકાશિત થતાં પુસ્તકોની નકલો વિના મૂલ્યે આ ગ્રંથાલયને મળે છે. આ ગ્રંથાલય ‘સામયિકોની વાઙ્મયસૂચિ 1917-1947’નાં મુદ્રિત કાર્ડ પૂરાં પાડે છે. વળી રશિયન સ્ટેટ લાઇબ્રેરી, સઅલ્ત્યકૉવ-શેચેડ્રીન પબ્લિક લાઇબ્રેરી (Salthkov-Shchedrin public library) પિટ્સબર્ગ અને સેન્ટ્રલ બુક ઑફિસના સંગ્રહોની સહકારી સૂચિ તૈયાર કરે છે. રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિનિમય પણ કરે છે. વ્યાવસાયિક શિક્ષણ અંગે તથા વાચકો માટે વ્યાખ્યાનો પણ ગોઠવે છે.

આ ગ્રંથાલય યુએસએસઆરનું રાષ્ટ્રીય ગ્રંથાલય હોવા ઉપરાંત યુએસએસઆરની બધી જ મુદ્રિત સામગ્રીની સ્ટેટ ડિપૉઝિટરી; પરદેશી સાહિત્ય, સંસ્કૃતિ અને કલા, હસ્તપ્રતો તથા અન્ય પ્રલેખોની માહિતી પૂરી પાડતું માહિતીકેન્દ્ર; વાઙ્મયસૂચિનું કેન્દ્ર; ગ્રંથાલય-વિજ્ઞાન, વાઙ્મયસૂચિના સિદ્ધાંતો અને મુદ્રણકળાના ઇતિહાસનું સંશોધનકેન્દ્ર તેમજ સોવિયેત ગ્રંથાલયોનું સલાહકાર-કેન્દ્ર પણ છે.

ગ્રંથાલયના કુલસંગ્રહમાં 47.7 મિલિઅનથી વધારે પ્રલેખસામગ્રી છે; જેમાં પુસ્તકો, સામયિકો; વર્તમાનપત્રોની વાર્ષિક ફાઇલો; ક્રમિક પ્રકાશનો;  મ્યૂઝિકલ સ્કોર્સ; નકશાઓ; મુદ્રિત કલાઓ; દૃશ્ય-શ્રાવ્ય-સામગ્રી; ચોપાનિયાં, માનકો અને ટૅકનિકલ પ્રલેખો; વિશિષ્ટ પ્રકારનાં સંશોધનોની સાહિત્ય સામગ્રી, આર્કાઇવ્ઝ, હસ્તપ્રતોની સામગ્રી;  અને અપ્રકાશિત પ્રલેખો; માઇક્રોફૉર્મ, મૅગ્નેટિક ટેપો, કૉમ્પેક્ટ ડિસ્કો અને અન્ય પ્રલેખ-સામગ્રીનો સમાવેશ થાય છે.

રશિયન સ્ટેટ લાઇબ્રેરી(Pashkov House, 1784-86)ની રચના વાસિલી ઇવાનૉવિચ બેઝેનોવે (Vasilii Ivanovich Bazhenov) કરેલી, જે રશિયાની ઇમારતોમાં મહત્વનું સ્થાન ધરાવે છે. ઈ. સ. 191415માં નવું મકાન બનાવવામાં આવ્યું; જેમાં 50,00,000 ગ્રંથો રહી શકે અને 300 વાચકો વાચન કરી શકે તેવી સુવિધા છે. ઈ. સ. 1930થી 1960માં પાશકોવ ભવનના પ્રાંગણમાં બીજાં છ મકાનો તૈયાર કરવામાં આવ્યાં. તેમાં બુક સ્ટૅક માટેના એક 19 મજલાના મકાનનો પણ સમાવેશ થાય છે. આ મકાનો સ્થાપત્યની દૃષ્ટિએ નમૂનારૂપ છે. ઈ. સ. 1975માં મૉસ્કોના એક પરામાં  ખીમકી(Khimki)માં દૈનિક પત્રો અને સંશોધન-નિબંધોના સંગ્રહ માટે એક અલાયદું મકાન બનાવવામાં આવ્યું છે.

ઊર્મિલા ઠાકર