લૅનિયર, સિડની (જ. 3 ફેબ્રુઆરી 1842, મેકોન, જ્યૉર્જિયા, યુ.એસ.; અ. 7 સપ્ટેમ્બર 1881, લિન, નૉર્થ કૅરોલિના) : સંગીતપ્રેમી, અમેરિકન કવિ, વિવેચક. ધર્મપરાયણ માતાપિતાનું સંતાન. શિક્ષણ ઑગલથૉર્પ કૉલેજમાં લીધું. બાળપણથી જ સંગીત અને કવિતાના અનુરાગી. વિગ્રહ વખતે સંઘીય લશ્કરમાં જોડાયા અને લશ્કરી સેવા બજાવતાં 1864માં પ્રતિપક્ષના હાથે પકડાયા. પૉઇંટ લુકાઉટ, મેરીલૅન્ડમાં તેમને ચાર માસની સજા થઈ. કારાવાસમાંથી છૂટ્યા પછી ટી. બી.નો રોગ લાગુ પડ્યો. આર્થિક સંકડામણ વધતી ગઈ. યુદ્ધના સીધા અનુભવમાંથી ‘ટાઇગર લિલિઝ’ (1867) નવલકથા પ્રસિદ્ધ કરી.

સામાન્ય વકીલ તરીકેનું જીવન તેમને પસંદ નહોતું. તેમનું મન કવિતા તરફ વળ્યું. ‘પોએમ્સ (1877)’ તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ. તેઓ બાલ્ટિમોરના ‘પીબોડી ઑરકેસ્ટ્રા’માં જોડાયા. પ્રસંગોપાત્ત વ્યાખ્યાનો આપીને થોડીક આવક કરી લેતા. આનો પરિપાક તે તેમના મરણોત્તર પ્રકાશન ‘શેક્સપિયર ઍન્ડ હિઝ ફોરરનર્સ’ (2 ભાગ, 1902) છે. અંગ્રેજી સાહિત્યના વ્યાખ્યાતા તરીકે તેમની નિમણૂક ‘જૉન્સ હૉપકિન્સ ઇન્સ્ટિટ્યૂટ’માં 1879માં થઈ. આના નિષ્કર્ષરૂપે ‘ધ સાયન્સ ઑવ્ ઇંગ્લિશ વર્સ’ (1880) અને મરણોત્તર ‘ધી ઇંગ્લિશ નૉવેલ’ (1883) પ્રસિદ્ધ થયાં.

સિડની લૅનિયર

અંગ્રેજી છંદશાસ્ત્ર(prosody)ના અભ્યાસથી તેમને પ્રતીત થયું કે સંગીત અને કાવ્યરચનાના નિયમો સમાન છે. કાવ્યનો સંબંધ સ્વરભાર (accent) કરતાં છંદોલય (rhythm) સાથે વિશેષ છે એવી તેમની માન્યતા ઢ થઈ. તેમની સમગ્ર કવિતા ‘પોએમ્સ(1884)’માં પ્રસિદ્ધ થઈ છે. તેમાં કથાકાવ્યો (ballads) અને ઊર્મિકાવ્યોમાંનું ગેયતત્વ ધ્યાન ખેંચે છે. પંક્તિઓ અને છંદના લય વિશે તેઓ સભાન હતા. તેમની કવિતામાં અમૂર્ત કલ્પનો સવિશેષ પ્રવર્તે છે. તેમના સંગીત પરત્વેના લગાવને લીધે તેમનાં કલ્પનો કંઈક અંશે અસ્પષ્ટ બન્યાં છે. જોકે તેમના કાવ્યસિદ્ધાંતો તેમની કેટલીક કૃતિઓમાં ચરિતાર્થ થયેલા દેખાય છે. ‘ધ સૉંગ ઑવ્ ધ ચટ્ટાહૂચી’, ‘ધ સિમ્ફની’ અને ‘ધ માર્શિઝ ઑવ્ ગ્લીન’ નોંધપાત્ર છે. ‘સિમ્ફની’ રવાનુકારી શબ્દરચના(onomatopoetic expression)ને કારણે ધ્યાન ખેંચે છે. ઑરકેસ્ટ્રાનાં વિવિધ વાદ્યોના નાદતત્વનો અનુભવ તેની પ્રાસાનુપ્રાસબદ્ધ પદાવલિમાંથી મળે છે. પ્રત્યેક વાદ્ય સજીવારોપણ દ્વારા કોઈ ને કોઈ સામાજિક પ્રશ્ર્નનો નિર્દેશ કરે છે.

તેમના સમગ્ર સાહિત્યની આવૃત્તિ દસ ગ્રંથોમાં (1945) પ્રસિદ્ધ થઈ છે. એ. એચ. સ્ટાર્ક અને એલ. લોરેન્ઝે અનુક્રમે ‘સિડની લૅનિયર’ (1933) અને ‘ધ લાઇફ ઑવ્ સિડની લૅનિયર’ (1935) પ્રસિદ્ધ કર્યાં છે.

વિ. પ્ર. ત્રિવેદી