લેડી ચૅટર્લીઝ લવર (1928)

January, 2005

લેડી ચૅટર્લીઝ લવર (1928) : ડી. એચ. લૉરેન્સરચિત નવલકથા. સૌપ્રથમ 1928માં ઇટાલીમાં ફ્લૉરેન્સમાં તેનું ખાનગી રાહે પ્રકાશન થયું હતું. તેના વાંધાજનક ભાગને રદ કરીને તે લંડનમાં 1932માં પ્રસિદ્ધ થઈ હતી. વીસમી સદીમાં તે એક સૌથી વિશેષ ચર્ચાસ્પદ કૃતિ બની રહી.

 

આ નવલકથામાં લેડી ચૅટર્લી (કૉન્સ્ટન્સ ચૅટર્લી) બ્રિટિશ લેખક, બૌદ્ધિક અને જમીનદાર સર કિલફૉર્ડની પત્ની છે. આ જમીનદારનો કેડથી નીચેનો ભાગ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાનની ઈજાઓને કારણે લકવાગ્રસ્ત થઈ જાય છે. આ ઘટના ઉપલા વર્ગની નિષ્ક્રિયતાની દ્યોતક છે. લેડી ચૅટર્લી તેમના પતિના શિકારનાં પ્રાણીઓનું રક્ષણ સંવર્ધન કરનાર (game keeper) ઑલિવર મેલર્સ સાથે ઉત્કટ લાગણીવાળો જાતીય સંબંધ ભોગવીને જીવનનો સંતોષ માણે છે. જોકે આ પહેલાં એક સફળ નાટ્યકાર માઇકેલિસ સાથે તેને નિષ્ફળ લફરું થયું હતું. આ રીતે લેખકે સામાજિક નિગ્રહથી મુક્ત શારીરિક જીવન કહો કે ભોગજીવનની નિરામયતા વિશેની પોતાની માન્યતા રજૂ કરી છે. તેમણે આ પ્રણયીઓના કામવ્યવહારનું બેધડક સ્પષ્ટ ચિત્રણ કર્યું છે. પણ તે ચિત્રણ અત્યંત ઊર્મિશીલ કાવ્યબાનીમાં કરાયું છે. આ નવલકથાના અંત ભાગમાં બંને પ્રેમીઓ મેલર્સ અને લેડી ચૅટર્લી પોતાને છૂટાછેડા મળે ત્યાં સુધી અલગ રહે છે. જોકે તેમને કાયદેસરનું જીવન જીવવા માટેની અપેક્ષા છે જ. આવા બેધડક ચિત્રણના પરિણામે 1959થી 1962 દરમિયાન અમેરિકા, ઇંગ્લૅન્ડ અને કૅનેડામાં આ પુસ્તક સામે અશ્ર્લીલતાનો આરોપ મૂકી અદાલતી કાર્યવહી ચાલી હતી અને પરિણામે પુસ્તકમાંના લખાણનો કેટલોક ભાગ રદ કરવો પડ્યો હતો. જોકે 1960માં હાઇકોર્ટે આ ગ્રંથના પ્રકાશક સર એલન લેને પેન્ગ્વિન તરફથી પ્રસિદ્ધ કરેલ પૂર્ણ પાઠ સાથેની કૃતિની તરફેણમાં ચુકાદો આપતાં તે ઇંગ્લૅન્ડમાં છૂટથી મળતી થઈ. આ કેસની તપાસ દરમિયાન કૃતિની તરફેણમાં ઈ. એમ. ફૉર્સ્ટર, હેલન ગાર્ડનર અને રિચર્ડ હોગાર્ડે સાક્ષી આપેલી. પેન્ગ્વિને તેની નવી સંપૂર્ણ આવૃત્તિ 1961માં પ્રસિદ્ધ કરી. આ નવલકથાનો પહેલો પાઠ ‘ધ ફર્સ્ટ લેડી ચૅટર્લી’(1944)ના નામે અને તેનો સુધારાવધારા સાથેનો બીજો પાઠ ‘જૉન ટૉમસ ઍન્ડ લેડી જેન’(1972)ના નામે પ્રસિદ્ધ થયેલા. ઉપર્યુક્ત કૃતિ ઉપર ચાલેલ ઐતિહાસિક મુકદ્દમાના ચુકાદાની પ્રબળ અસર આ પ્રકારનાં પ્રકાશનો અને લખાણો પર થઈ છે.

મહેશ ચોકસી

વિ. પ્ર. ત્રિવેદી