લેડીઝ લેસ (Lady’s lace) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા એપિયેસી (અંબેલીફેરી) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Pimpinella monoica છે. છોડના દેખાવ પરથી તેનું નામ લેડીઝ લેસ પડ્યું હોવાની શક્યતા છે. તે શિયાળામાં થાય છે. ઑક્ટોબર પછી તેનાં બી રોપી ધરુ 5 સેમી.થી 7 સેમી. ઊંચું થાય ત્યારે તેને કાયમના ક્યારામાં 35 સેમી.થી 40 સેમી.ના અંતરે રોપવામાં આવે છે. રોપણી પછી 1.5 માસથી 2.0 માસમાં પુષ્પનિર્માણ થાય છે. તેના છોડ 80 સેમી.થી 90 સેમી. જેટલા ઊંચા હોય છે. પર્ણો અતિવિભાજિત અને છેદન પામેલાં હોય છે અને કોથમીર જેવી સુગંધ ધરાવે છે. પુષ્પો સફેદ, ખૂબ નાનાં અને સંયુક્ત છત્રક (compound umbel) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. છોડ પુષ્પોથી ભરાઈ જાય ત્યારે આકર્ષક લાગે છે. તેનાં પુષ્પો ફૂલદાનીમાં કટફ્લાવર તરીકે સુંદર લાગે છે. પુષ્પગુચ્છ (bouquet) બનાવવામાં પણ તેનો ઉપયોગ થાય છે.તે સપાટ મેદાનો કરતાં પહાડી પ્રદેશોમાં વધારે સારી રીતે ખીલી ઊઠે છે. તેના છોડ ઊંચા થતા હોવાથી બીજા શોભન છોડ સાથે પાછળની હરોળમાં રોપવામાં આવે છે, જેથી નાના છોડ ઢંકાઈ જાય નહિ.

લેડીઝ લેસનાં ફૂલો

તે સપાટ મેદાનો કરતાં પહાડી પ્રદેશોમાં વધારે સારી રીતે ખીલી ઊઠે છે. તેના છોડ ઊંચા થતા હોવાથી બીજા શોભન છોડ સાથે પાછળની હરોળમાં રોપવામાં આવે છે, જેથી નાના છોડ ઢંકાઈ જાય નહિ.

મ. ઝ. શાહ