લૅટિન સાહિત્ય : ઇન્ડો-યુરોપિયન ભાષાકુળની ઇટાલીની શાખાની લિંગ્વા લૅટિના એટલે કે લૅટિન ભાષામાં રચાયેલું સાહિત્ય. મૂળમાં ટાઇબર નદીના નીચાણવાળા પ્રદેશમાં વસવાટ કરતા લોકો દ્વારા તે પ્રયોજાતી. પાછળથી રોમન સામ્રાજ્યના યુરોપ અને આફ્રિકા ખંડના મોટા વિસ્તારમાં તે પથરાયેલી. રૉમન મૂળાક્ષરો(alphabets)માં લૅટિન ભાષામાં કર્મકાંડ, પાંડિત્ય અને રાજ્યભાષાનાં ક્ષેત્રોમાં પ્રાચીન, મધ્યકાલીનથી તે અઢારમી સદીના સમયગાળા દરમિયાન પણ આ સાહિત્ય ખેડાતું રહ્યું છે. પ્રશિષ્ટ (classical) લૅટિન સાહિત્યના ચોકસાઈની દૃષ્ટિએ નહિ પણ સાનુકૂળતા ખાતર 3 સમયગાળા પાડ્યા છે : પ્રારંભથી માંડીને સિસેરોના આગમન (ઈ. પૂ. 81) સુધી, સિસેરોથી માંડીને સમ્રાટ ઑગસ્ટસના ઈ. સ. 14માં થયેલા અવસાન સુધી તેમજ ઑગસ્ટન યુગની સમાપ્તિથી માંડીને જુવેનલના અવસાન (આશરે ઈ. સ. 130) સુધી. બીજાં 1,500 વર્ષ સુધી બિન-ખ્રિસ્તી તથા ખ્રિસ્તી એમ બંને પ્રકારના લોકો દ્વારા લૅટિન ભાષા ખેડાતી રહી, પરંતુ અનુપ્રશિષ્ટ (post-classical) સમયના મોટાભાગના લેખકોનું વર્ગીકરણ પ્રારંભિક, મધ્યકાલીન અથવા રેનેસાંસ ખ્રિસ્તી લેખકો તરીકે કરાયું છે.

અલબત્ત, શિલાલેખો તથા કાયદાઓના સંચય તેમજ સ્તુતિગાન ઈ. પૂ. પાંચમી સદી જેવા પ્રારંભિક કાળથી જળવાઈ રહેલાં મળે છે, પરંતુ લૅટિન સાહિત્યનો વિધિવત્ પ્રારંભ સામાન્ય રીતે ઈ. પૂ. 240માં થયો ગણાયો છે. એ સમયે લિવિયસ એન્ડ્રૉનિકસે એક ટ્રૅજેડી અને એક કૉમેડી એમ 2 ગ્રીક નાટકોના અનુવાદ રોમમાં રજૂ કર્યા હતા. મહાકાવ્યના લેખકો ગ્નેયસ નેવિયસ તથા ક્વિન્ટસ એનિયસ તેમજ કટાક્ષશૈલીના શોધક લુસિયસે પણ તેમનું અનુસરણ કર્યું હતું. આ ચારેય લેખકોની કૃતિઓના કેવળ છૂટાછવાયા ભાગો મળી શકે છે. લૅટિન ગદ્યના પિતામહ તરીકે ઓળખાવાયેલા કૅટો ધ એલ્ડર તથા કૉમેડીના નાટ્યલેખકો પ્લૉટસ અને ટેરેન્સ પણ આ જ સમયગાળામાં થઈ ગયા.

ઈ. પૂ. 81માં માર્કસ ટુલિયસ સિસેરોએ પ્રથમ પ્રવચન આપ્યું તે પછીનાં 100 વર્ષ અસામાન્ય સર્જકતાનો સમયગાળો બની રહ્યો. તત્વજ્ઞાની કવિ લુક્રેટિયસ તથા ઊર્મિકવિ કૅટલસનું સર્જન સિસેરોના જીવનકાળ દરમિયાન થયું. પછીની 2 પેઢીઓએ લૅટિનનો સુવર્ણયુગ જોયો. તેમાં રોમના શ્રેષ્ઠ મહાકાવ્ય ‘ઇનિડ’ના સર્જક વર્જિલનો તથા કટાક્ષ અને ઊર્મિકવિતાના સમર્થ સર્જક હૉરેસનો અને શોકકાવ્યોના કવિઓ સેક્સટસ પ્રૉપર્ટિયસ અને ટિબ્યુલસનો, ‘મેટામૉર્ફોસિસ’ના વૈશ્ર્વિક સર્જક ઑવિડનો તેમજ રોમ પ્રજાસત્તાકના ઇતિહાસકારો સૅલસ્ટ અને લિવીનો – એમ અનેકક્ષેત્રીય પ્રતિભાઓનો ઉદય થયો. આ સર્જકોની મોટાભાગની કૃતિઓ ઑગસ્ટસના પ્રમાણમાં કલ્યાણલક્ષી શાસન (ઈ. પૂ. 31થી ઈ. સ. 14) દરમિયાન સર્જાઈ.

એ પછીનો ગાળો ઘણી વાર રજત યુગ (silver age) તરીકે પણ ઓળખાવાયો છે. એ દરમિયાન ગુણવત્તાનું ધોરણ નીચું જવા લાગ્યું. અભિવ્યક્તિ અને વાણીના સ્વાતંત્ર્ય પર મર્યાદાઓ આવી પડી. સાહિત્યિક લખાણમાં અત્યુક્તિ તથા આડંબરી ભાષાનો પ્રભાવ વધ્યો. આ ગાળામાં મહાકવિઓ લુકન, સ્ટૅટિયસ અને વૅલેરિયસ ફ્લૅકસનો, નવલકથાકાર પેટ્રોનિયસ ઍર્બિટરનો, કટાક્ષલેખકો આર્શિયલ તથા જુવેનલનો, ટ્રૅજેડીના લેખકો લુસિયસ ઍનિયસ તથા સેનેકાનો, પત્રલેખક પ્લિની ધ યંગરનો, રાજવીઓના આત્મચરિત્રકાર સુટૉનિયસ અને પ્રારંભિક રોમ સામ્રાજ્યના પ્રતિભાશાળી ઇતિહાસકાર કૉનેલિયસ ટૅસિટસનો સમાવેશ થાય છે.

પ્રારંભથી જ લૅટિન સાહિત્યમાં પ્રાચીન ગ્રીક સાહિત્યનો પ્રભાવ વિશેષ પ્રસર્યો હતો. કટાક્ષલેખનને અપવાદરૂપ ગણતાં, રોમના લેખકોએ ગ્રીક સાહિત્યમાં વણસ્પર્શ્યો રહ્યો હોય એવો કોઈ સાહિત્યપ્રકાર ખેડ્યો ન હતો. લૅટિનના સૌથી મહાન સર્જકો સમા સિસેરો, વર્જિલ અને હૉરેસે જોકે અનુવાદ કે અનુકરણનો એક પડકાર તરીકે સ્વીકાર કર્યો હતો. તેમણે ઇરાદાપૂર્વક તેમના ગ્રીક પુરોગામીઓનું સ્મરણ કર્યું હતું, કેમ કે, તેઓ પોતાના પુરોગામીઓ કરતાં કેટલા આગળ અને કેટલા સક્ષમ હતા એ દર્શાવવા માગતા હતા. આ લેખકો વિશે એટલું કહેવું ઉચિત ઠરશે કે તેઓ જ્યારે સૌથી અનુકરણશીલ લાગતા હતા ત્યારે જ તેઓ સૌથી મૌલિકતા પ્રદર્શિત કરતા હતા !

પાંચમી સદીના અંતભાગમાં સંસ્કારહીન ટોળકીઓએ રોમ પર કરેલી ચડાઈઓ અને તે પહેલાંની સદીમાં ખ્રિસ્તી ધર્મના પ્રસારને લીધે રોમના શાસકવર્ગની લૅટિન ભાષા અને તેના સાહિત્યને સ્વાભાવિક રીતે જ પશ્ચિમ યુરોપ અને આફ્રિકાના ખ્રિસ્તી મઠાધીશોએ પાળ્યાંપોષ્યાં. લૅટિન ભાષાનો શબ્દકોશ સમૃદ્ધ થતો ગયો. ત્રીજી-ચોથી સદીના આફ્રિકાના ખ્રિસ્તી-લૅટિન લેખકોમાં ટર્શુલિયન, મિનુશિયસ, ફૅલિકસ, સાયપ્રિયન, આર્નોબિયસ અને લૅક્ટેશિયસનાં નામ નોંધપાત્ર છે. આ સંદર્ભે ઑગસ્ટાઇને લખેલ ‘ડી ડૉક્ટ્રિના ક્રિસ્ટિયાના’ બિનસાંપ્રદાયિક ગદ્યની લઢણો માટે ખાસ પક્ષપાત દાખવે છે. જેરૉમ ક્રિશ્ચિયન લૅટિનના આદર્શ જેવું, પવિત્ર ગ્રંથ બાઇબલનું ભાષાંતર ‘વલ્ગેટ’ નામાભિધાનથી કરે છે, તેની મોટી અસર છેક રેનેસાંસ સમયના લેખકો પર પડી છે. પાંચમી સદીના મેક્રોબિયસ અને કેપેલાનાં લખાણોની અસર પછીના અનેક સૈકાઓ સુધી પ્રબળ હતી. આ પ્રમાણે છઠ્ઠી સદીના બૉથિયસ અને કેશિયોડૉરસની અસર છેક મધ્યકાલીન લૅટિન સાહિત્ય પર જોવા મળે છે.

આઠમી અને નવમી સદીમાં લૅટિન માટે સમ્રાટ શાર્લીમેને વિશેષ પ્રોત્સાહન પૂરું પાડ્યું. આ સમયે વિદ્વાન ઑલ્કુઇન અને કવિ થિયૉડાલ્ફ ઑવ્ ઑર્લિયન્સ ખૂબ જાણીતા હતા. તેમના દ્વારા અનુક્રમે જીવનચરિત્ર, ઇતિહાસ અને ધાર્મિક કાવ્ય પરત્વે મોટું કામ થયું. ઇંગ્લૅન્ડમાં લૅટિન સાહિત્ય સાતમી સદીમાં એલ્ધેમના ગદ્યમાં ખેડાયું. બીડ ધાર્મિક ઇતિહાસના મોટા ગજાના કેળવણીકાર હતા.

મઠોનું વર્ચસ્ બારમી સદીમાં કથીડ્રલસંચાલિત શાળાઓ દ્વારા ચાલુ રહ્યું. યુનિવર્સિટીઓમાં પાછળથી લૅટિનનો મહિમા વધ્યો. તેના મૂળમાં આ શાળાઓનો ફાળો છે. જર્બર્ટ અને ફુલબર્ટ બંનેએ લૅટિન અભ્યાસ માટે પાયાનું કામ કર્યું. બર્નાર્ડ સિલ્વેસ્ટ્રિસ અને ઍલેન નોંધપાત્ર લેખકો છે.

જ્યૉફ્રી ઑવ્ મૉન્મથે (અ. 1155) રોમૅન્ટિક વાર્તાઓમાં ખાસ રસ દાખવ્યો. સીજબર્ટ, ગીબર્ટ, વિટાલિસ, વિલિયમ ઑવ્ મેલ્મેસ્બરી, સુજર, ઑટો વિલિયમ ઑવ્ ટાયર, સેક્સો ગ્રામેટિક્સ અને મેથ્યુ પૅરિસનાં નામ ઉલ્લેખનીય છે.

મધ્યકાલીન સમયના લૅટિન સાહિત્યમાં કાવ્યાત્મક અને કાવ્યેતર ગદ્યમાં છેક નવમી સદીમાં નૉટકર બૅલબુલુસ ઑવ્ સેંટ ગૉલનું સર્જન પ્રશંસનીય છે. બારમી સદીમાં ઍડમ ઑવ્ સેંટ વિક્ટરની પ્રાસાનુપ્રાસવાળી અને લયબદ્ધ કૃતિઓમાં લૅટિનનો વિકાસ થતો ગયો.

છેક અગિયારમી સદીથી લૅટિનમાં ધાર્મિક ગદ્ય-પદ્ય લખાતાં હતાં. ઍન્સેમ ઑવ્ કૅન્ટરબરીએ ધાર્મિક પ્રાર્થનાઓ લખી. મધ્યકાલીન લૅટિન સાહિત્યમાં ગીગોનાં ચિંતનાત્મક લખાણો બેનમૂન છે. રિચર્ડ રૉલ ભક્તિસાહિત્યમાં મોટું નામ છે.

રેનેસાંસ લૅટિનનો સંબંધ દાન્તે, પેટ્રાર્ક અને બૉકેચિયો સાથે છે. આમાં આલ્બર્ટિનો મુસાટો, કૉલ્યુચિયો, લિયોનાર્ડો બ્રુની અને પિકોલોમિની(પોપ પાયસ 2જો)નાં નામો નોંધપાત્ર છે. લૅટિનમાં માનવવિદ્યાઓ, ઇતિહાસ, વિજ્ઞાન, તત્વજ્ઞાન અને ધર્મ વિશે લખાણો લખાતાં હતાં.

ઇટાલીમાં પંદરમી અને સોળમી સદીમાં ફ્લૉરેન્સ, રોમ અને નેપલ્સ જ્ઞાન-ઉપાસનાનાં કેન્દ્રો હતાં. પૉગિયો, માર્સિલિયો, ફિસિનો, મિરૅન્ડૉલા, પૉલિશિયન અને લાન્દિની ફ્લૉરેન્સનું જાણીતું લેખકવૃંદ હતું. રોમમાં બેમ્બો, કોટા, વિદા અને નેપલ્સમાં પોન્તાનો નોંધપાત્ર વિદ્વાનો હતા. કાર્મેલિત સંસ્થાના બેતિસ્તા સ્પેગ્નોલીનનું નામ પ્રસિદ્ધ છે. તેમનાં ગોપકાવ્યો(pastoral)નું બહોળું વાચન થતું. રેનેસાંસ સમયમાં ગોપકાવ્ય લોકભોગ્ય સાહિત્યસ્વરૂપ હતું.

રેનેસાંસ પછી પણ લૅટિન ભાષાનો ઉપયોગ થતો. મિલ્ટને ગદ્યમાં ‘પ્રો પૉયુલો’, ‘એન્સિકાનો ડિફેન્સિયો’ અને પદ્યમાં ‘ઍડ પેટ્રેમ’, ‘દ ડૉક્ટ્રિના ક્રિશ્ચિયાના’ વગેરે લખ્યાં, પરંતુ હવે લૅટિન સાક્ષરોની જ ભાષા હતી. જોકે સાહિત્યની ભાષા તરીકે તેનાં વળતાં પાણી થયાં હતાં. સાથે સાથે આ વાતનો ઉલ્લેખ કરવો ઘટે કે અઢારમી સદી સુધી ઐતિહાસિક અને વૈજ્ઞાનિક અભ્યાસ માટેની આંતરરાષ્ટ્રીય ભાષા તે રહી હતી. હકીકત તો એ છે કે લૅટિનમાંથી ઊતરી આવેલી પશ્ચિમની પ્રાદેશિક ભાષાઓ(vernaculars)એ હવે ગિરાઓ તરીકે ગજું કાઢવા માંડ્યું હતું.

મહેશ ચોકસી

વિ. પ્ર. ત્રિવેદી