લૅટિનીના, લૅરિસા (Larisa Semyonovna Latynina) (જ. 27 ડિસેમ્બર 1934 ખેરસોન, યુક્રેન) : રશિયાનાં અંગકસરતનાં મહિલા-ખેલાડી. તેમના સમયનાં તેઓ અગ્રણી ખેલાડી હતાં. 1954થી 1966 સુધી વિશ્વકક્ષાનાં સ્પર્ધક તરીકે બીજા કોઈ પણ વ્યાયામવીર (ઍથ્લેટ) કરતાં અને બીજી કોઈ પણ રમત કરતાં તેમણે સવિશેષ ઓલિમ્પિક ચંદ્રકો મેળવ્યા હતા. 3 ઓલિમ્પિક રમતોત્સવ, વિશ્વ રમતોત્સવ તથા યુરોપિયન ચૅમ્પિયનશિપમાં તેઓ 9 સુવર્ણચંદ્રકો, 15 રજતચંદ્રકો અને 5 કાંસ્યચંદ્રકોનાં વિજેતા બન્યાં હતાં. તેમનાં અદભુત કૌશલ્ય અને ચપળતા, તેમની સુંદરતા તથા મોહકતા જેવી વિશેષતાઓને કારણે તેમનું વ્યક્તિત્વ અનન્ય બની રહ્યું હતું. 1954માં વિશ્વ-ચૅમ્પિયનશિપમાં તેમણે પ્રારંભ કર્યો ત્યારથી માંડીને 10 વર્ષ સુધી તેઓ લગભગ અજેય બની રહ્યાં હતાં. 1964ના ઓલિમ્પિક રમતોત્સવમાં ‘સંયુક્ત કસરત’ના વિભાગમાં તેમનો પરાજય થયા પછી તેઓ નિવૃત્ત થયાં અને રશિયન મહિલા ટીમનાં પ્રશિક્ષક બની રહ્યાં.

મહેશ ચોકસી