લેટિયમ : ઇટાલીનો મધ્ય-પશ્ચિમ કિનારાનો પ્રદેશ. તેમાં ફ્રોસિનન, રિયેટી, લૅટિના (અગાઉનું લિટોરિયા), રોમ અને વિટરબો પ્રાંતોનો સમાવેશ થતો હતો. તેનું ક્ષેત્રફળ 17,204 ચોકિમી. થાય છે. અસલમાં લેટિયમ નામ, ટાઇબર નદીના જમણા કિનારે વસતા લૅટિની (લૅટિન્સ) નામની આદિવાસી જાતિના પ્રદેશ માટે વપરાતું હતું. રોમન શાસન હેઠળ, તે પ્રદેશ વિસ્તૃત થયો અને ટાઇબર તથા સેવો નદીઓ વચ્ચેના સમગ્ર વિસ્તાર વાસ્તે આ શબ્દ વપરાવા લાગ્યો. આ પ્રદેશનો વિસ્તાર ઇટ્રુરિયાથી કૅમ્પેનિયા તરફ વધ્યો. ત્યાં ઇન્ડો-જર્મૅનિક ભાષા બોલતા લૅટિની લોકો વસતા હતા. લેટિયમ પ્રદેશ રોમન સામ્રાજ્યનો મુખ્ય પ્રદેશ બન્યો હતો. ચોથી સદીમાં પશ્ચિમ તરફનું રોમન સામ્રાજ્ય નાબૂદ થતાં, જર્મનો, ગ્રીકો અને આરબો દ્વારા લેટિયમ જીતી લેવામાં આવ્યું. લેટિયમ પોપના રાજ્યનો મધ્યવર્તી ભાગ બન્યો હતો. પંદરમી સદી પર્યંત મલેરિયા, દુષ્કાળ તથા ખેતી ન થવાથી તે પ્રદેશની વસ્તી ખૂબ ઘટી ગઈ. 1870માં તે ઇટાલીના રાજ્યનો પ્રદેશ બન્યો અને તેને સુધારવાનાં પગલાં લેવામાં આવ્યાં. આ પ્રદેશ ઉપરથી લૅટિન ભાષાનું નામ પડ્યું હતું.

જયકુમાર ર. શુક્લ