લાલા લજપતરાય (જ. 28 જાન્યુઆરી 1865, લુધિયાણા, પંજાબ; અ. 17 નવેમ્બર 1928, લાહોર, પાકિસ્તાન) : ભારતના મહાન સ્વાતંત્ર્ય-સેનાની, આર્યસમાજના આગેવાન અને રાષ્ટ્રવાદી લેખક. તેઓ હિંદુ અગ્રવાલ કુટુંબમાં જન્મ્યા હતા. તેમના પિતા લાલા રાધાકિશન સરકારી સ્કૂલમાં ઉર્દૂના શિક્ષક અને માતા ગુલાબદેવી શીખ હતાં. તેમનાં લગ્ન 1877માં રાધાદેવી સાથે થયાં હતાં. તેમને બે પુત્રો અને એક પુત્રી હતાં.

લાલા લજપતરાય

લજપતરાયે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ લુધિયાણા તથા અંબાલામાં લીધું. મૅટ્રિક પાસ કરીને 1880માં તેઓ લાહોરની કૉલેજમાં જોડાયા અને 1886માં કાયદાની છેલ્લી પરીક્ષા પાસ કરી. થોડો સમય લાહોરની ડી.એ.વી. કૉલેજમાં અધ્યાપનકાર્ય કર્યા બાદ તેમણે હિસારમાં અને પછી લાહોરમાં કાયદાની પ્રૅક્ટિસ કરી. લજપતરાય શરૂઆતમાં સર સૈયદ અહમદના પ્રશંસક હતા, પરંતુ પાછળથી તેઓ કૉંગ્રેસવિરોધી બનવાથી તેમની ટીકા કરતા હતા. લજપતરાય વિદ્યાર્થીકાળથી સ્વામી દયાનંદ સરસ્વતીથી પ્રભાવિત થઈને આર્યસમાજના કાર્યકર બન્યા હતા.

લજપતરાયે 1888માં અલ્લાહાબાદમાં કૉંગ્રેસની બેઠકમાં હાજરી આપી, ત્યારથી તેમની રાજકીય પ્રવૃત્તિ શરૂ થઈ. શરૂઆતમાં તેમને સામાજિક તથા શૈક્ષણિક સુધારામાં રસ હતો, પરંતુ લૉર્ડ કર્ઝનના ઉતાવળિયા સુધારાને લીધે તેમણે રાજકારણમાં રસ લેવા માંડ્યો અને કર્ઝનને આપખુદ કહી ટીકા કરી. સરકારની સખતાઈની સામે કૉંગ્રેસની મવાળ નીતિ પણ તેમને પસંદ નહોતી. સરકાર સમક્ષ માગણીઓ કરવી તેને તેઓ ‘ભીખ માગવા સમાન’ અને કાલગ્રસ્ત ગણતા હતા. તેઓ બાળ ગંગાધર ટિળકની જેમ સ્વદેશીની હિમાયત અને વિદેશી કાપડનો બહિષ્કાર કરીને અંગ્રેજો સામે લડી લેવામાં માનતા હતા. તેમણે પંજાબમાં વિશાળ સભાઓ યોજી, દેશનો વિસ્તૃત પ્રવાસ ખેડ્યો, દેશ માટે ફાળો ઉઘરાવ્યો અને લોકોની ગરીબાઈ તથા તેનાં કારણો જાહેર કર્યાં. તેમણે તેમનાં પ્રવચનો તથા લેખોમાં ભારત તથા પાશ્ર્ચાત્ય દેશો વચ્ચે આર્થિક સ્થિતિની ધ્યાનાકર્ષક સરખામણી રજૂ કરી અને અંગ્રેજો દ્વારા કરવામાં આવતા ભારતના શોષણને અન્યાયી તથા જુલમી ગણાવ્યું. તેમનાં પ્રવચનો જુસ્સાદાર તથા પ્રમાણભૂત વિગતો પર આધારિત હતાં. તેમની શૈલી મુદ્દાસર અને મર્માળી હતી. તેઓ શ્રીકૃષ્ણ, શિવાજી, દયાનંદ સરસ્વતી, મેઝિની તથા ગૅરિબાલ્ડીના જીવનમાંથી પ્રેરક અને પ્રોત્સાહક ઉદાહરણો રસપ્રદ ભાષામાં રજૂ કરતા હતા.

ઑગસ્ટ, 1905માં લજપતરાય તથા ગોપાળ કૃષ્ણ ગોખલે ભારતની સ્થિતિ વિશે બ્રિટિશ લોકમત કેળવવા કૉંગ્રેસના પ્રતિનિધિઓ તરીકે ઇંગ્લડ ગયા અને લેબર, ડેમૉક્રેટિક તથા સોશિયાલિસ્ટ પક્ષોનો ટેકો મેળવીને આવ્યા. ડિસેમ્બર, 1905માં વારાણસીમાં મળેલી કૉંગ્રેસની બેઠકમાં લજપતરાયે ઇંગ્લડના કાપડનો બહિષ્કાર કરતા ઠરાવના સમર્થનમાં જુસ્સાદાર ભાષણ કર્યું. 1907માં તેમણે પંજાબમાં ખેડૂતોની ચળવળની આગેવાની લીધી. તે માટે તેમને તથા અજિતસિંહને દેશનિકાલ કરી, મ્યાનમાર મોકલવામાં આવ્યા. તેઓ ભારતના 1857ના વિપ્લવનો અભ્યાસ કરીને, તેમાંથી કરેલી નોંધોનો ઉપયોગ તેમનાં લેખો તથા પ્રવચનોમાં કરતા હતા. તેઓ લોકોનું સરાસરી આયુષ્ય, મૃત્યુનો દર, સરાસરી આવક, કરવેરા, વેતનો, નિરક્ષરતા અને દુષ્કાળોના આંકડા પોતાના માહિતીપૂર્ણ લેખોમાં જણાવતા હતા.

દેશનિકાલની સજામાંથી નવેમ્બર 1907માં મુક્ત થયા બાદ, કૉંગ્રેસના પ્રમુખપદ માટે તેમના નામનું સૂચન થયું; પરંતુ પોતે તેમાંથી ખસી જઈને, કૉંગ્રેસનું ભંગાણ અટકાવવાના પ્રયાસો કર્યા.

લજપતરાય બીજી વાર 1908માં ઇંગ્લડ ગયા. ત્યાં તેમણે ભારતીય વિદ્યાર્થીઓ સમક્ષ પ્રવચનો આપ્યાં. ઈ. સ. 1913થી 1920 દરમિયાન તેમણે ઇંગ્લડ, યુનાઇટેડ સ્ટેટ્સ તથા જાપાનનો પ્રવાસ કરીને ત્યાં ભારતની તત્કાલીન સ્થિતિ વિશે ભાષણો આપ્યાં. તેમની પ્રવૃત્તિઓ ઉપર સરકાર દેખરેખ રાખતી હતી. તેમના યુનાઇટેડ સ્ટેટ્સના પ્રવાસ દરમિયાન લાલા હરદયાળ તેમના સંપર્કમાં રહેતા હતા. લજપતરાયે ગદર પક્ષના કાર્યક્રમને ટેકો આપ્યો. યુનાઇટેડ સ્ટેટ્સમાં 15 ઑક્ટોબર, 1916ના રોજ તેમણે ઇન્ડિયન હોમરૂલ લીગની સ્થાપના કરી.

ઈ. સ. 1920માં તેમણે ભારત પાછા ફરીને કૉલકાતા તથા નાગપુરમાં ભરાયેલ કૉંગ્રેસની બેઠકોમાં હાજરી આપી અને નાગપુરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની બેઠકનું પ્રમુખપદ સંભાળ્યું. તેમણે 1921માં પંજાબ પ્રાંતિક રાજકીય પરિષદનું પ્રમુખપદ સંભાળ્યું ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી. તેમણે 1924, 1926 તથા 1927માં યુરોપની મુલાકાત લીધી હતી. ભારતના કામદારોના પ્રતિનિધિ તરીકે તેમણે જિનીવામાં મળેલ આંતરરાષ્ટ્રીય કામદાર પરિષદમાં હાજરી આપી હતી.

વિદેશોમાં 1913થી 1920 દરમિયાન તેમના વસવાટ દરમિયાન લજપતરાયે ભારતના સ્વાતંત્ર્યસંગ્રામને અન્ય દેશોની કેવી રીતે સહાય મળી શકે, તે વિષે ચિંતન કર્યું. તેઓ માનતા હતા કે બહારના દેશોની મદદથી ભારતની મુક્તિ વહેલી થઈ શકશે. તેથી ભારતની રાષ્ટ્રવાદી ચળવળની તરફેણમાં વિદેશોમાં લોકમત કેળવવો આવશ્યક હતો. આ હેતુ લક્ષમાં રાખીને તેમણે ‘યંગ ઇન્ડિયા’, ‘ઇંગ્લૅન્ડ્ઝ ડેટ ટુ ઇન્ડિયા’, ‘ધ પૉલિટિકલ ફ્યૂચર ઑવ ઇન્ડિયા’ અને ‘અનહૅપી ઇન્ડિયા’ પુસ્તકો લખ્યાં. ભારતમાં પણ સોવિયેત સંઘની જેમ જમીનની સમાન વહેંચણી થવી જોઈએ એમ તેઓ માનતા હતા. તેઓ એમ પણ માનતા થયા હતા કે હડતાલો, કામદાર-સંઘોની પ્રવૃત્તિ, બ્રિટિશ માલનો બહિષ્કાર અને સ્વદેશી જેવા કાર્યક્રમો દ્વારા આર્થિક ક્રાંતિ કરી શકાય.

ભારતને સ્વતંત્ર કરાવવા માટે લજપતરાયે જીવન સમર્પી દીધું હતું. તેમનો અભિપ્રાય હતો કે રાજકીય સ્વતંત્રતા મળ્યા વિના દેશની આર્થિક તથા સામાજિક સ્થિતિ સુધારવાનું શક્ય નથી. વિદેશોના પ્રવાસેથી 1920માં પાછા ફર્યા બાદ તેમને લાગ્યું કે સરકારના જુલમમાં વધારો થયો છે. જલિયાંવાલા બાગના હત્યાકાંડની તેમણે કડક ટીકા કરી અને તે માટે પંજાબના ગવર્નર સર માઇકલ ઓ’ડ્વાયર અને તેના સાથીઓને જવાબદાર ઠરાવ્યા.

ગાંધીજીના રાજકીય વિચારો તેમને સ્વપ્નશીલ લાગ્યા હતા. અસહકારની ચળવળ માટે લજપતરાય ઉત્સાહી નહોતા અને તે નિષ્ફળ જશે એવી આગાહી કરી હતી. નાગપુરની કૉંગ્રેસની વાર્ષિક બેઠકમાં તેઓ ગાંધીજી સાથે સહમત થયા અને લડતના હથિયાર તરીકે અહિંસક અસહકારનો તેમણે સ્વીકાર કર્યો હતો. રાજકીય કાર્યોમાં બળના ઉપયોગને તેઓ ધિક્કારવા લાગ્યા અને હિંસાની તથા બળની વાત કરવી જોઈએ નહિ, એમ જાહેર કર્યું.

ગાંધીજીએ અસહકારની ચળવળ પાછી ખેંચી લીધી તે પછી તેઓ દેશબંધુ ચિત્તરંજન દાસ અને મોતીલાલ નહેરુએ સ્થાપેલા સ્વરાજ પક્ષમાં જોડાયા. 30 ઑક્ટોબર, 1928ના રોજ સાયમન કમિશનનો બહિષ્કાર કરવા માટે તેમણે લાહોરમાં એક સરઘસની આગેવાની લીધી. ત્યારે એક અંગ્રેજ પોલીસ અધિકારીએ તેમના માથા અને છાતી ઉપર લાઠીના સખત ફટકા માર્યા. આ ઘાતકી હુમલાથી લાલાજી સખત ઘવાયા અને થોડા દિવસ બાદ અવસાન પામ્યા.

લાલાજી સામ્રાજ્યવાદ સામેના મહાન યોદ્ધા હતા. તેઓ પશ્ચિમ એશિયાના બધા દેશોની સ્વતંત્રતાના પુરસ્કર્તા હતા. દક્ષિણ આફ્રિકાના ભારતીયોની યાતનાઓ પ્રત્યે તેમને સહાનુભૂતિ હતી અને ત્યાંના સત્યાગ્રહ માટે રૂ. 24,000/-ની સહાય તેમણે મોકલી હતી. તેઓ માનતા હતા કે લીગ ઑવ્ નૅશન્સ ઇંગ્લૅન્ડ અને ફ્રાન્સ જેવી સામ્રાજ્યવાદી સત્તાઓના વર્ચસ્વ હેઠળ હતી. પોતાના દેશનો સ્વમાન-ભંગ તેઓ કદાપિ સાંખી લેતા નહિ.

લજપતરાય ઘણું લખતા હતા. તેમને પત્રકારત્વમાં ઊંડો રસ હતો. તેમણે ઉર્દૂ દૈનિક ‘વંદે માતરમ્’ તથા અંગ્રેજી સાપ્તાહિક ‘પીપલ’ શરૂ કર્યાં હતાં. તે અગાઉ યુનાઇટેડ સ્ટેટ્સમાં તેઓ ‘યંગ ઇન્ડિયા’ પ્રગટ કરતા હતા. તેમણે કેટલાંક સંક્ષિપ્ત જીવનચરિત્રો લખ્યાં હતાં. તેમના મહત્વના ગ્રંથોમાં ‘ધી આર્યસમાજ’, ‘યંગ ઇન્ડિયા’, ‘ઇવૉલ્યુશન ઑવ્ જાપાન’, ‘ઇંગ્લૅન્ડ્ઝ ડેટ ટુ ઇન્ડિયા’, ‘ગ્રેટ થૉટ્સ, આઇડિયલ્સ ઑવ્ નૉનકોઑપરેશન’, ‘ઇન્ડિયાઝ વિલ ટુ ફ્રીડમ’, ‘મેસેજ ઑવ્ ભગવદ્ગીતા’ વગેરેનો સમાવેશ થાય છે.

આર્યસમાજ સાથેના લાલાજીના સંબંધોનો પ્રભાવ તેમના સામાજિક તથા શૈક્ષણિક વિચારો પર પડ્યો હતો. મહાત્મા હંસરાજના સહકારથી તેમણે લાહોરમાં ડી.એ.વી. કૉલેજ સ્થાપી અને ઘણાં વરસો પર્યંત તેની વ્યવસ્થાપક સમિતિના મંત્રી અને પ્રમુખ તરીકે સેવાઓ આપી. તેમણે લાહોરમાં નૅશનલ કૉલેજ, ટિળક સ્કૂલ ઑવ્ પૉલિટિક્સ અને દ્વારકાદાસ લાઇબ્રેરીની સ્થાપના કરી હતી. અત્રે નોંધવું જોઈએ કે લાહોરની નૅશનલ કૉલેજ રાષ્ટ્રવાદી પ્રવૃત્તિઓનું મહત્ત્વનું કેન્દ્ર હતી અને સરદાર ભગતસિંહ તથા સુખદેવ જેવા મહાન દેશભક્ત અને નામાંકિત ક્રાંતિકારો તે કૉલેજના વિદ્યાર્થીઓ હતા.

લજપતરાયને હિસાર મ્યુનિસિપલ કમિટીના માનાર્હ મંત્રી નીમવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓ લાહોર મ્યુનિસિપલ કમિટીમાં ચૂંટાયા હતા. તેઓ નાગપુરમાં મળેલ ગૌરક્ષા સંઘના ચોથા અધિવેશનના પ્રમુખ હતા. તેઓ પંજાબ નૅશનલ બૅંકના નિયામક હતા. તેમણે સામાજિક કાર્યકરોની તાલીમ અર્થે સર્વન્ટ્સ ઑવ્ ઇન્ડિયા સોસાયટી સ્થાપી હતી.

લાલાજી પોતાના દેશવાસીઓ ઉપર આવી પડેલ આપત્તિના સમયે તેમને સહાય કરવા સદા તત્પર રહેતા હતા. 1896–97 તથા 1899–1900ના દુષ્કાળો દરમિયાન તેમણે રાહતકાર્યો શરૂ કરાવીને મધ્યપ્રદેશ, રાજસ્થાન તથા પૂર્વ બંગાળના હજારો લોકોનાં જીવન બચાવી લીધાં હતાં. તેમણે 1901માં ફૅમિન કમિશન સમક્ષ જુબાની આપીને અનાથો તથા અસહાય બાળકો પ્રત્યે સરકારની નીતિમાં નોંધપાત્ર પરિવર્તન કરાવ્યું હતું. કાંગડામાં 1905માં થયેલા ભૂકંપ માટેની રાહત સમિતિના સેક્રેટરી તરીકે દાન ઉઘરાવવા તથા જરૂરિયાતવાળા લોકોને મદદ કરવા વાસ્તે તેમણે સમગ્ર પંજાબનો પ્રવાસ ખેડ્યો હતો. તેમણે જલંધરમાં ગુલાબદેવ હૉસ્પિટલ તથા અન્યત્ર શાળાઓ તથા અનાથાશ્રમો સ્થાપ્યાં હતાં.

લજપતરાય ‘શેરે પંજાબ’ અથવા ‘પંજાબકેસરી’ તરીકે જાણીતા હતા. તેમણે પોતાનું જીવન દેશના ઉત્કર્ષ કાજે સમર્પિત કર્યું હતું.

જયકુમાર ર. શુક્લ