લાલા શ્રીનિવાસદાસ (જ. 1850, દિલ્હી; અ. 1887) : ભારતેન્દુ યુગના એક સમર્થ સર્જક. એમના બાપુજી મથુરાના એક જાણીતા શેઠની દિલ્હીની પેઢીમાં પ્રમુખ ગુમાસ્તા તરીકે સેવાઓ આપતા હતા.

શ્રીનિવાસદાસ ઉચ્ચ કોટિની સર્જક-પ્રતિભા ધરાવતા હતા. એમની નવલકથા ‘પરીક્ષા ગુરુ’(ઈ. સ. 1882)નું હિંદીમાં ઐતિહાસિક મહત્વ છે. આચાર્ય રામચંદ્ર શુક્લે એને પશ્ચિમના સ્વરૂપની હિંદીની પ્રથમ નવલકથા તરીકે ઓળખાવી છે. સમાજસુધારાને કેન્દ્રમાં રાખીને લખાયેલી આ એક સોદ્દેશ્ય રચના છે. એમાં લેખકે પોતાની અનેકવિધ સામાજિક ચિંતાઓ : જેમ કે, અંગ્રેજોની અનુકરણ કરવાની વૃત્તિ, પૂર્વજોના સદગુણોની ઉપેક્ષા કરવાની વૃત્તિ તેમ જ દૈનિક સમાચારપત્રો પ્રત્યે ઉદાસીન રહેવાનું વલણ વગેરેનું પણ યથાસ્થાને નિરૂપણ કર્યું છે. નાટ્યલેખનના ક્ષેત્રમાં પણ એમનું પ્રદાન નોંધપાત્ર છે. એમનું પ્રથમ નાટક ‘પ્રહલાદચરિત્ર’ 11 દૃશ્યોવાળું એક બૃહદ નાટક છે. આ નાટક એમનાં મૃત્યુ પછી ઈ. સ. 1895માં છપાયું હતું. રંગમંચની દૃષ્ટિએ આ એક અસફળ રચના ગણાય છે. બીજું નાટક ‘સપ્તા-સંવરણ’ ‘હરિશ્ચંદ્ર’ મૅગેઝીનમાં ઈ. સ. 1874ના બે અંકોમાં અને પુસ્તકાકાર રૂપે ઈ. સ. 1883માં પ્રકાશિત થયું. એમાં સપ્તા અને સંવરણની પૌરાણિક પ્રેમકથા આલેખાઈ છે. વિરહિણી સપ્તા દ્વારા ગૌતમના યોગ્ય રીતે સ્વાગત-સત્કાર થયા નહિ તેથી મુનિએ શાપ આપ્યો કે તેનો પ્રેમી તેને ભૂલી જશે. સપ્તાના આર્તનાદથી દ્રવિત થઈને મુનિ તેને શાપમાંથી મુક્તિનો માર્ગ પણ સરળ કરી આપે છે. લેખકનો આ પ્રસંગ ‘અભિજ્ઞાન શાકુંતલ’ની ઘટનાની યાદ અપાવે છે. એમનું ત્રીજું નાટક છે – ‘રણધીર-પ્રેમમોહિની’. નાટકની કથાવસ્તુ ઐતિહાસિક અથવા પૌરાણિક નથી, બલકે કલ્પિત છે. નાટકનો નાયક રણધીર પાટણનો અને નાયિકા પ્રેમમોહિની સૂરતની છે. ‘સંયોગિતા સ્વયંવર’ (ઈ. સ. 1885) એમનું છેલ્લું નાટક છે. ચંદ વરદાઈકૃત ‘પૃથ્વીરાજ રાસો’ અને આત્મારામ કેશવજી દ્વિવેદી રચિત ‘પૃથ્વીરાજ ચહુઆણ’માંથી લીધેલ પૃથ્વીરાજ અને સંયોગિતા વિશેની પ્રેમવાર્તાનાં અંતભાગમાં લેખકે થોડો ફેરફાર કર્યો છે. છેલ્લે કનોજના રાજા જયચંદ સંયોગિતાનો હાથ પૃથ્વીરાજના હાથમાં આપી દે છે. આ રીતે લેખક દેશના લોકોને આંતરિક કલહથી દૂર રહેવાનો સંદેશ પણ આપે છે.

નવલકથાની જેમ નાટ્યલેખનના ક્ષેત્રમાં પણ લાલા શ્રીનિવાસદાસની પ્રતિભાએ પોતાની પ્રખર અને મૌલિક સર્જક-ચેતનાનાં દર્શન કરાવ્યાં છે. હિંદી ખડી બોલીના પ્રારંભિક સ્વરૂપના નિર્માણ અને પરિષ્કારમાં એમનું યોગદાન વિશેષ મહત્વનું ગણાય છે. હિંદી ખડી બોલીના ગદ્યમાં સહજ વિકાસદિશાની શોધ કરનાર આ લેખકે આ ભાષાને વ્રજ તેમજ ઉર્દૂના અનિચ્છનીય પ્રભાવથી મુક્ત કરીને તેના લોક પ્રચલિત રૂપને આગળ કરવામાં જરૂરી સફળતા હાંસલ કરી હતી.

મહાવીરસિંહ ચૌહાન