લાલા રુખ (1817) : પૂર્વીય દેશોની કેટલીક કાવ્યકથાઓનું ટી. મૂરે અંગ્રેજીમાં કરેલું પદ્ય અને ગદ્ય રૂપાંતર. આમાંની મુખ્ય કથાની નાયિકા દિલ્હીથી કાશ્મીર સુધીના મુલ્કના બાદશાહની પુત્રી શાહજાદી લાલા રુખ છે. તેનું લગ્ન બુખારિયાના બાદશાહ સાથે નક્કી કરવામાં આવેલું. બુખારિયા તરફ મુસાફરી દરમિયાન, તેના કાફલાની સૌ સખીઓને એક યુવાન કાશ્મીરી કવિ ‘ફેશમૉઝ’ ચાર કહાણીઓ સંભળાવે છે. શાહજાદી તો કવિના પ્રેમમાં લીન થઈ જાય છે. બુખારિયા પહોંચતાં શાહજાદી એ જાણીને પરમ આશ્ચર્ય અનુભવે છે કે પેલો કવિ તે બીજો કોઈ નહિ, પરંતુ બુખારિયાનો બાદશાહ પોતે જ છે. બાદશાહનો રુઆબદાર ખજાનચી ફઝલુદ્દીન બાદશાહની કવિતાની કડક આલોચના કરે છે.

પ્રથમ વાર્તા ‘ધ વેઇલ્ડ પ્રૉફેટ ઑવ્ ખોરાસાન’માં એક સુંદરી ઝેલિકાને મોકન્નાના જનાનખાનામાં જોડાવા માટે, મૃત્યુ બાદ જન્નત મળશે તેવી આશા આપીને, લલચાવવામાં આવે છે. તેનો પ્રેમી અઝીમ મૃત્યુ પામ્યો છે, તેમ મનાય છે; પરંતુ તે યુદ્ધમાંથી જીવતો પાછો આવીને જુએ છે તો ઝેલિકા તો મોકન્ના સાથે લગ્ન કરી ચૂકી છે. વેરની વસૂલાત લેવા તે ખલીફાના લશ્કરમાં જોડાઈ જાય છે. મોકન્ના આપઘાત કરે છે, પણ અઝીમની ગંભીર ભૂલ ઝેલિકાના મૃત્યુનું કારણ બને છે.

‘પૅરેડાઇઝ ઍન્ડ ધ પરી’માં પરીનું સ્વર્ગમાંથી અધ:પતન થાય છે; પરંતુ હવે જો તે જન્નતને સ્વીકાર્ય એવી કોઈ ભેટ લાવે તો જન્નતના દરવાજા તેને માટે ખોલવામાં આવશે, એવું આશ્વાસન તેને મળે છે. સૌપ્રથમ યુવાન યોદ્ધાના રક્તનું ટીપું, પછી ઇજિપ્તની કન્યાનો આખરી નિસાસો અને છેવટે પશ્ચાત્તાપને વરેલું એક આંસુ ભેટ તરીકે લાવવામાં આવે છે. આંસુની ભેટનો સ્વીકાર થાય છે અને જન્નતના દરવાજા પરી માટે ખૂલી જાય છે.

‘ધ ફાયર-વર્શિપર્સ’માં વિજેતા મુસ્લિમો સામે સંઘર્ષ કરતા ઘેબર લોકોની કથા છે. હાફિઝ નામનો એક યુવાન ઘેબર અમીર અલ હસનની પુત્રી હિંદાના પ્રેમમાં પડે છે. હિંદા તેના પ્રેમનો સ્વીકાર કરે છે. હિંદાનો કબજો ઘેબર લોકો લે છે, પરંતુ હવે હિંદાને ખબર પડે છે કે હાફિઝ તો ઘેબર લોકોનો સરદાર છે. જોકે અંતે દગાથી હાફિઝ અને હિંદા પકડાઈ જાય છે અને તેમને બંનેને મારી નાંખવામાં આવે છે.

‘ધ લાઇટ ઑવ્ ધ હેરમ’માં સલીમની પત્ની નૂરમહાલ તેના પતિ સાથે કજિયો કરે છે. જાદુગરણી તેને જાદુનો મંત્ર શીખવે છે. નૂરમહાલ સલીમે યોજેલા જલસામાં તે મંત્ર ગાય છે અને પતિનો પ્રેમ પાછો મેળવે છે.

આ કહાણીઓમાંની પ્રથમ હીરૉઇક કપ્લેટ છંદમાં અને બાકીની જુદી જુદી છંદોબદ્ધ કડીઓમાં લખાઈ છે. પદ્યકથાઓની વચ્ચે ગદ્યમાં પણ લખાણ આવે છે. આ કહાણીઓએ લોકોને ઘેલું લગાડેલું અને 1840 સુધીમાં તેની વીસ આવૃત્તિઓ થઈ ચૂકી હતી.

વિ. પ્ર. ત્રિવેદી