લાપોટિયું (mumps) : પરાશ્લેષ્મવિષાણુથી થતો અને થૂંક-બિન્દુઓથી ફેલાતો લાળગ્રંથિઓનો ચેપ કે જે ક્યારેક શુક્રપિંડ, મગજના આવરણરૂપ તાનિકાઓ (meninges), સ્વાદુપિંડ અને અંડપિંડને પણ અસર કરે છે. તેને ગાલપચોળું તથા તાપોલિયું પણ કહે છે. તેને શાસ્ત્રીય રીતે લાલાગ્રંથિશોથ (inflammation of salivary glands) કહેવાય છે. તેના રોગકારક વિષાણુને લાલાકશોથ વિષાણુ (mumps virus) કહે છે. તેના ચેપકારક વિષાણુઓ સાથેના સંપર્ક પછી 14થી 21 (સરેરાશ 18) દિવસમાં તેની તકલીફો શરૂ થાય છે. તે સમયે લાળગ્રંથિઓ સૂજીને મોટી થાય છે અને પીડાકારક બને છે. સૌથી વધુ ગાલના પાછળના ભાગમાં અને કાનની નીચે આવેલી શુકાભગ્રંથિ (parotid gland) અસરગ્રસ્ત થાય છે. જેમને તેની રસી મળેલી ન હોય તેઓમાં ક્યારેક તે અન્ય અવયવોમાં પ્રસરે છે. તે મુખ્યત્વે બાળકોમાં થાય છે. બાળકોમાં ઑરી, અછબડા, જર્મનમિઝલ્સ તથા લાપોટિયું જેવા વિષાણુજ ચેપ વધુ થાય છે અને તેમાં લાપોટિયું સૌથી ઓછું હાનિકારક હોય છે. જોકે તે જો પુખ્તવયે થાય તો તેની આનુષંગિક તકલીફો વધુ રહે છે. વસંતઋતુમાં તેનો ચેપ વધુ જોવા મળે છે. લાળ અને પેશાબ દ્વારા તે ફેલાય છે અને તે રોગનાં લક્ષણો દેખાય તેના એક દિવસ પહેલાંથી શરૂ કરીને 3થી 7 દિવસ સુધી ફેલાતો રહે છે.

લક્ષણો, ચિહનો અને નિદાન : ગાલના પાછલા ભાગમાં દુખાવો, સોજો અને સ્પર્શવેદના (tenderness) થાય છે. એક લાળગ્રંથિ(શુકસમગ્રંથિ)માં સોજો અને પીડા વધે ત્યારપછી અથવા તેની સાથે બીજી બાજુ કે અન્ય લાળગ્રંથિઓમાં સોજો અને દુખાવો પ્રસરે છે. ગલોફામાં જોવામાં આવે તો લાલાનલિકા(salivary duct)નું મુખ લાલ અને સૂજેલું હોય છે. તાવ અને માંદા હોવાની થોડી અસર હોય છે; પરંતુ તે બાળકોમાં ખાસ જોવા મળતી નથી. જો રોગ તાનિકાઓમાં કે શુક્રપિંડમાં પ્રસરે તો વધુ પડતો તાવ આવે છે. તેવી સ્થિતિને અનુક્રમે તાનિકાશોથ (meningitis) અને શુક્રપિંડશોથ (orchitis) કહે છે. તાનિકાશોથ થાય તો તાવ, માથું દુખવું અને ડોકની અક્કડતા થાય છે. શુક્રપિંડમાં સોજો આવે કે તેને સ્પર્શતાં દુખે તો તે તેનો ચેપ સૂચવે છે. 75 % કિસ્સામાં તે એક શુક્રપિંડને અસર કરે છે. શુકાભશોથ(parotitis)નો વિકાર થાય તેના 7થી 10 દિવસ પછી શુક્રગ્રંથિશોથ થાય છે. તે 25 %થી 40 % યૌવનારંભ (puberty) પછી લાગતા ચેપમાં જોવા મળે છે. તેથી ક્યારેક જ વ્યંધત્વ થાય છે. જો સ્વાદુપિંડશોથ (pancreatitis) થાય તો પેટના ઉપરના ભાગમાં દુખાવો, ઊબકા અને ઊલટી થાય છે. નાનાં બાળકોમાં સ્વાદુપિંડશોથ થાય તો તેનું મુખ્ય કારણ લાપોટિયાનો વિષાણુ છે. પેટના નીચલા ભાગમાં દુખાવો થાય અને અંડપિંડ પર સોજો હોય તો તે અંડપિંડશોથ (oophoritis) સૂચવે છે. તેનું નિદાન કરવું મુશ્કેલ હોય છે.

લોહીની તપાસમાં લસિકાકોષોની અધિકતા જોવા મળે છે. લોહીમાં એમાઇલેઝ નામનો ઉત્સેચક વધે છે અને તેવું સ્વાદુપિંડશોથ હોય કે ન હોય તોપણ બને છે. તાનિકાશોથ થાય તો મેરુ-મસ્તિષ્કજળ(cerebro spinal fluid, CSF)માં ગ્લુકોઝનું પ્રમાણ સામાન્ય કે ઓછું થાય છે; પણ તેમાં લસિકાકોષો વધે છે. લાળ કે મેરુમસ્તિષ્કજળમાંથી વિષાણુને અલગ પાડીને કે તેના પ્રતિરક્ષાપૂરક-બંધક પ્રતિદ્રવ્યો (complement fixing antibodies) દર્શાવીને નિદાન કરાય છે. આ રોગને લાળગ્રંથિસંલગ્ન અન્ય રોગોથી અલગ પડાય છે. તેમાં સાર્કોઇડોસિસ, યકૃતકાઠિન્ય (cirrhosis), મધુપ્રમેહ, જોગ્રેનનું સંલક્ષણ, જીવાણુજન્ય શુકાભશોથ, ઇન્ફ્લુએન્ઝા કે અન્ય વિષાણુથી થતો શુકાભશોથ વગેરેનો સમાવેશ થાય છે.

પૂર્વનિવારણ અને સારવાર : સજીવ વિષાણુવાળી રસી ઘણી સુરક્ષિત અને અસરકારક છે. 1 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોમાં તેને ઓરી અને રુબેલાની રસીની સાથે, MMR રસી તરીકે અપાય છે. સગર્ભા સ્ત્રી કે પ્રતિરક્ષાની ઊણપ ધરાવતી વ્યક્તિને તે અપાતી નથી. લાપોટિયાના વિષાણુ સામે અસરકારક ઔષધ નથી. તેથી રોગની સારવાર તેનાં લક્ષણોને શમાવવા પૂરતી થાય છે. આનુષંગિક તકલીફ રૂપે અન્ય અવયવો અસરગ્રસ્ત થાય ત્યારે તાવ ઉતારવાની, પીડા ઘટાડવાની અને નિર્જલન થતું અટકાવવાની જરૂરિયાત રહે છે. સામાન્ય રીતે 2 અઠવાડિયાંમાં રોગ શમે છે, મૃત્યુ ભાગ્યે જ થાય છે.

શિલીન નં. શુક્લ

નિલય રા. ઠાકોર