લા પેરૂઝની સામુદ્રધુની (La Perouse Strait) : રશિયાના સખાલીન ટાપુઓ અને જાપાનના હોકાઇડો વચ્ચે આવેલો આંતરરાષ્ટ્રીય જળમાર્ગ. ભૌગોલિક સ્થાન : આશરે 45° 45´ ઉ. અ. અને 142° 0´ પૂ. રે.ની આજુબાજુનો વિસ્તાર. રશિયન નામ ‘પ્રોલીવ લા પેરૂઝા’, જાપાની નામ ‘સોયા કાઇકિયો’. આ નામ ફ્રેન્ચ અભિયંતા ઝાં ફ્રાન્ક્વા દ ગૅલપે કૉમ્તે દ લા પેરૂઝની યાદમાં પાડેલું છે. આ સામુદ્રધુની ઓખોટસ્કના સમુદ્રને જાપાનના સમુદ્રથી અલગ પાડે છે. તે ક્રિલોન(સખાલીન)ની ભૂશિર અને સોયા (હોકાઇડો) વચ્ચે સાંકડી બની રહેલી છે. અહીં તેની પહોળાઈ માત્ર 43 કિમી. જેટલી છે. સ્થાનભેદે તેની ઊંડાઈ 51થી 118 મીટર જેટલી છે. આ સામુદ્રધુની તેમાં વહેતા તોફાની દરિયાઈ પ્રવાહોની લાક્ષણિકતા માટે જાણીતી છે. શિયાળામાં તેમાં બરફ જામવાથી જળમાર્ગ બંધ રહે છે.

જાહ્નવી ભટ્ટ