લાપ્ટેવ સમુદ્ર : આર્ક્ટિક મહાસાગરના એક ભાગરૂપ ઉત્તર સાઇબીરિયાના કિનારા નજીક આવેલો સમુદ્ર. ભૌગોલિક સ્થાન : તે 76° ઉ. અ. અને 126° પૂ. રે.ની આજુબાજુનો આશરે 7,14,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની સરેરાશ ઊંડાઈ માત્ર 578 મીટર છે, પરંતુ મહત્તમ ઊંડાઈ 2,980 મીટર છે. તેની પશ્ચિમ તરફ તૈમિર દ્વીપકલ્પ અને સેવરનાયા ઝેમલ્યાના ટાપુઓ તથા પૂર્વ તરફ ન્યૂ સાઇબીરિયાના ઓસ્ત્રોવાના ટાપુઓ (કોટેલ્નીજ વગેરે) આવેલા છે. પશ્ચિમે તે કારા સમુદ્ર સાથે અને પૂર્વમાં તે પૂર્વ સાઇબીરિયન સમુદ્ર સાથે સંકળાયેલો છે. આ સમુદ્ર અગાઉ તો સાઇબીરિયન સમુદ્રના નામથી ઓળખાતો હતો, પરંતુ ખારિટોન લાપ્ટેવ અને દિમિત્રી લાપ્ટેવ નામના બે ભાઈઓએ 1735–1740 દરમિયાન આ સમુદ્રના કિનારાનું નકશાકામ કરેલું, તેથી 1935માં તેને લાપ્ટેવ સમુદ્રનું નામ અપાયું છે.

આ સમુદ્રના કિનારા કપાઈને ઉપસાગરોમાં ફેરવાયા છે. નાનીમોટી ઘણી નદીઓ તેમાં ઠલવાય છે. તે પૈકી લીના નદી મોટામાં મોટી છે. પશ્ચિમ તરફ કેટલીક નદીઓએ ત્રિકોણપ્રદેશો પણ રચ્યા છે. આ સમુદ્રમાં સંખ્યાબંધ ટાપુઓ પણ છે. તેમનાં ઉત્પત્તિ અને આકાર જુદાં જુદાં છે. પ્રાચીન નદીઓ અને હિમનદીઓએ આ સમુદ્રના તળભાગને અને કિનારાને આકારિકી આપવામાં મહત્વનો ભાગ ભજવેલો છે. અહીંનું સમુદ્રતળ આછા ઢોળાવવાળા મેદાની સ્વરૂપનું છે, પરંતુ આર્ક્ટિક મહાસાગર તરફ તેનો ઢોળાવ એકાએક બદલાય છે. ઊંડા જળનો વિભાગ જ્યાં આવેલો છે ત્યાંનું તળ કાંપકાદવવાળું છે, જ્યારે છીછરા તળભાગો રેતી-કાંપથી બનેલા છે. પૂર્વમાં પાતળા નિક્ષેપ આવરણ હેઠળ ઘણા જૂના વખતનો અવશિષ્ટ બરફથર પણ રહેલો છે.

ક્ષારતાની દૃષ્ટિએ જોતાં તો અહીં બરફનું ગલન થવાથી ઉદભવતાં પાણી તથા નદીઓનાં ઠલવાતાં જળથી આશરે 135 સેમી.નો તાજા પાણીનો થર જોવા મળે છે. શિયાળામાં સમુદ્રના અગ્નિભાગમાં ક્ષારતાનું પ્રમાણ 20થી 25 ppt જેટલું, ઉત્તરમાં તે 34 ppt જેટલું, જ્યારે ઉનાળામાં તેના અગ્નિભાગમાં 5થી 10 ppt જેટલું અને ઉત્તરમાં 30થી 32 ppt જેટલું રહે છે. (ppt = પ્રતિહજારે એક ભાગ, parts per thousand).

આ સમુદ્રનું સપાટી પરનું તાપમાન ઉત્તર ભાગમાં અગિયાર માસ માટે અને દક્ષિણ ભાગમાં નવ માસ માટે આશરે 0° સે. જેટલું રહે છે. જાન્યુઆરીનું સરેરાશ તાપમાન સ્થાનભેદે 31°થી 34° સે. જેટલું અને લઘુતમ તાપમાન 50° સે. જેટલું રહે છે. જુલાઈમાં સરેરાશ તાપમાન ઉત્તર તરફ 0° સે. અને દક્ષિણ તરફ 6° સે. રહે છે. દક્ષિણ તરફ તે વધુમાં વધુ 10° સે. સુધી પહોંચે છે. કિનારા પરનું તાપમાન 24° સે. રહે છે. શિયાળામાં અહીં વારંવાર જોશબંધ પવનો ફૂંકાય છે, હિમવર્ષા સહિતનાં વાવાઝોડાં પણ આવે છે; ઉનાળામાં હિમનાં વંટોળ એકાએક આવી ચડે છે, તેમજ ધુમ્મસ થઈ જાય છે. વર્ષનો મોટો ભાગ આ સમુદ્ર હિમાચ્છાદિત રહે છે. શિયાળામાં આવા આચ્છાદન હેઠળ રહેલા પાણીનું તાપમાન સમુદ્રના અગ્નિભાગમાં – 0.8° સે. અને ઉત્તરમાં તે –1.8° સે. જેટલું હોય છે. ઊંડા જળવિભાગમાં તાપમાન –1.6° થી –1.7° સે. જેટલું રહે છે. ઉનાળામાં જ્યાં બરફમુક્ત વિભાગ હોય ત્યાં પાણીનો થર જોવા મળે છે, તેનું તાપમાન ઠારબિંદુથી થોડુંક જ ઉપર હોય છે.

સમુદ્રકિનારે નદીઓનાં મુખ ખાતે થોડી વસ્તી જોવા મળે છે, તેઓ માછલીઓ પર તેમનો જીવનનિર્વાહ ચલાવે છે. અહીં માછલી (સાલમન) ઉપરાંત સસ્તન પ્રાણીઓમાં સીલ, વૉલરસ, સમુદ્રી સસલાં અને ધ્રુવીય રીંછનો સમાવેશ થાય છે. આ સમુદ્ર ઉત્તરના સમુદ્ર-માર્ગ પર આવેલો છે, ત્યાં તિકસી નામનું મુખ્ય બંદર પણ છે. અહીંથી લાકડાં, બાંધકામસામગ્રી અને રુવાંટી જેવી ચીજોની નિકાસ થાય છે.

ગિરીશભાઈ પંડ્યા