લકુલીશ : વડોદરા જિલ્લાના કાયાવરોહણમાં થયેલ રુદ્રનો 28મો અવતાર. શૈવ ધર્મના સંપ્રદાયોમાં પાશુપત સંપ્રદાય મહત્વનું સ્થાન ધરાવે છે. પ્રભાસ પાટણમાં સોમશર્માએ પાશુપત સંપ્રદાય વિકસાવેલો. તેઓ રુદ્રનો 27મો અવતાર ગણાતા. એ પછીનો 28મો અવતાર લાટ દેશના કાયાવરોહણમાં લકુલીશ તરીકેનો થયો.

લકુલીશ મંદિર, કાયાવરોહણ (જિ. વડોદરા)

કાયાવરોહણ વડોદરા જિલ્લામાં ડભોઈ નજીક આવેલું છે. લકુલીશ વિશ્વરૂપ અને સુદર્શનાના પુત્ર હતા. તેઓ લકુલી કે નકુલી કે લકુટી કે નકુલીશ અથવા લકુલીશ તરીકે ઓળખાતા હતા. આ નામોના મૂળમાં ‘લકુટ’ શબ્દ રહેલો છે, જેનો અર્થ દંડ કે દંડીકો થાય છે. લકુલીશની મૂર્તિઓમાં એક હાથમાં લકુટ ધારણ કરેલો હોય છે. એમના બાળપણનું ચરિત અલૌકિક ચમત્કારોથી ભરેલું છે. એમાં દેવખાત તળાવ, ઉર્વા નદીનો કાંઠો, ચક્રપુર ગામ, કાયાવરોહણ ગામ અને બ્રહ્મેશ્વર શિવાલયનો ઉલ્લેખ નોંધપાત્ર છે. મથુરાના એક શિલાલેખ પરથી જાણવા મળે છે કે ઈ. સ. 380–381માં લકુલીશના શિષ્ય કુશિકની દસમી પેઢીનો પુરુષ વિદ્યમાન હતો. આ પરથી કુશિક લગભગ ઈ. સ. 130ના અરસામાં અને લકુલીશ ઈ. સ.ના બીજા શતકના પહેલા ચરણમાં થયા હોવાનું ફલિત થાય છે.

પુરાણાદિ ગ્રંથો તથા અભિલેખોમાં લકુલીશના ચાર શિષ્યો ગણાવ્યા છે – કુશિક, ગર્ગ (કે ગાર્ગ્ય), મિત્ર અને કુરુષ (કે કૌરુષ્ય). આ ચાર શિષ્યોમાંથી લકુલીશ પાશુપત સંપ્રદાયની ચાર શાખાઓ થઈ : (i) કૌશિક શાખા ખાસ કરીને મેવાડમાં પ્રચલિત હતી. (ii) ગાર્ગ્ય શાખા ગુજરાતમાં સારા પ્રમાણમાં પ્રચલિત હતી. (iii) મિત્રમાંથી ઉદભવેલી મૈત્ર કે મૈત્ર્ય કે મૈત્રક શાખા સૌરાષ્ટ્રમાં વલભીમાં ‘મૈત્રક’ તરીકે સત્તારૂઢ થઈ હતી. (iv) કૌરુષ શાખાના પાશુપતો કારુક કે કાલાનન કે કાલમુખ તરીકે પણ ઓળખાતા.

લકુલીશની કેટલીક પ્રાચીન પ્રતિમાઓ કાયાવરોહણ અને એની આસપાસનાં સ્થળોએ મળી છે. કાયાવરોહણ પાસે આવેલા ટીંબરવા ગામમાંથી મળેલી પ્રતિમા છઠ્ઠા શતકની છે. કાયાવરોહણમાં આવેલી બે પ્રતિમાઓ દર્શનીય છે. એમાંની એક બ્રહ્મેશ્વર મંદિરમાં પધરાવેલી છે. લકુલીશની પ્રતિમા સામાન્યત: યોગાસનમાં બેઠેલા સ્વરૂપની હોય છે. એમના એક હાથમાં પ્રાય: બીજોરું અને એક હાથમાં લકુટ હોય છે. માથે જટા હોય છે. એમની ઊર્ધ્વમેઢ્ર અવસ્થા યોગસિદ્ધિની દ્યોતક છે. સામાન્ય રીતે શિવલિંગની એક બાજુ પર લકુલીશની આવી પ્રતિમા કંડારાઈ હોય છે.

હરિપ્રસાદ ગં. શાસ્ત્રી