લકવો, અલ્પકાલી અરુધિરી (transient ischaemic attacks, TIA)

January, 2004

લકવો, અલ્પકાલી અરુધિરી (transient ischaemic attacks, TIA) : 24 કલાકમાં લોહીના પરિભ્રમણમાં ઉદભવતા અટકાવને કારણે મગજના કોઈ ભાગમાં થતો શરીરના કોઈક ભાગનો લકવો. તેને અલ્પઘાત (TIA) પણ કહે છે. સામાન્ય રીતે 1થી 2 કલાક જ તે રહે છે. જેમને મસ્તિષ્કઘાત(stroke)નો હુમલો થયો હોય તેવા દર્દીઓના 30 % દર્દીઓમાં અગાઉ અલ્પકાલી અરુધિરવાહિતાજન્ય ઘાત(TIA)નો હુમલો થયેલો હોય છે. તેથી TIAની યોગ્ય સારવાર કરવી જરૂરી બને છે. દર્દીને કેટલા અને કેટલી ઝડપથી વારંવાર TIA થયા છે તેનો મસ્તિષ્કઘાત સાથે સંબંધ નથી; પરંતુ જો દર્દીને TIA સાથે લોહીનું ઊંચું દબાણ હોય કે મધુપ્રમેહ હોય તો મસ્તિષ્કઘાતનો ભય વધે છે. મગજની કોઈ મહત્વની ધમનીમાં લોહી વહેતું અટકે અને તેને કારણે દેહાર્ગીઘાત (hemiplegia) થાય છે. ક્યારેક તે સમયે દર્દી ટૂંકા કે લાંબા ગાળા માટે ભાન ગુમાવે છે અને વાણીકેન્દ્રનો વિસ્તાર (speech area) અસરગ્રસ્ત થતો હોવાથી અવાજ પણ જતો રહે છે. આ સ્થિતિને મસ્તિષ્કઘાત કહે છે.

અલ્પઘાત (TIA) થાય તેના પ્રથમ મહિનામાં મસ્તિષ્કઘાતનો ભય સૌથી વધુ હોય છે અને તે સમય પસાર થાય તેમ ક્રમશ: ઘટે છે.

કારણવિદ્યા : શરીરની કોઈ નસમાં જામેલો લોહીનો ગઠ્ઠો વહીને જો કોઈ અન્ય ધમનીમાં જામી જાય તો તેને ગુલ્મવિસ્થાપન (embolism) કહે છે. હૃદયની અંદર જામેલા લોહીના ગઠ્ઠા કે ડોક અને ખોપરીમાંની મોટી ધમનીઓમાં મેદકાઠિન્ય(atherosclerosis)ને કારણે જામેલા લોહીના ગઠ્ઠાના નાના ટુકડા વહીને મગજમાં આવેલી નાની ધમનીઓમાં પ્રવેશે છે અને ત્યાં તે ફસાઈ જાય છે. તેથી તે ધમનીમાં રુધિરાભિસરણ અટકે છે તેને કારણે મગજનો જે ભાગ તેના વડે લોહી મેળવતો હોય તે વિકારગ્રસ્ત થાય છે અને તેથી તેના કાર્યમાં વિક્ષેપ પડે છે. તે અલ્પઘાત સર્જે છે. આંખની અંદર સાધન વડે તપાસ કરવામાં આવે ત્યારે તેને નેત્રઘુંમટ-નિરીક્ષા (fundoscopy) અથવા નેત્રગુહાંત:નિરીક્ષા (ophthalmoscopy) કહે છે. તેમાં ર્દષ્ટિપટલ (retina) અને તેમાંની ધમનીઓને સ્પષ્ટપણે જોઈ શકાય છે. તેમાં ક્યારેક વિસ્થાપિત લોહીના નાના ગઠ્ઠા જોઈ શકાય છે. એક જ મોટી ધમનીમાંથી આવતા નાના નાના ગઠ્ઠા જુદી જુદી વખતે જુદી જુદી નાની ધમનીને અસર કરે તો દરેક વખતે જુદા જુદા પ્રકારનો અલ્પઘાત થાય છે.

હૃદયના વિવિધ રોગોમાં હૃદયમાં કે તેના વાલ્વ (કપાટ) પર લોહીનો ગઠ્ઠો જામે છે. તેમાંથી છૂટા પડીને લઘુગુલ્મો અલ્પઘાત કરે છે. આમવાતી હૃદયરોગ (rheumatic heart disease), દ્વિદલ કપાટ રોગ (mitral valve disease), હૃદયની અતાલતા (arrhythmia), ચેપી હૃદયાંત:કલાશોથ (infective endocarditis), કર્ણકીય શ્લેષ્માર્બુદ (atrial myxoma), હૃદ્-સ્નાયુ પ્રણાશ (myocardial infanction) નામના વિવિધ રોગોમાં આ પ્રકારની આનુષંગિક તકલીફ થઈ શકે છે. શરીરની શિરાઓમાંથી ઉદભવતા લઘુગુલ્મો હૃદયના પડદામાં જન્મજાત છિદ્ર હોય (કર્ણકપટલીય છિદ્ર, atrial septal defect) અથવા મહાધમની અને ફુપ્ફુસીય ધમની વચ્ચે જોડાણ હોય તો મગજની નાની ધમની સુધી પહોંચીને ત્યાં રોધ કરે છે. ડોકમાં આવેલી મગજને લોહી પહોંચાડતી સામાન્ય શીર્ષગામી ધમની(common carotid artery)ના દ્વિભાજન સ્થાને મેદચકતી થયેલી હોય તો ત્યાં લોહીનો ગઠ્ઠો જામે છે, જેમાંથી લઘુગુલ્મો વિસ્થાપિત થઈને મગજની નાની નસોમાં અટકાવ કરે છે. જો દર્દીને માનવ પ્રતિરક્ષા-ઊણપકારી વિષાણુ(HIV)ના ચેપને કારણે સંપ્રાપ્ત પ્રતિરક્ષા-ઊણપ સંલક્ષણ (aquired immunodeficiency syndrome, AIDS) થયું હોય તો અલ્પઘાત તથા મસ્તિષ્કીઘાત (stroke) થવાની સંભાવના વધે છે. અન્ય ઓછા જોવા મળતા વિકારોમાં મગજની ધમનીની સંરચનામાં વિકૃતિ, ઉપદંશ (syphilis), બહુધમનીશોથ (polyarteritis), વ્યાપક રક્તકોષભક્ષિતા (systemic lupus erythematous), ચિરશોથગડમય વાહિનીશોથ (granulomatous angiitis), બહુરુધિરકોષિતા (polycythaemia), દાત્રકોષી પાંડુતા (sickle cell anaemia), અતિશ્યાનતા સંલક્ષણ (hyperviscocity syndrome) વગેરેનો સમાવેશ થાય છે. લોહીનું દબાણ ઘટે કે તીવ્ર પાંડુતા (severe anaemia) થાય ત્યારે જો સાથે મગજની ધમનીમાં વિકાર હોય તો પણ અલ્પઘાત થાય છે.

મહાધમનીમાંથી નીકળતી શાખાઓમાં બંને બાજુએ અવઅરીય ધમની (subclavian artery) નીકળે છે. તેમાંથી મણિકાગત ધમની (vertebral  artery) નીકળે છે, જે ઉપર ચડીને ખોપરીમાં મજ્જાસેતુ અને લંબમજ્જાના જોડાણ પાસે મળીને એકતલીય ધમની (basilar artery) બનાવે છે. તેમની શાખાઓ નાના મગજ, મસ્તિષ્ક પ્રકાંડ (brain stem) અને મોટા મગજના પાછળના ભાગને લોહી પહોંચાડે છે. અવઅરીયધમની મણિકાગત શાખા છૂટી પડે તે પછી આગળ વધીને પોતાની બાજુના હાથ(ઊર્ધ્વાંગ, upper limb)ને લોહી પહોંચાડે છે. જો એક બાજુની અવઅરીય ધમનીમાં અટકાવ હોય તો તે બાજુના ઊર્ધ્વાંગને તે લોહી પહોંચાડી શકતી નથી. આવા સમયે બીજી બાજુની અવઅરીય ધમનીમાંનું લોહી તે બાજુની મણિકાગત ધમની દ્વારા ખોપરીમાં પહોંચે અને જ્યાં બીજી બાજુની મણિકાગત ધમની તેની સાથે જોડાય છે ત્યાંથી તે પાછું ઊતરીને અવઅરીય ધમનીના અટકાવ પછીના ભાગમાં લોહી લાવે છે, જેથી કરીને તે બાજુના ઊર્ધ્વાંગમાં લોહી જઈ શકે. તેને કારણે તલીય ધમની તથા મણિકાગત ધમનીની મગજના જુદા જુદા ભાગોને લોહી પહોંચાડવાની ક્ષમતા ઘટે છે. તેને કારણે અલ્પઘાત થાય છે. આ વિકારને અવઅરીય ચૌર્યસંલક્ષણ (subclavian steal syndrome) કહે છે; કેમ કે, તેમાં જાણે અવઅરીય ધમનીનું મગજ માટેનું લોહી ચોરાઈને હાથમાં પહોંચે છે.

લક્ષણો, ચિહનો અને નિદાન : મગજના જુદા જુદા ભાગમાં અલ્પઘાત થઈ શકે માટે તેનાં લક્ષણો અને ચિહનો અલગ અલગ પ્રકારનાં હોય છે; પરંતુ કોઈ એક વ્યક્તિમાં સામાન્ય રીતે તે એક જ પ્રકારનાં હોય છે. તેની શરૂઆત અચાનક અને કોઈ પૂર્વલક્ષણ વગર જ થઈ આવે છે અને મોટેભાગે ટૂંક સમયમાં (થોડીક મિનિટોમાં) તે શમે છે. જો ખોપરીના આગળના ભાગમાં આવેલા મગજને લોહી પહોંચાડતી શીર્ષગત ધમની(carotid artery)ની શાખાઓમાં રોધ ઉદભવેલો હોય તો સામાન્ય રીતે બીજી બાજુના ચહેરા, હાથ કે પગમાં ભારેપણું લાગે છે અને ત્યાંના સ્નાયુઓની નબળાઈ થઈ આવે છે. ક્યારેક તે ભાગ જૂઠો પડી જાય, તેમાં ઝણઝણાટી થાય અને/અથવા સ્નાયુની નબળાઈ જોવા મળે. ક્યારેક તેની સાથે હલનચલનની ગતિમાં ઘટાડો, બોલવામાં તકલીફ તથા જે બાજુ અલ્પઘાત હોય તેની સામેનો એકનેત્રી ર્દષ્ટિઘાત (monooccular visual loss) થાય છે. અસરગ્રસ્ત સ્નાયુઓ ઢીલા અથવા વિશ્લથ (flaccid) થાય, ચેતાપરાવર્તી ક્રિયાઓ વધુ તીવ્ર બને, લંબનવર્તી પાદતલ પરાવર્તીક્રિયા (extensor plantor) થાય, બોલવામાં તકલીફ થાય, સંવેદનાઓમાં ફેરફાર થાય વગેરેમાંથી એક કે વધુ ચિહનો જોવા મળે છે. શીર્ષગત ધમની પર ધ્રુજારી કે હૃદયના કપાટ કે અન્ય વિકારો હોય તો તે નિદાનમાં મદદરૂપ થાય છે.

મણિકાગત-તલીય ધમની વિસ્તાર(vertebro basilar artery area)માં અલ્પઘાત થાય તો ચક્કર આવે, અસંતુલન થાય, બેવડું દેખાય, અવાજ થથરે અથવા લોચવાય, ર્દષ્ટિ ઝાંખી થાય, હોઠની આસપાસ બહેરાશ આવે કે ઝણઝણાટી થાય તથા શરીરમાં એક કે બીજી બાજુ કે બંને બાજુ નબળાઈ અને સંવેદનાલક્ષી વિકારો જેવી તકલીફો થઈ આવે છે. ક્યારેક માથાના હલનચલન સાથે માથાના દુખાવા કે બેભાનાવસ્થા થયા વગર પગના સ્નાયુઓની થઈ આવતી નબળાઈને કારણે વ્યક્તિ નીચે પડી જાય છે.

વિકારનો વિકાસ અનિયમિત રીતે થાય છે. કેટલાક દર્દીઓમાં થોડાક અલ્પઘાતો પછી મોટો મસ્તિષ્કી ઘાત (લકવો) થઈ આવે છે, જ્યારે બીજાઓને થોડાં અઠવાડિયાં સુધી વારંવાર અલ્પઘાતો થાય તોપણ લકવો થતો નથી. ઘણી વખત લાંબા સમય સુધી વારંવાર અલ્પઘાત થાય છે અથવા તે આપોઆપ બંધ થઈ જાય છે. શીર્ષગત ધમની-વિસ્તારમાં થતા અલ્પઘાતમાં અનિયમિતતા વધુ જોવા મળે છે, 60 વર્ષથી વધુ વય, મધુપ્રમેહ, 10 મિનિટથી વધુ ચાલતો અલ્પઘાત તથા સ્નાયુનબળાઈની સાથે બોલવાની તકલીફ અને ચાલમાં ફરક પડતો હોય તો લકવો થવાની સંભાવના વધે છે. લકવો થવાનો સૌથી વધુ ભય પ્રથમ 48 કલાક પછી છે.

નિદાનલક્ષી પરીક્ષણોમાં મગજનો સી.એ.ટી. સ્કૅન, મગજનું ચુંબકીય અનુનાદી વાહિનીચિત્રણ (MR angiography), શીર્ષગત ધમનીચિત્રણ (carotid arteriography), ડોકની નસોનું ધ્વનિચિત્રણ (sonography) તથા હૃદયનું પ્રતિઘોષચિત્રણ (echocardiography) મહત્ત્વનાં ગણાય છે. સી.એ.ટી. સ્કૅન વડે મગજમાં લોહી વહ્યું નથી કે તેમાં ગાંઠ થઈ નથી તે જાણી શકાય છે. વાહિનીચિત્રણ, ધમનીચિત્રણ અને ધ્વનિચિત્રણ વડે નસોમાં અટકાવ હોય કે નસોનો કોઈ અન્ય વિકાર હોય તો તે જાણી શકાય છે. હૃદયના રોગની જાણકારી માટે હૃદ્-પ્રતિઘોષચિત્રણ કરાય છે. આ ઉપરાંત દર્દીને મધુપ્રમેહ, મૂત્રપિંડના વિકારો, લોહીના વિકારો, અતિમેદરુધિરતા (hyperlipidaemia) વગેરે માટે લોહીનાં વિવિધ પરીક્ષણો પણ કરાય છે. તેની મદદથી ઉપદંશ કે HIVનો ચેપ છે કે નહિ તે જાણી લેવાય છે. હૃદયની સ્થિતિ જાણવા માટે છાતીનું ઍક્સ-રે-ચિત્રણ અને હૃદ્-વીજાલેખ (ECG) કરાય છે. જો દર્દીમાં ચેપી હૃદયાંત:કલાશોથ (infective endocarditis)ની શંકા હોય તો રુધિરી સંવર્ધન (blood culture) માટે લોહીનો નમૂનો લેવામાં આવે છે. જો હૃદયના ધબકારાની અનિયમિતતાની શંકા હોય તો ડૉક્ટરના મોજણીયંત્ર વડે સતત તપાસ કરાય છે.

અલ્પઘાતને સ્થાન-સીમિત સંગ્રહણ અથવા આંચકી (focal seizure), નમૂનારૂપ અર્ધશીર્ષપીડા (classical migraine) અને લોહીમાં શર્કરાનું ઘટી જવું (અલ્પમધુરુધિરતા, hypoglycaemia) જેવા રોગોથી અલગ પાડીને નિદાન કરાય છે.

સારવાર : જો નિદાનચિત્રણોની મદદથી જાણવા મળે કે શસ્ત્રક્રિયા વડે દૂર કરી શકાય તેવી જગ્યાએ 70–99 % જેટલો અટકાવ હોય તો તેને દૂર કરવાથી લકવો થવાનો ભય ઘટી જાય છે. તેમાં નસમાંનો ગઠ્ઠો દૂર કરાય છે. સામાન્ય રીતે તે શીર્ષગત ધમનીના વિસ્તારમાં શક્ય બને છે. બીજા સર્વ કિસ્સામાં ઔષધો વડે સારવાર કરાય છે. દર્દીને ધૂમ્રપાન બંધ કરવાનું કહેવાય છે. હૃદયરોગ, લોહીનું ઊંચું દબાણ તથા મધુપ્રમેહ હોય તો તેમને નિયંત્રિત કરાય છે. તેઓના લોહીમાં મેદદ્રવ્યો વધુ હોય, તેમની ધમનીશોથ(arteritis)નો વિકાર હોય કે લોહીના રોગો હોય તો તેની પણ સારવાર કરાય છે. જો હૃદયમાંથી લોહીના ગઠ્ઠા છૂટા પડતા હોય, તો હિપેરિન અને વૉરફેરિન જેવા પ્રતિગંઠકો (anticoagulants) ઔષધો તરીકે અપાય છે. આવું જ મોટી ધમનીના રોગમાં પણ કરાય છે. જોકે દર્દીની વધુ ઉંમર અને લોહી વહેવાનો વિકાર હોય તો તેમને વાપરવામાં મુશ્કેલી રહે છે. તેઓમાં એસ્પિરિનની મદદથી ગંઠનકોષો(platelets)નું અધિગુંફન થતું અટકાવવામાં આવે છે તેને બદલે ડાયપારિડેમોલ વાપરી શકાય છે; પરંતુ તે ઓછી અસરકારક છે. હાલ તેને બદલે ટિકલોપિડીન ઉપલબ્ધ છે, પરંતુ તેમાં લોહીના શ્વેતકોષો ઘટી ન જાય તેની સતત ચકાસણી કરાય છે.

શિલીન નં. શુક્લ

બશીર  એહમદી