લક્કડખોદ (wood-pecker)

January, 2004

લક્કડખોદ (wood-pecker) : લાકડું ખોદવા માટે અનુકૂલન પામેલી ચાંચ ધરાવતું પક્ષી. તે ઝાડની છાલમાં કે લાકડામાં વસતા કીટકોને કાણું પાડી પકડે છે અને ખાય છે. પોતાને માટેનું દર કોતરવા તે ચાંચનો ઉપયોગ કરે છે. દુનિયાના લગભગ બધા પ્રદેશોમાં વસતાં લક્કડખોદ પક્ષીઓનો સમાવેશ પિસિફૉર્મિસ શ્રેણીના પિસિડે કુળમાં કરવામાં આવે છે.

લક્કડખોદ

વૈશિષ્ટ્યપૂર્ણ ચાંચ ઉપરાંત તેની ટેવના અનુસંધાનમાં તેના પગ અત્યંત મજબૂત હોય છે. પગને આગળ બે અને પાછળ બે આમ ચાર પાદાંગુલિ હોય છે અને તેઓ અત્યંત તીણા અને મજબૂત નહોર ધરાવે છે. પરિણામે લક્કડખોદ ઝાડ પર આસાનીથી ચડી શકે છે અને છાલને ચોંટી રહી શકે છે. તેની પૂંછડીનાં પીંછાં અક્કડ (stiff) હોય છે અને તેની મદદથી તે થડની સામે ટેકો મેળવે છે. ગ્રીવાના સ્નાયુઓ અત્યંત મજબૂત હોવાને કારણે છાલને છોલતી વખતે કે કાણું પાડતી વખતે તે પોતાના માથાને સહેલાઈથી આગળપાછળ ફેરવી શકે છે. વળી તેના માથાના સ્નાયુઓ આ કોતરકામ દરમિયાન ઉદભવતા આઘાતો સહન કરવાની ક્ષમતા ધરાવે છે.

મોટાભાગના લક્કડખોદનાં પીંછાં શ્યામ, સફેદ કે ઘઉંવર્ણાર્ં હોય છે. કેટલાંકમાં તે લીલાં કે પીળાં પણ હોઈ શકે છે. સામાન્યપણે માદાના માથા પરનાં પીંછાં રંગે લાલ હોય છે. કેટલાંક પીંછાં લાંબા પટા (bands) કે ટપકાં(spots)વાળાં હોય છે.

સામાન્ય રીતે આ પક્ષીઓ આછાં જંગલોમાં, બગીચાઓમાં, ગ્રામવિસ્તારની નજીક, થડ પર લટકતાં જોવા મળે છે. આ સ્થિતિમાં લક્કડખોદનાં ટૂંકાં નહોરદાર ઉપાંગોને ટેકો આપતી, ફાચર આકારની પૂંછડી થડને સ્પર્શીને રહે છે. આગળ જણાવ્યું તેમ, બે આંગળીઓ અગ્ર બાજુએ અને બે પશ્ચ બાજુએ હોવાથી ઝાડ પર કોઈ પણ સ્થિતિમાં મજબૂત પકડ ધરાવી શકે છે. લક્કડખોદ, તેના મોટાભાગનો સમય ઝાડ પર કે ડાળીઓ પર વ્યતીત કરે છે. આ દરમિયાન છાલ કોતરીને પુખ્ત કીટકો અને તેની ઇયળોનું ભક્ષણ કરે છે. કીડી, ભમરી, મંકોડા કે ચૂસિયાં તેનો પ્રિય ખોરાક હોય છે. દર બનાવતી વખતનો લક્કડખોદનો ચાંચ વડે થતો ‘ટપ-ટપ’ અવાજ ધ્યાન ખેંચે તેવો હોય છે. ઊડતી વખતે તેનો ‘કીક્ કીક્’ કે ‘કીરીક્ – કીરીક્’ અવાજ વિશિષ્ટ હોય છે.

લક્કડખોદ જોડીમાં રહેવાનું પસંદ કરે છે. કંઈક અંશે તે શરમાળ પક્ષી છે. જાન્યુઆરીથી લગભગ જૂન સુધી તેનો પ્રજનનકાળ રહે છે. આ સમયે નર અને માદા વચ્ચેનો લિંગભેદ સ્પષ્ટ બને છે. ઈંડાં મૂકવા માટે સામાન્ય રીતે લક્કડખોદ જૂનું દર પસંદ કરવાને બદલે નવું દર રચે છે. વાસ કરવા બાવળ, ખીજડા કે અન્ય ઊંચાં વૃક્ષોને પસંદ કરે છે. 8થી 10 સેમી.નો વ્યાસ ધરાવતા, અંદરથી સહેજ મોટા એવા આ દરમાં બેથી ચાર, ગોળ, સફેદ ઈંડાં મૂકે છે અને ઑગસ્ટ માસ સુધી સેવનકાર્યમાં વ્યસ્ત રહે છે. બાળસંભાળની પ્રવૃત્તિ નર અને માદા બંનેની સહિયારી રહે છે. રાત્રિ દરમિયાન સુરક્ષિત દરમાં છુપાઈ જતાં આ પક્ષીનાં કુદરતી દુશ્મનો ખાસ નથી.

ગુજરાત અને ભારતના અન્ય પ્રદેશમાં વસતાં લક્કડખોદની વિવિધ જાતો :

() ગુજરાત :

(1) સુવર્ણપૃષ્ઠ લક્કડખોદ (lesser goldenbacked wood-pecker) : શાસ્ત્રીય નામ : Dinopium benghalensis. મોટામાં મોટા કદના લક્કડખોદ. અવાજ કાન ફોડી નાંખે તેવો કઠોર અને તીણો. ભારતમાં તે સર્વત્ર વસે છે.

(2) ભદ્ર લક્કડખોદ (yellowfronted pied wood-pecker) : શાસ્ત્રીય નામ : Picoides mahrattensis. સામાન્યપણે તે જંગલમાં વસે છે.

(3) લીલો શલ્કોદર લક્કડખોદ (little skybellied green wood-pecker) : શાસ્ત્રીય નામ : Picus myrmecophoneus stressman. ગુજરાતના ઈડર અને આબુ વિસ્તારમાં તે જોવા મળે છે.

() ભારતમાં વસતી અન્ય લક્કડખોદની જાતો :

(4) નાનો લક્કડખોદ (the Indian pygmy wood-pecker). શાસ્ત્રીય નામ : Picoides nanus.

(5) કીડીઘર લક્કડખોદ (the southern rufous wood- pecker). શાસ્ત્રીય નામ : micropternus brachyurus.

(6) મોટો કાળો લક્કડખોદ (the great black wood-pecker). શાસ્ત્રીય નામ : Drycopus javanensis.

(7) શ્યામદિલ લક્કડખોદ (the heart-spotted wood- pecker). શાસ્ત્રીય નામ : Hemicircus canente canente.

(8) કેસરી સુવર્ણપૃષ્ઠ લક્કડખોદ (the Malherbe’s golden backed wood-pecker). શાસ્ત્રીય નામ : Chrysocolaptes lucidus.

(9) શ્યામપૃષ્ઠ લક્કડખોદ (the blackbacked wood- pecker) : શાસ્ત્રીય નામ : Chrysocolaptes festivus.

દિલીપ શુક્લ

મ. શિ. દૂબળે