રોમ

ઇટાલીનું પાટનગર. દુનિયાનાં મહાન ઐતિહાસિક તેમજ સુંદર શહેરો પૈકીનું એક. ભૌગોલિક સ્થાન : તે 41° 54´ ઉ. અ. અને 12° 29´ પૂ. રે.ની આજુબાજુનો 1,508 ચોકિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. આ શહેર ટાઇબર નદીને કાંઠે વસેલું છે. એ નદી શહેરને બે ભાગમાં વહેંચી નાંખે છે. તે કૅમ્પાગ્ના નામના સમતળ મેદાની પ્રદેશમાં આવેલું છે. આ મેદાનની ફરતે વાયવ્યે સબાતિની, પૂર્વે સબિની અને પ્રેનેસ્ટિની તથા અગ્નિ તરફ આલ્બાન હારમાળાઓ આવેલી છે. એક સમયે ટાઇબર નદી નૌકાવ્યવહાર માટે ઉપયોગમાં લેવાતી હતી, પરંતુ હવે માત્ર નાના ફેરિયાઓ જ તેનો ઉપયોગ કરે છે. રોમ છેલ્લાં 2000 વર્ષથી સંસ્કૃતિનું મહત્વનું કેન્દ્ર બની રહેલું છે. તેના લાંબા ઇતિહાસના સંદર્ભમાં તેને ‘શાશ્વત નગર’ (Eternal City) જેવા નામથી નવાજવામાં આવેલું છે. શહેરની મધ્યમાં આવેલી સાત ટેકરીઓ તેના ઇતિહાસના કેન્દ્રમાં રહેલી છે. રોમના ભવ્ય ભૂતકાળ અને જાહોજલાલીની યાદ અપાવતાં પ્રાચીન સ્મારકો, દેવળો અને મહેલો હજી આજે પણ ત્યાં જોવા મળે છે. દંતકથા મુજબ આ શહેરની સ્થાપના ઈ. પૂ. 753માં થઈ હોવાનું કહેવાય છે. સૈકાઓ સુધી તે યુરોપ, ઉત્તર આફ્રિકા અને પશ્ચિમી એશિયાના વિસ્તારો પર આધિપત્ય ભોગવતું એક શક્તિશાળી સામ્રાજ્ય હતું. આવા સમર્થ રોમન સામ્રાજ્યના પાટનગર તરીકે રોમે પ્રાચીન પશ્ચિમી દુનિયા પર એકચક્રી શાસન કરેલું. તેનાં સ્થાપત્ય, વહીવટી પ્રણાલી, ભાષા અને કાયદાનાં ક્ષેત્રો પર હજી આજે પણ પ્રાચીન રોમન સામ્રાજ્યની અસર વરતાય છે. સ્વતંત્ર શહેર તેમજ સ્વતંત્ર રાજ્યનો મોભો ધરાવતું ‘વૅટિકન સિટી’ અહીં આવેલું છે. તેમાં અતિવિશાળ મહેલ અને નામદાર પોપનું મૂળ સ્થાનક પણ છે. વૅટિકન સિટી રોમમાં હોવાથી તે રોમન કૅથલિક ચર્ચનું મુખ્ય મથક બની રહેલું છે. સોળમી અને સત્તરમી સદી દરમિયાન ક્રમશ: ગાદી પર બિરાજેલા નામદાર પોપના પ્રયાસો દ્વારા વૅટિકન સિટી અને રોમ બંને સમૃદ્ધિ અને કીર્તિના ઉચ્ચ સ્થાને પહોંચેલાં. તેમણે નામી કલાકારો, શિલ્પીઓ અને સ્થપતિઓને બોલાવીને આ શહેરને કલાના અમૂલ્ય ભંડારોથી તેમજ ભવ્ય ઇમારતોથી ભર્યું ભર્યું બનાવ્યું. આજે પણ દુનિયાભરમાંથી મુલાકાતીઓ હજારોની સંખ્યામાં દર વર્ષે આ ભવ્ય વારસાને તેમજ પ્રાચીન ખંડિયેરોને જોવા આવે છે. પ્રવાસીઓ શહેરની આધુનિક દુકાનો અને ખુલ્લાં બજારોમાં લટાર મારે છે, કેટલાક ઘોડાગાડીઓમાં બેસીને ફરે છે અને રંગબેરંગી રોમન જીવનશૈલીને માણે છે. રોમનિવાસીઓની જેમ પ્રવાસીઓ પણ ત્યાંનાં કૉફીગૃહોમાં કે સુંદર ચોકમાં આરામની પળો ગાળે છે. અહીંના નિવાસીઓ આ શહેરના હોવા માટે ગૌરવ અનુભવે છે અને મુલાકાતીઓનું ઉષ્માભર્યું આતિથ્ય કરે છે.

રોમ શહેર

રોમ મધ્ય ઇટાલીમાં તિરહેનિયન સમુદ્રકિનારાથી પૂર્વ તરફ 16 કિમી.ને અંતરે ટાઇબર નદીના બંને કાંઠા પર આવેલી આશરે વીસ ટેકરીઓ પર તેમજ તેનાથી બહારની પહોળી સમતળ ભૂમિ પર પથરાયેલું છે. પ્રાચીન રોમ મુખ્યત્વે જ્યાં વસેલું તે ઍવેન્ટાઇન, સીલિયન, કૅપિટોલીન, એસ્ક્વિલીન, પેલેટાઇન, ક્વિરિનલ અને વિમિનલ નામની સાત ટેકરીઓ ઐતિહાસિક દૃષ્ટિએ વધુ મહત્વની છે. આ ટેકરીઓ રોમના મધ્ય ચોક પિયાઝા વેનેઝિયા(Piazza Venezia)થી સરેરાશ 20 મીટરની ઊંચાઈ ધરાવે છે. આજે જોવા મળતાં પ્રાચીન ઇમારતી ખંડિયેરો ઍવેન્ટાઇન, સીલિયન અને પેલેટાઇન ટેકરીઓને આવરી લે છે. આધુનિક જાહેર ઉદ્યાન પેલેટાઇન પર, વેપાર-વાણિજ્યના ગીચ વિભાગો એસ્ક્વિલીન અને વિમિનલ પર, પ્રમુખનો મહેલ અને સરકારી ઇમારતો ઊંચામાં ઊંચી ક્વિરિનલ ટેકરી પર આવેલાં છે. રોમના રોજિંદા જીવનને ભર્યું ભર્યું રાખતા અને શહેરનું  કેન્દ્ર ગણાતા પ્રાચીન રોમ વખતના માર્ગો કૅપિટોલીન ટેકરી પરથી વિસ્તરે છે. આજે પણ આ ટેકરી પર જાણીતાં કલાસંગ્રહાલયો, સિટી કાઉન્સિલ ઇમારત તેમજ નવજાગૃતિના મહાન કલાકાર માઇકલૅન્જેલોએ આકારેલો ચૉક આવેલાં છે.

રોમની આબોહવા આખાય વર્ષ દરમિયાન એકંદરે સમધાત અને ખુશનુમા રહે છે. અહીંનાં જુલાઈ અને જાન્યુઆરીનાં સરેરાશ તાપમાન અનુક્રમે 28° સે. અને 8° સે. જેટલાં રહે છે. યુરોપની તુલનામાં રોમના ઉનાળા પ્રમાણમાં ગરમ ગણાય છે. ભૂમધ્ય સમુદ્રની આબોહવા અહીં શિયાળામાં વરસાદ આપે છે. વરસાદનું સરેરાશ પ્રમાણ વર્ષભેદે ભેજ, હિમવર્ષા સહિત 800થી 1,000 મિમી. વચ્ચેનું રહે છે. ઉનાળામાં ‘સિરુક્કુ’ નામથી ઓળખાતા પવનોનો અનુભવ થાય છે. શિયાળામાં ઉત્તર તરફથી વાતા ‘ટ્રેમોન્ટાના’ નામથી ઓળખાતા ઠંડા તોફાની પવનો ફૂંકાતા રહે છે.

આખાય શહેરમાં વ્યસ્ત રહેતા માર્ગોને જોડતા સુંદર ચૉક ઠેકઠેકાણે આવેલા છે. શહેરના મધ્ય ભાગમાં પીઝા કૉલોના નામનો ચૉક છે. અહીંથી આજુબાજુ પથરાયેલા વિભાગમાં બૅંકો, હોટલો, મોજશોખનાં સાધનો ધરાવતી દુકાનો, કાર્યાલયની ઇમારતો, રેસ્ટોરાં અને થિયેટરો આવેલાં છે. શહેરનો મુખ્ય માર્ગ ‘વાયા ડેલ કૉર્સો’ પીઝા કૉલોના ચોકમાંથી પસાર થાય છે, તે ઉત્તર અને દક્ષિણ તરફના બીજા બે ચૉકને પણ જોડે છે. મધ્ય યુગમાં અહીં ઘોડ-દોડ સ્પર્ધા યોજાતી હોવાથી આવું નામ પડેલું છે.

રોમન કૅથલિક ચર્ચના વહીવટી અને આધ્યાત્મિક કેન્દ્ર સમું વૅટિકન સિટી રોમના પશ્ચિમી–વાયવ્ય ભાગમાં આવેલું છે. વૅટિકન સિટી ધાર્મિક અને ઐતિહાસિક દૃષ્ટિએ ઘણું મહત્વ ધરાવતું હોવાથી પ્રવાસી મથક બની રહેલું છે. પ્રવાસીઓ માટે રોમમાં હોટલ-ઉદ્યોગ પણ વિકસ્યો છે. આભૂષણો, રાચરચીલું અને અન્ય કલાત્મક વસ્તુઓના એકમો વિકસ્યા છે. ચિત્રપટ-ઉદ્યોગ પણ અહીં વિકસ્યો છે. આ સિવાય અહીં ખાદ્યપદાર્થો, કાગળ, સાબુ, યંત્રો, રસાયણો, કાપડ, ચામડાં અને નકશીકામના ઉદ્યોગો પણ વિકસ્યા છે.

માત્ર 0.4 ચોકિમી.નો વિસ્તાર ધરાવતું વૅટિકન સિટી દુનિયાનું નાનામાં નાનું સ્વતંત્ર રાજ્ય પણ છે. આ ઉપરાંત, રોમ એ દુનિયાભરનું અતિ મહત્વનું ગણાતું કલામથક પણ છે. અભિનેતાઓ, સંગીતકારો, ચિત્રકારો, શિલ્પકારો અને લેખકો શહેરની વ્યસ્ત રહેતી રોજિંદા જીવનની ઘટમાળમાં પોતાનું કલાપ્રદાન પણ કરતા રહે છે.

ઉદ્યાનો : જૂના વખતમાં જેની માલિકી શ્રીમંત કુટુંબોને હસ્તક હતી એવા ઘણા જાહેર ઉદ્યાનો અહીં આવેલા છે. આ પૈકીનો 1902માં જાહેર જનતા માટે ખુલ્લો મુકાયેલો વિશાળ ‘વિલા બૉર્ગિઝ’ રોમની હરિયાળી કલગી સમાન ગણાય છે. પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર ગણાતો તેમજ ઇટાલીના જૂના રાજવીઓનું આરામસ્થાન ગણાતો વિલા ઍડા પણ ઓછો મહત્વનો નથી. ઇટાલીના યુદ્ધશહીદોના માનમાં બનાવાયેલો, દેવદારનાં વૃક્ષોથી છવાયેલો વિલા ગ્લૉરી પણ એટલો જ મહત્વનો છે. આ ઉપરાંત જૅની ક્યુ લુમ ટેકરીને મથાળે આવેલી બાલવાટિકા પણ ખૂબ જ લોકપ્રિય છે.

સંગીતથિયેટરો : રોમનું અગ્રગણ્ય સિમ્ફની ઑરકેસ્ટ્રા નૅશનલ એકૅડેમી ઑવ્ સેન્ટ સેસિલિયામાં આવેલું છે. અહીંના ઑરકેસ્ટ્રાઓમાં રોમ ફિલહામૉર્નિક અને રેડિયો-ટેલિવિઝન ઇટાલિનાનો સમાવેશ પણ થાય છે. દુનિયાની જૂનામાં જૂની સંગીત-અકાદમીઓ પણ રોમમાં છે. ઇટાલિયનોની જેમ રોમનો પણ ઑપેરાની મોજ માણવાના શોખીન છે. અહીં ઑપેરા જાન્યુઆરીથી જૂન તથા જુલાઈ-ઑગસ્ટ દરમિયાન યોજાય છે. અહીંનાં ઘણાંખરાં થિયેટરોમાં દેશી-વિદેશી નાટકો અને સંગીતમય હાસ્યનાટિકાઓ પણ ભજવાતાં રહે છે.

ત્રેવીનો ફુવારો, રોમ

સંગ્રહાલયો–કલાદીર્ઘાઓ : રોમના અમૂલ્ય કલાસંગ્રહો જોવા દેશી-વિદેશી મુલાકાતીઓ આવતા રહે છે. વૅટિકન મહેલમાં લિયોનાર્દો દ વિન્ચી, રાફેલ, માઇકલૅન્જેલો જેવા નામી કલાકારોએ આકારેલાં ચિત્રો અને કોતરેલાં બાવલાં પ્રદર્શિત કરાયેલાં છે. વૅટિકન સિસ્ટાઇન ચૅપલની છતમાં તેમજ તેની આગળની દીવાલ પર માઇકલૅન્જેલોનાં ચિત્રો જોવા મળે છે. કૅપિટોલીન મ્યુઝિયમમાં રોમનો જૂનો કલાસંગ્રહ રાખવાનું 1471માં શરૂ કરવામાં આવેલું છે. પ્રાચીન રોમનાં સુંદર કલાત્મક શિલ્પો તેમાં જળવાયેલાં છે. પૂર્વ-રોમન કાળથી શરૂ થતો મધ્ય ઇટાલીનો કલાભંડાર વિલા ગિયુલિયા નૅશનલ મ્યુઝિયમમાં રાખેલો છે. ગ્રીક અને રોમન શિલ્પો તેમજ પ્રાચીન સંસ્કૃતિના નમૂનાઓનો સંગ્રહ નૅશનલ રોમન મ્યુઝિયમમાં છે. નવજાગૃતિના લગભગ દરેક કલાકારની કૃતિઓ વિલા બૉર્ગિઝમાં રાખેલી છે. ઓગણીસમી અને વીસમી સદીની ઉત્કૃષ્ટ કલાકૃતિઓ મૉડર્ન આર્ટ રાષ્ટ્રીય ગૅલેરીમાં જોવા મળે છે.

ચર્ચમહેલોફુવારા : વૅટિકન સિટીમાં આવેલું સેન્ટ પીટર્સ ચર્ચ એ નવજાગૃતિના સ્થાપત્યના નમૂનારૂપ યુરોપનું મોટામાં મોટું ખ્રિસ્તી ચર્ચ ગણાય છે. સોળમી સદી દરમિયાન માઇકલૅન્જેલોએ તેનો આકાર આપવામાં મદદ કરેલી. કલાના સુંદર નમૂનાઓ તેમાં કંડારાયેલા નજરે પડે છે. આ ઉપરાંત પ્રાચીન, મધ્યકાલીન અને અદ્યતન બીજાં ઘણાં ચર્ચો આ શહેરમાં આવેલાં છે.

રોમમાં આવેલા મહેલો પૈકી પંદરમી સદીના મધ્યકાળ દરમિયાન નિર્માણ પામેલો વેનેઝિયા મહેલ વધુ જાણીતો છે. 1920 અને 1930ના દશકાઓના ફાસિસ્ટ કાળમાં ઇટાલીના આપખુદ સત્તાધીશ બેનિટો મુસોલીનીએ તેનું કાર્યાલય આ મહેલમાં રાખેલું. એક વખતના સમર્થ ગણાતા મેડિસી કુટુંબની માલિકી ધરાવતો મૅડેમા પૅલેસ 1871થી ઇટાલિયન સેનેટ-ગૃહ તરીકે ઉપયોગમાં લેવાતો રહ્યો છે. ક્વિરિનલ પૅલેસ ઇટાલીના પ્રમુખનું સત્તાવાર નિવાસસ્થાન છે. તે 1870 સુધી તો પોપનું તેમજ 1871થી 1946 સુધી ઇટાલીના રાજવીઓનું નિવાસસ્થાન પણ રહેલો.

રોમમાં કલાત્મક રીતે કંડારેલા સુંદર ફુવારાઓ મોટી સંખ્યામાં છે. 1762માં પૂરો કરવામાં આવેલો ત્રેવીનો ફુવારો વિદેશી પ્રવાસીઓમાં ઘણો જ જાણીતો છે. આ ફુવારા માટે એક એવી લોકવાયકા ચાલે છે કે જે કોઈ મુલાકાતી તેમાં સિક્કાઓ નાખે તે ક્યારેક ફરીથી આ શહેરની મુલાકાત લેનારો થાય છે.

શૈક્ષણિક સંસ્થાઓ : 1303માં સ્થપાયેલી યુનિવર્સિટી ઑવ્ રોમ ઇટાલીની સૌથી મોટી યુનિવર્સિટી છે. રોમન કૅથલિક ચર્ચની વિવિધ ધાર્મિક મંડળીઓ વૅટિકન સિટીમાં ઘણી શાળાઓ ચલાવે છે. અહીં ઘણા વિદેશી વિદ્યાર્થીઓ પાદરી બનવાની તાલીમ મેળવે છે. કેટલીક પાદરી-તાલીમશાળાઓ અમુક અમુક દેશ માટે પણ સ્થાપવામાં આવેલી છે; જેમ કે 1859માં સ્થપાયેલી નૉર્થ અમેરિકન કૉલેજમાં આશરે 1,800 જેટલા અમેરિકી પાદરીઓ સ્નાતક બનેલા છે.

6થી 14 વર્ષનાં રોમન બાળકો માટે શાળા-શિક્ષણ ફરજિયાત છે. અહીંની શાળાઓમાં લલિત કલા, વ્યાવસાયિક તાલીમ, શિક્ષક-તાલીમ જેવા જુદા જુદા વિભાગો પણ હોય છે. આ શાળાઓ ઓછા શુલ્કથી શિક્ષણ આપે છે. ધાર્મિક જૂથો દ્વારા ચાલતી અલગ શાળાઓ પણ છે.

પંદરમી સદીમાં સ્થપાયેલું વૅટિકન પુસ્તકાલય દુનિયાભરનાં મહત્વનાં પુસ્તકાલયો પૈકીનું એક છે. તેમાં જૂના વખતની ઘણી લૅટિન હસ્તપ્રતો છે. આ ઉપરાંત, રોમમાં બીજાં નવ જેટલાં જાહેર પુસ્તકાલયો પણ છે. તેમાં આશરે 30 લાખ જેટલાં પુસ્તકો છે. રોમન કૅથલિક વિભાગ દ્વારા પણ કેટલાંક પુસ્તકાલયો ચાલે છે.

પરિવહનદૂરસંચાર : સમગ્ર ઇટાલી માટે રોમ રેલમાર્ગ-મોટરમાર્ગ અને હવાઈ માર્ગનું મુખ્ય કેન્દ્ર છે. ઉત્તર અને દક્ષિણ ઇટાલીને સાંકળતો ઑટોસ્ટ્રેડા-દલ-સોલ નામનો ધોરી માર્ગ રોમમાંથી પસાર થાય છે, અલ-ઇટાલી નામની હવાઈ કંપનીની સેવા પણ રોમમાં ઉપલબ્ધ છે. લિયૉનાર્દો-દ-વિન્ચી અહીંનું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે. અહીંથી દરરોજ વીસ જેટલાં વર્તમાનપત્રો પ્રગટ થાય છે. આ ઉપરાંત રેડિયો-ટીવીના કાર્યક્રમો પણ પ્રસારિત થાય છે. આ રોમની વસ્તી 1998 મુજબ 26,45,408 જેટલી છે.

ઇતિહાસ : રોમ અને રૅમસ નામના બે ભાઈઓએ મધ્ય ઇટાલીમાં ટાઇબર નદીના કાંઠે રોમની સ્થાપના કરી હતી. પ્રાચીન રોમ સાત ટેકરીઓ ઉપર આવેલું હતું, તે વધીને આધુનિક રોમ આશરે 20 ટેકરીઓ ઉપર આવેલું છે. ઇટાલીમાં રોમની સત્તા હેઠળનો પ્રદેશ ક્રમશ: વધતો ગયો અને ઈ. પૂ. 275 સુધીમાં ઇટાલીના દ્વીપકલ્પનો મોટો ભાગ રોમના અંકુશ હેઠળ આવી ગયો હતો. બીજી સદીમાં રોમન સામ્રાજ્યમાં યુરોપના ઘણા દેશો, મધ્ય પૂર્વ તથા આફ્રિકાના ઉત્તરના કિનારાનો સમાવેશ થતો હતો. ત્યારબાદ જર્મન જાતિઓએ રોમન સામ્રાજ્યનું પતન આણ્યું. ઈ. સ.ની છઠ્ઠી સદીમાં બાઇઝૅન્ટાઇન સામ્રાજ્યના સમ્રાટ જસ્ટિનિયન પહેલાએ ઑસ્ટોગૉથ લોકોને રોમમાંથી હાંકી કાઢ્યા. તે સમયે ખ્રિસ્તી ધર્મના મુખ્ય મથક તરીકે રોમનું મહત્વ ઘણું વધારે હતું. આઠમી સદીમાં જુદા જુદા પોપે તેઓની રાજકીય સત્તામાં નોંધપાત્ર વધારો કર્યો હતો. રોમ ઉપર લૉમ્બાર્ડોએ હુમલા કર્યા ત્યારે ફ્રૅન્ક્સ લોકોના રાજા પેપિનની પોપ સ્ટીફન બીજાએ મદદ માંગી અને પેપિને બે વાર રોમનું રક્ષણ કર્યું. તેણે રોમ અને તેની આસપાસની જમીન 756માં પોપને આપી. પછીથી પેપિનના પુત્ર શાર્લમૅને પોપના રાજ્યનો વિસ્તાર કર્યો. નવમી સદી પછીના આશરે ચાર સૈકા સુધી રોમ યુરોપના રાજાઓના સંઘર્ષોનો ભોગ બન્યું. યુરોપના દેશોના રાજાઓએ પોપની ચૂંટણીને પ્રભાવિત કરી અને સત્તાધીશ પોપને અંકુશમાં રાખવાના પ્રયાસો કર્યા.

ઈ. સ. 1305માં ફ્રાન્સના રાજા ફિલિપ ચોથાના પ્રયાસોને લીધે એક ફ્રેન્ચ ધર્માધિકારી પોપ તરીકે ચૂંટાયા. નવા પોપ ક્લેમન્ટ પાંચમા તેમની અદાલત ફ્રાન્સના ઍવિગ્નન ખાતે લઈ ગયા. તે અદાલત 1377માં પાછી રોમમાં લાવવામાં આવી.

રોમ નવજાગૃતિના સમયનું સૌથી ભવ્ય શહેરોમાંનું એક બન્યું. ઈ. સ. 1527માં જર્મન અને સ્પૅનિશ સૈન્યોએ હુમલા કરીને રોમના અનેક ભંડારોમાંથી ચોરી કરી કે તેમનો નાશ કર્યો અને હજારો રોમનોને મારી નાંખ્યા. ત્યારબાદ રોમનું ફરીથી બાંધકામ કરવામાં આવ્યું. સોળમી સદીનાં શેષ વરસો તથા સત્તરમી સદીમાં જુદા જુદા પોપે સેંકડો ભવ્ય ઇમારતો બંધાવી. તે ઇમારતોને શ્રેષ્ઠ શિલ્પો તથા ચિત્રોથી શણગારવા વાસ્તે માઇકલૅન્જેલો સહિત અનેક ઉત્તમ ચિત્રકારો અને શિલ્પકારોને રોકવામાં આવ્યા હતા.

નેપોલિયને 1798માં ઇટાલી જીતી લીધા બાદ, વિજેતા ફ્રેન્ચ સૈનિકો રોમમાં પ્રવેશ્યા. નેપોલિયને પોપની રાજકીય સત્તાનો 1809માં અંત આણ્યો. તેણે પોપનાં રાજ્યો (Papal States) તેના સામ્રાજ્યમાં સમાવી લીધાં. તેણે રોમને પોતાના સામ્રાજ્યનું, પૅરિસ પછી બીજા નંબરનું નગર જાહેર કર્યું. પોપ પાયસ સાતમાએ તેનો વિરોધ કર્યો. તેથી નેપોલિયને તત્કાલીન પોપને જેલમાં પૂર્યા. નેપોલિયનના પરાજય બાદ, 1815માં પોપને તેમનાં રાજ્યો પાછાં આપવામાં આવ્યાં. ઇટાલીના ક્રાંતિકારીઓએ 1848માં રોમને પ્રજાસત્તાક બનાવ્યું અને પોપ પાયસ નવમા રોમ છોડીને નાસી ગયા. ફ્રેન્ચ લશ્કરે 1849માં રોમ કબજે કર્યું અને બીજે વર્ષે પોપને પુન:સ્થાપિત કર્યા.

રોમના પરાવિસ્તારના આધુનિકતમ આવાસો

વિક્ટર ઇમાન્યુઅલ બીજો 1861માં સંયુક્ત ઇટાલીનો રાજા બન્યો ત્યારે રોમ તે નવા રાજ્યનો પ્રદેશ ન હતો. ઇટાલીના સ્વયંસેવકોએ 1867માં રોમ કબજે કરવા પ્રયાસ કર્યો, પરંતુ ફ્રેન્ચ રક્ષકોએ તેમને અટકાવ્યા. ફ્રેન્ચો રોમ છોડીને ગયા બાદ 1870માં વિક્ટર ઇમાન્યુઅલ લડાઈ કર્યા વિના રોમમાં પ્રવેશ્યો. તેણે પોપની રાજકીય સત્તાનો અંત આણ્યો અને 1871માં રોમને ઇટાલીનું પાટનગર બનાવ્યું. તેના વિરોધમાં પોપ પાયસ નવમાએ સ્વયં વૅટિકનમાં પુરાયેલા રહીને સરકાર સાથેનો સર્વ વ્યવહાર બંધ કર્યો. પછીના બધા પોપે પણ 1929 સુધી એ નીતિ ચાલુ રાખી. 1929માં વૅટિકન સિટીને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો અને રોમન કૅથલિક ચર્ચના અધિકારીઓએ ઇટાલીના પાટનગર તરીકે રોમને માન્ય રાખ્યું.

વીસમી સદીમાં રોમમાં ઘણાં બાંધકામો થયાં. નવી ભવ્ય ઇમારતો તથા રસ્તા બાંધવામાં આવ્યાં. ત્યાં અનેક પ્રાચીન ઇમારતો તથા સ્મારકોનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. મુસોલીનીએ 1935માં યુનિવર્સિટી ઑવ્ રોમનું કામ પૂરું કરાવ્યું અને 1938માં વિશાળ રેલવે-સ્ટેશનનું બાંધકામ શરૂ કરાવ્યું. દ્વિતીય વિશ્વયુદ્ધ (1939–45) દરમિયાન નવાં બાંધકામો બંધ રહ્યાં, પરંતુ યુદ્ધને લીધે રોમને કોઈ નુકસાન થયું ન હતું. યુનિવર્સલ એક્ઝિબિશન ઑવ્ રોમની ઇમારતો, સરકારી અને ખાનગી કચેરીઓ, ફ્લૅટ્સ, રેસ્ટોરાં, સંગ્રહાલયો વગેરેનું બાંધકામ 1938માં મુસોલીનીએ શરૂ કર્યું. તે 1976માં પૂરું થયું ત્યારે તેનો વિસ્તાર 435 હેક્ટર જમીનમાં હતો. અનેક વિશાળ કંપનીઓ અને સરકારી કાર્યાલયો ત્યાં કામ કરે છે. 1980 પછીના દાયકામાં રોમ નગરની સરકારે ત્યાંની અનેક જૂની તથા મહત્વની ઇમારતોના જીર્ણોદ્ધારનું કામ હાથ પર લીધું છે.

જયકુમાર ર. શુક્લ

ગિરીશભાઈ પંડ્યા

નીતિન કોઠારી