રૉબ્સન પર્વત : બ્રિટિશ કોલંબિયા(કૅનેડા)ના પૂર્વ ભાગમાં આવેલું શિખર. ભૌગોલિક સ્થાન : 53° 07´ ઉ. અ. અને 119° 09´ પ. રે. આ શિખર જાસ્પર(આલ્તા)થી પશ્ચિમી વાયવ્ય દિશામાં આશરે 80 કિમી.ને અંતરે આવેલું છે. રૉકિઝ પર્વતમાળાના આ ભાગ માટેનું તે સર્વોચ્ચ શિખર છે. તેની ઊંચાઈ 3,954 મીટર જેટલી છે. કિન્ની સરોવર નજીકથી જ આ પર્વત તેની ઊંચાઈ પ્રાપ્ત કરે છે. નીચેના શાંત સ્થિર સરોવરજળમાં તેનું ભવ્ય પ્રતિબિંબ રમણીય દેખાય છે. આ શિખરની પૂર્વ તરફ યેલોહેડ ઘાટ આવેલો છે. આ પહાડી વિભાગ ક્ષૈતિજ વલણ ધરાવતા શેલ ખડકસ્તરોથી બનેલો છે. આ પર્વતનું નામ સંભવત: હડસન અખાત કંપનીના અધિકારી કૉલિન રૉબ્સન (1793–1842) પરથી પડેલું છે. 1827માં અહીં રુવાંટી માટે અવરજવર કરતા રહેતા વેપારીઓએ પણ તેનો ઉલ્લેખ કરેલો છે. 1913માં સર્વપ્રથમ વાર તેના શિખર પર પહોંચવાનો યશ એ. એચ. મેકાર્થી, ડબ્લ્યૂ. ડબ્લ્યૂ. ફૉસ્ટર અને ઑસ્ટ્રેલિયન ભોમિયા કૉનરાડ કેઇનને ફાળે જાય છે. આ પર્વતની બાજુમાં આવેલા માઉન્ટ રૉબ્સન પ્રોવિન્શિયલ પાર્કમાંથી કૅનેડિયન નૅશનલ રેલવેનો મુખ્ય માર્ગ પસાર થાય છે.

જાહ્નવી ભટ્ટ