રોમન કલા : પ્રાચીન રોમન સામ્રાજ્યમાં ચિત્ર, શિલ્પ અને સ્થાપત્ય-કળાનું પ્રવર્તન.

પ્રાચીન રોમનોએ ગ્રીસ જીત્યું, પરંતુ કલા અને સૌંદર્યશાસ્ત્ર-(aesthetics)ના ક્ષેત્રે સમરાંગણના વિજેતાઓએ હારેલા ગ્રીકો આગળ ભાવપૂર્વક માથાં નમાવ્યાં. ગ્રીસની શાખ સંસ્કારક્ષેત્રે એટલી વ્યાપક હતી કે રોમન સેનાપતિઓ ગ્રીસ જીતી લેવા ઉત્સાહભેર યુદ્ધ લડી રહ્યા હતા ત્યારે તેઓ ગ્રીક કલાકૃતિઓ લૂંટવામાં એકબીજા સાથે હોડમાં ઊતર્યા હતા. વિરાટ રોમન સામ્રાજ્યની પરંપરાએ ગ્રીસની હેલેનિસ્ટિક કલા અપનાવી, આત્મસાત્ કરી અને એનો વિસ્તાર કર્યો. આથી ગ્રીક અને રોમન કલાઓનો એકસાથે ‘ગ્રેકૉ-રોમન’ (Greco-Roman) શબ્દ વડે ઉલ્લેખ કરવાનું વલણ વ્યાપક બન્યું છે. આધુનિક જગતનું ગ્રીક સંસ્કૃતિ અને કલા અંગેનું જ્ઞાન ઘણી વાર રોમન માર્ગે થઈને મળેલું છે. મૂળ ગ્રીક ગ્રંથોની ગેરહાજરીમાં રોમન અનુવાદો અને મૂળ ગ્રીક શિલ્પો કે ચિત્રોની ગેરહાજરીમાં તેમની રોમન પ્રતિકૃતિઓ મારફત ગ્રીક સંસ્કૃતિનો પરિચય આધુનિક જગતને આજે થાય છે.

કોલોસિયમનું હવાઈ દૃશ્ય

ગ્રીક સમ્રાટ ઍલેક્ઝાન્ડર પછી ત્રણ સો વર્ષે રોમન સામ્રાજ્યે ઉત્તરમાં બ્રિટિશ ટાપુઓના યૉર્કથી માંડીને દક્ષિણમાં ઇજિપ્તના નગર ઍલેક્ઝાન્ડ્રિયા લગી અને પશ્ચિમમાં આટલાન્ટિક સમુદ્રથી પૂર્વમાં યૂફ્રેટીસ નદી સુધી સત્તા પ્રસારી. આ સાથે સ્થાપત્ય, શિલ્પ અને ચિત્રની શ્યકલાનો પણ એટલા જ બૃહદ્ ભૌગોલિક ફલક પર પ્રસાર થયો.

ચિત્ર : રોમનોએ ગ્રીક કલાને આત્મસાત્ કરી એ ખરું, પણ રોમન કલાનું મૂળ ઇટાલીના ઇટ્રુરિયા પ્રદેશની ઇટ્રસ્કન (Etruscan) કલામાં રહેલું છે. ઇટ્રસ્કનો ગ્રીકોના સંપર્કમાં આવેલા, પણ તેમણે અંજાયા વિના ગ્રીક કલાનાં વાસ્તવદર્શન અને ત્રિપરિમાણ આભાસી જેવાં તત્વો સ્વીકારેલાં નહિ. ઇટ્રસ્કન કલામાં એશિયાઈ કલાઓમાં રહેલી દ્વિપરિમાણી સંવેદનશીલતા પ્રકટતી હતી. ઇટ્રસ્કનોનાં મોટા કદનાં માટીનાં પાત્રો અને ભૂગર્ભમાં બાંધેલાં દફનસ્થાનોમાં મોકળા મને ચીતરેલી માછલીઓ, પંખીઓ, પંખીઓના શિકારીઓ, નર્તકો, સંગીતવાદકોની આકૃતિઓમાં સપાટ (flat) રંગો વડે દ્વિપરિમાણ ઊભરી આવે છે. પરંતુ પછીથી રિપબ્લિકન સમયમાં રોમનોએ ગ્રીક કલાને સંપૂર્ણતયા આત્મસાત્ કરી. પૉમ્પેઈ નગરમાં રોમન ચિત્રોનો અદભુત ખજાનો બચી ગયો છે. ઈ. સ. 79માં વિસુવિયસ જ્વાળામુખી ફાટતાં પૉમ્પેઈ રાખમાં દટાઈ ગયું. ઓગણીસમી સદીમાં ખોદકામ કરીને ત્યાંનું સ્થાપત્ય ચિત્રો સહિત અકબંધ પ્રાપ્ત કરવામાં આવ્યું. અહીં સ્થાપત્યોની ભીંતો અને છતો પર ફ્રેસ્કો પદ્ધતિમાં મોટા કદનાં ચિત્રો મળી આવ્યાં છે. આ ચિત્રોમાં વાસ્તવદર્શન (આબેહૂબ ચિત્રણ) ભારોભાર છે. તે દ્વારા રોમનોની ગ્રીક દેહસૌષ્ઠવ પ્રત્યેની આસક્તિ પણ પિછાણી શકાય છે. ભીંતો પરનાં આ ચિત્રોમાં નિસર્ગ-દૃશ્યો, નગર-દૃશ્યો (cityscapes), પશુપંખીઓ અને પૌરાણિક દૃશ્યો તથા માનવીનાં આલેખનો સુધીનું વિષયવૈવિધ્ય જોવા મળે છે. પ્રકાશ અને છાયા, વૅનિશિંગ પૉઇન્ટ (અદૃશ્ય બિંદુ) દ્વારા આ વાસ્તવદર્શન સિદ્ધ થયેલું છે. દીવાલોમાં આબેહૂબ ચીતરેલા દરવાજામાંથી નીકળવા જતાં અણઘડ પરદેશીઓને અથડાતા જોઈ રોમનો રમૂજ પામતા. ફળફૂલ એવાં ચીતરાય કે માખી બેસવા આવે અને પડદો એવો ચીતરાય કે આગંતુક તેને ખસેડવા લલચાય તેવી વાસ્તવદર્શી ચિત્રકલ્પના રોમન છે. પૉમ્પેઈના એક રહસ્ય-ઘરનાં ચિત્રો ખાસ ઉલ્લેખપાત્ર છે. અહીં લાલ રંગની પશ્ચાદભૂમાં ઓરડાની ચારે દીવાલો પર સંભોગની વિધિનાં રહસ્યમય આલેખનો છે. મકાનોમાં ચિત્રના પ્રયોજનનો રોમનોનો શોખ એટલો તો પ્રબળ હતો કે દરેક ઓરડાની ફરસ પર અને સ્નાનગૃહના તળિયે સુધ્ધાં શ્રેણીબદ્ધ ચિત્રો સર્જાયાં હતાં. આ માટે વિવિધરંગી કાચ તેમજ પથ્થરની કપચીઓનું જડતર કરવાની નવી પદ્ધતિ અહીં સર્વપ્રથમ વ્યાપક રૂપે અજમાવાઈ, જે મોઝેક નામે પછીથી જાણીતી બની. તેમાં ચિત્ર કપચીઓના અનેક ટુકડાઓમાં વહેંચાયેલું બને છે. કપચીઓ વચ્ચેની પ્લાસ્ટરની રેખાઓની ભાત એક અનેરું આકર્ષણ જન્માવે છે. રોમન સામ્રાજ્યના દક્ષિણ વિસ્તારમાં ઇજિપ્તની પ્રાચીન પરંપરા સાથે રોમન અભિગમના મિલને નવાં પરિણામો ઉપજાવ્યાં. ઇજિપ્તના ફાયુમ નામના ટાપુ પર લાકડાની દફનપેટીઓ પર મૃત વ્યક્તિનાં વ્યક્તિચિત્રોમાં તે જોવા મળે છે. મીણ અને લાખના મિશ્ર માધ્યમમાં (encaustic) ચિત્રિત આ વ્યક્તિચિત્રોમાં મિસરના એકટક ચહેરા અને રોમન વાસ્તવદર્શન – એ બે લાક્ષણિકતાઓ એકમેકમાં ગૂંથાયેલી જોવા મળે છે. હજુ શોધાઈ નહોતી તે તૈલચિત્રણાના ઉદગમના અણસાર આ ટૅકનિકમાં (મીણ અને લાખના મિશ્ર માધ્યમમાં) જોવા મળે છે.

‘કાંસામાં બનેલું એક રોમન શિલ્પ’ : રોમના સ્થાપકો તરીકે માનવામાં આવતાં જોડકા ભાઈઓ રોમ્યુલસ અને રેમુસને જંગલી વરુ સ્તનપાન કરાવતી નજરે પડે છે.

શિલ્પ : રોમન ચિત્રકલાની માફક રોમન શિલ્પકલા પણ એક અર્થમાં ગ્રીક અને ખાસ કરીને ગ્રીક કલાના આખરી તબક્કા હેલેનિસ્ટિક પરંપરાનું વિસ્તરણ છે, પરંતુ રોમનો દ્વારા તેમાં કેટલીક વિશિષ્ટતાઓ ઉમેરાઈ. સામાન્યતયા હેલેનિસ્ટિક શિલ્પમાં વ્યક્તિચિત્રણ એક આદર્શ (ideal) દેહસૌષ્ઠવ ધરાવતી અને રૂપાળી વ્યક્તિનું જોવા મળે છે. જ્યારે રોમન શિલ્પમાં વ્યક્તિચિત્રણ વિશિષ્ટ (particular) વ્યક્તિઓનું જોવા મળે છે. આને કારણે રોમન શિલ્પની વ્યક્તિચિત્રણામાં વિવિધ પ્રકારની શારીરિક અને માનસિક લાક્ષણિકતાવાળી લાંબી શ્રેણીઓની અભિવ્યક્તિ થઈ. વીર પુરુષો, ક્રીડાવીરો, સમ્રાટો, મંત્રીઓ અને સેનાપતિઓનાં જાહેર (monumental) શિલ્પોમાં રાજકીય હેતુ સિદ્ધ કરતી ઘોડેસવાર (equestrian) અને આદેશાત્મક આકૃતિઓ રચાઈ, એમાં શારીરિક સામર્થ્યની પ્રચંડતાને પ્રાધાન્ય મળ્યું. સ્થાપત્યમાં શિલ્પનો ખૂબ જ વિનિયોગ થયો. બાગમાં, નગરના ચોકમાં, ફુવારાઓ પાસે વીરોની અને રૂપસુંદરીઓની પૂર્ણમૂર્ત (round) મૂર્તિઓ મુકાઈ. વિજયકમાનોમાં (દા.ત. રોમની કૉન્સ્ટન્ટાઇન) અર્ધમૂર્ત (relief) શિલ્પ સમાયાં. વિશાળ ટ્રોજન સ્તંભ ફરતે વર્તુળાકારે યુદ્ધ અને વિજયનાં વૃત્તાત્મક શિલ્પો રચાયાં.

સ્થાપત્ય : ખાસ તો રોમન ગણતંત્ર કાળમાં ગ્રીક કલાવિભાવના અને સૌંદર્યશાસ્ત્રના સિદ્ધાંતો રોમન પ્રજાની સંવેદનામાં ઓતપ્રોત થઈ ગયાં હતાં. રોમનોએ ગ્રીક ચિત્ર અને શિલ્પ પૂર્ણતયા આત્મસાત્ તો કર્યાં જ, પરંતુ રોમન પ્રતિભાની વિશિષ્ટતા ઇજનેરી ક્ષેત્રે ખાસ ઝળકી ઊઠી. નગરની સ્થાપત્યરચના(town planning)ની વિભાવના રચાઈ અને નાગરિક સ્થાપત્ય(public and secular  architecture)નો મહિમા થયો.

રોમન સામ્રાજ્યના સ્મૃતિ-ચિહન સમાન પ્રાચીન ક્રીડાંગણ (Colosseum), રોમ

‘રોમન રસ્તો તે ઉત્તમ’ એવી કહેવત આજે પણ છે. નાકની દાંડીએ ચાલતા હજારો માઈલના સીધા રસ્તા બંધાયા. નાગરિક સભાખંડો, બાંધેલાં બજારો (forums), નાટકના મંચ અને સરકસ માટેનાં આલયો, બસિલિકે (ન્યાયકચેરી અને સભાખંડ), જાહેર સ્નાનાલયો, જાહેર શૌચાલયો અને એ માટે દૂર-સુદૂરથી પાણીને નગરમાં પહોંચાડવા માટે બંધાયેલા જળસેતુઓ (acquaducts) જેવાં સ્થાપત્યો સર્જાયાં. ગ્રીક પેરિક્લીઝની પેઠે રોમન સમ્રાટ જૂલિયસ સીઝરે રોમન સામ્રાજ્યને આ પ્રકારના ભવ્ય સ્થાપત્યથી સમૃદ્ધ બનાવવા પ્રયત્ન કર્યો. સમ્રાટ ઑગસ્ટસના સમયમાં ગ્રીક લાક્ષણિકતાઓ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો. આવી સારસંગ્રાહક (eclectic) રોમન સ્થાપત્યશૈલી પર રોમન સ્થપતિ વિટ્રુવિયસે પોલીઓએ ભાષ્ય રચ્યું અને તેમાં રોમન લાક્ષણિકતાઓ અને સિદ્ધાંતો તારવ્યાં. સમગ્ર વિશ્વના ઇતિહાસમાં સૌપ્રથમ સાચી કમાન(arch)ની શોધ અને સ્થાપત્યમાં તેના વિનિયોગનું શ્રેય રોમન પ્રજાને મળે છે. કમાનનો ઉપયોગ સ્થાપત્યમાં બહુઆયામી નીવડ્યો. એને કારણે દીવાલો ઓછી સામગ્રીથી બાંધી શકાઈ અને ઇમારતો ઓછી મહેનતે બહુમાળી બાંધી શકાઈ. આત્મસાત્ કરેલાં ગ્રીક સ્થાપત્યોના આદર્શોમાં રોમનોની મૌલિક ખોજ કમાન ઉમેરાતાં સર્વપ્રથમ સર્વાંગસંપૂર્ણ ઘુમ્મટ (dome), ‘પૅન્થિયન’ (Pantheon) મંદિરમાં રચાયો. ગ્રીક નાટ્યગૃહ ખીણ કે તળેટીમાં મંચ અને ટેકરીના ઢોળાવો ઉપર ચઢતાં, દર્શકો માટેની પાળીઓના સ્વરૂપે રચાતું હતું, જેમાં છત તરીકે ખુલ્લું આકાશ (open air) રહેતું. આને બદલે રોમન નાટ્યગૃહ નગરની અંદર સપાટ જમીન પર બંધાયું. રોમમાં આવેલ સ્થપતિ વેસ્પાસિયન કૃત થિયેટર ‘કૉલોસિયમ’ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણી શકાય. તેનો સંપૂર્ણ વર્તુળાકાર (circular) નકશો (પ્લાન) છે. આ વર્તુળાકારમાં કમાનોની હારમાળાઓ ગોઠવી, તેની ઉપર મજલા ઉપર મજલા પણ આ રીતે કમાનો દ્વારા બાંધવામાં આવ્યા અને એક બહુમાળી થિયેટર બંધાયું. તેમાં સૌથી નીચલે મજલે ભારેખમ ‘ડૉરિક’ (doric) શૈલીના ગ્રીક સ્તંભ, વચલે મજલે ગ્રીક શૈલીના થોડા ઓછા ભારેખમ ‘આયૉનિક’ (ionic) સ્તંભ તથા ઉપરના મજલાઓ પર ગ્રીક શૈલીના હેલેનિસ્ટિક તબક્કાના સુકોમળ અને પાતળા કૉરિન્થિયન (corinthian) સ્તંભનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

અંદર છેક ઉપરને મજલેથી થિયેટરની મધ્યમાં આવેલ મંચ તરફ જતાં ઊતરતી જતી સીડીઓ કે પાળીઓ દર્શકો માટે બેઠકો તરીકે વપરાતી. બીજું, આ વર્તુળાકાર કમાનો વચ્ચે ટૂંકી દીવાલો રહેતી અને તેની સાથે સ્તંભને સાંકળી લેવામાં આવ્યો છે. આ રીતે દીવાલને સાંકળીને અર્ધ સ્તંભની રચના (engaged pillar) પણ રોમન મૌલિક ખોજ છે. સમતોલન સાધવાની ગ્રીક પરંપરાથી આગળ વધીને સ્તંભો વચ્ચે કમાનો ઉમેરાઈ તેથી અવકાશ-આયોજન(planning of space)નાં નવાં પરિમાણો તાગવાના પ્રયત્નો થયા. કમાનના જ સિદ્ધાંત પર ગોળ ઘુમ્મટની રચના થવાથી સ્થાપત્યમાં છતનું સ્વરૂપ બદલાયું. કમાનોને સામસામી ગૂંથીને ‘ગ્રૉઇન વૉલ્ટ’ (groin vault) જેવી સ્થાપત્યપ્રયુક્તિ પ્રયોજાઈ.

નાગરિકોનાં નિવાસસ્થાનો માટેનું સ્થાપત્ય પણ વિકસ્યું. સામાન્ય વર્ગના અનેક પરિવારો એક જ ઇમારતમાં રહેતા હોય એવા અનેક મજલાવાળાં ઘરોના નમૂના પૉમ્પેઈ નગરનું ખોદકામ કરતાં મળી આવ્યા છે. શ્રીમંતોનાં મહાલયોના સ્થાપત્યમાં ઇટ્રસ્કન અને ગ્રીક શૈલીનું મિશ્રણ જોવા મળે છે. જેમાં વચ્ચે ખુલ્લો ચૉક અને ચારે બાજુ ખંડોનું આયોજન જોવા મળે છે. ચૉકમાં પાણીનો કુંડ કે ખુલ્લું ટાંકું હોય છે. ચૉકની ચારે બાજુ ગૃહસ્વામીની કચેરી, દીવાનખંડ અને નોકરોના ઓરડા હોય છે. તેની પાછળ ઇટ્રસ્કન શૈલીના ઘરના સભ્યોના ખાનગી આવાસો રહેતા. એક જ મકાનમાં ઇજનેરી તેમજ સૌંદર્યલક્ષી જરૂરિયાતને અનુસરીને ડૉરિક, આયૉનિક અને કૉરિન્થિયન – એ ત્રણ ગ્રીક સ્થાપત્ય-શૈલીઓનાં સ્તંભ અને સ્તંભશીર્ષ રચવામાં આવે. રોમનોના આવા સારસંગ્રાહક (eclectic) અભિગમને કારણે રોમન સ્થાપત્ય-શૈલી ‘મિશ્ર પ્રકારની શૈલી’ (composite style) તરીકે ઓળખાય છે. આ શૈલીથી રોમ અને ઇટાલી ઉપરાંત એશિયા માઇનર (તુર્કી), ઇજિપ્ત, પૂર્વ યુરોપ, ટ્યૂનિસિયા અને ઉત્તર આફ્રિકાના બીજા પ્રદેશો તથા બ્રિટન, સ્પેન અને ફ્રાન્સમાં સ્થાપત્યો સર્જાયાં. આજે પણ પ્રાચીન રોમન ઇમારતો, ખાસ કરીને નાટ્યગૃહો અને રસ્તા, વપરાશમાં છે તે, રોમન ઇજનેરી વિદ્યાની અદભુત સિદ્ધિનાં દૃષ્ટાંત છે.

અમિતાભ મડિયા