રોડે, કેશવ પ્રભાકર (જ. 8 નવેમ્બર 1903, છિંદવાડા; અ. 2 ડિસેમ્બર 1985, નાગપુર, મહારાષ્ટ્ર) : જાણીતા ભૂસ્તરશાસ્ત્રી. કે. પી. રોડે નામથી તેઓ વધુ જાણીતા હતા.
છિંદવાડા અને નાગપુર ખાતે શાળાકીય શિક્ષણ પૂરું કરી, 1927માં બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી ભૂસ્તરશાસ્ત્ર વિષયના સ્નાતક થયા અને ત્યાં જ વ્યાખ્યાતા તરીકે જોડાયા. તે પછીનાં થોડાંક વર્ષો માટે તેમની સંશોધનપ્રવૃત્તિ પ્રાચીન વનસ્પતિશાસ્ત્ર પૂરતી સીમિત રહેલી, પરંતુ તેમણે વનસ્પતિ જીવાવશેષો અને જૈવસ્તરવિદ્યા પર મહત્વ ધરાવતા સંશોધનલેખો પ્રા. બિરબલ સહાનીના સહયોગમાં બહાર પાડ્યા.
1937માં તેઓ સ્વિટ્ઝર્લૅન્ડની ઝૂરિક ખાતે આવેલી મિનરૉલોજી-પેટ્રૉલોજી ઇન્સ્ટિટ્યૂટમાં ખ્યાતનામ પ્રા. પૉલ નિગ્લીની દોરવણી હેઠળ ડૉક્ટરેટની પદવી મેળવવા યુરોપ ગયા. તેમના મહાનિબંધનો વિષય હતો : ‘‘The Geology of the Morcote Peninsula and Petro-Chemistry of the Porphyry Magma of Lugano.’’ બે વર્ષની એકધારી ખંતભરી મહેનતથી તેમને 1939માં ઝૂરિક યુનિવર્સિટીની ડૉક્ટરેટની પદવી મળી.
ઝૂરિકથી પાછા ફર્યા બાદ લગભગ તુરત જ, 1941માં વૉલ્ટેર-સ્થિત આંધ્ર યુનિવર્સિટીની એર્સ્કાયર કૉલેજ ઑવ્ નૅચરલ સાયન્સમાં નૅચરલ સાયન્સ ડિપાર્ટમેન્ટના પ્રાધ્યાપક અને વડા તરીકે તેમની નિમણૂક થઈ. તે પછીથી 1946માં તેઓ દાલમિયાનગર, બિહારની બિરલા સિમેન્ટ ફૅક્ટરીમાં મુખ્ય ભૂસ્તરશાસ્ત્રી તરીકે જોડાયા. તેઓ શિક્ષણજગતમાંથી ઉદ્યોગજગતમાં કેટલોક સમય ગયા. તે દરમિયાન ક્ષેત્રકાર્યમાં જે અનુભવો થયા તેના કારણે જ્યારે તેઓ શિક્ષણજગતમાં પાછા વળ્યા ત્યારે ખંડીય પ્રવહનના સંદર્ભમાં પોતાનું આગવું સંશોધનાત્મક પ્રદાન કરવામાં સફળ થયા.
1950ના જૂનમાં ઉદયુપર ખાતે આવેલી રાજપૂતાના યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્ર-વિભાગના વડા તરીકે જોડાવા આમંત્રણ મળતાં તેઓ ત્યાં જોડાયા. 1968માં તેઓ નિવૃત્ત થયા ત્યાં સુધી ત્યાંનો કાર્યભાર અને વહીવટ દક્ષતાથી સંભાળ્યો. ઉદયપુર ખાતેનાં તેમની કારકિર્દીનાં 18 વર્ષો દરમિયાન, તેમણે ત્યાંના ભૂસ્તરશાસ્ત્ર-વિભાગનો એટલો તો વિકાસ કર્યો કે ભારતની યુનિવર્સિટીઓમાં અગ્રિમ સ્થાન ભોગવતા ભૂસ્તરશાસ્ત્ર-વિભાગોમાં તેની પણ ગણના થવા લાગી. આ સિદ્ધિ તે વર્ષોમાં તેમને માટે યશકલગીરૂપ બની રહી. ઉદયપુર ખાતેના આ વિભાગમાં તેમણે સદાપ્રવૃત્ત સંશોધનકેન્દ્ર વિકસાવી આપ્યું. અહીંનાં અઢાર વર્ષો દરમિયાન ચાર પીએચ.ડી. વિદ્યાર્થીઓ તૈયાર થયા તથા ખ્યાતનામ વિવિધ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક સામયિકોમાં તેમના 40થી પણ વધુ સંશોધન-લેખો પ્રકાશિત થયા. 1950ના દાયકા દરમિયાન તેમણે રાજસ્થાન યુનિવર્સિટીની વિજ્ઞાન-વિદ્યાશાખાના ડીન તરીકે પણ સેવાઓ આપેલી.
1950ના દાયકામાં ખંડોનું પ્રવહન અને ઉત્ક્રાંતિ પરના સંશોધનકાર્યનાં વર્ષો તેમને માટે કારકિર્દીનાં પ્રગતિસૂચક વર્ષો હતાં. તેમના આ સિદ્ધાંતમાં પાયાની સંકલ્પના એ હતી કે તિબેટ-હિમાલય પર્વતસંકુલના વિસ્તારમાં ખંડો જોડાયેલા હતા અને તે તકતી-સંચલનનાં આવર્તનો દ્વારા વિસ્તર્યા છે અને છૂટા પડેલા છે. 1964માં તેમણે ન્યૂ દિલ્હી ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય જિયોલૉજિકલ કૉંગ્રેસ સમક્ષ આ સિદ્ધાંત તેની છણાવટ કરીને સમજાવ્યો હતો. તે અગાઉ 1962માં પણ કટક ખાતે યોજાયેલી 19મી ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસમાં જિયૉલોજી અને જ્યૉગ્રોફી વિભાગના પ્રમુખપદેથી સંબોધન કરેલું, તેમાં પણ આ વિષયવસ્તુ મુખ્ય હતું.
તેઓ દેશની વિવિધ શૈક્ષણિક અને સંશોધન-સોસાયટીઓના સભ્ય હતા. 1952માં અલ્જિયર્સ ખાતે તેમજ 1956માં મેક્સિકો ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય જિયોલૉજિકલ કૉંગ્રેસમાં બે સત્ર માટે ગોંડવાના કમિશનના ઉપપ્રમુખ તરીકે તેમણે સેવા આપેલી. 1956માં મેક્સિકો ખાતેની આંતરરાષ્ટ્રીય કૉંગ્રેસમાં તેમણે પ્રમુખપદ પણ સંભાળેલું. ઇન્ડિયન એકૅડેમી ઑવ્ સાયન્સીઝ, બૅંગાલુરુ તથા ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસ ઍસોસિયેશનના આજીવન ફેલો રહેલા. આ ઉપરાંત જિયોલૉજિકલ, માઇનિંગ ઍન્ડ મેટલર્જિકલ સોસાયટી, જિયોલૉજિકલ સોસાયટી ઑવ્ ઇન્ડિયા, નૅશનલ એકૅડેમી ઑવ્ સાયન્સીઝ તેમજ ઘણી બીજી વૈજ્ઞાનિક અને જિયોલૉજિકલ સોસાયટીઓના પણ તેઓ ફેલો રહેલા.
1976માં ઉદયપુર છોડી તેઓ નાગપુર ગયા. ત્યાં પણ જીવનના છેલ્લા શ્ર્વાસ સુધી તેમણે તેમનું સંશોધનકાર્ય ચાલુ રાખેલું. 1985ના ડિસેમ્બરની બીજી તારીખે તેઓ અવસાન પામ્યા. છેલ્લી ક્ષણ સુધી તેઓ કહેતા રહેલા કે ‘‘હજી મારે દુનિયાનાં સંરચનાત્મક માળખાંની સમસ્યાઓની ચર્ચા કરવાની બાકી છે.’’ તેમનું આ કથન ભૂસ્તરશાસ્ત્રના વિષય પ્રત્યેની તેમની ઊંડી રુચિ અને નિષ્ઠાનું દ્યોતક છે. 1986માં બહાર પડેલા તેમના ‘‘Sheet Evolution of Continents – A Morpho-Structural Approach’’ પુસ્તકમાં ખંડોની ઉત્ક્રાંતિની સમસ્યાનાં ભૌગોલિક દૃષ્ટિબિંદુઓ, તેમનાં બાહ્ય આકારિકી લક્ષણો, તથા ગિરિમાળાઓ, નદીખીણો, મહાસાગરીય ડુંગરધારો, ફાટખીણો વગેરે જેવાં સ્તરવિદ્યાત્મક–સંરચનાત્મક લક્ષણોની સુપેરે ચર્ચા કરેલી જોવા મળે છે, જે તેમની તકતી-સંચલન સંકલ્પનાનો ખ્યાલ રજૂ કરે છે.
તેમનું જીવનકાર્ય જોતાં કહી શકાય કે તેઓ મહાન વૈજ્ઞાનિક, શિક્ષક, માનવતાવાદી, દેશભક્ત અને ભેખધારી સંશોધક હતા. તેઓ પ્રામાણિક, નિખાલસ, મુક્ત વિચારક અને આખાબોલા હતા. ખંડપ્રવહનનો સિદ્ધાંત રજૂ કરનાર તરીકે તેઓ સ્મરણીય છે.
દિલીપકુમાર નાગોરી
અનુ. ગિરીશભાઈ પંડ્યા