રૉડ્ચેન્કો, ઍલેક્ઝાન્ડર (Alexander Rodchenko)

January, 2004

રૉડ્ચેન્કો, ઍલેક્ઝાન્ડર (Alexander Rodchenko) (જ. 1891, રશિયા; અ. 1956, રશિયા) : આધુનિક રશિયન શિલ્પી. 1914–15માં રૉડ્ચેન્કો માલેવિચના પ્રભાવ હેઠળ આવતાં કલાની વ્યવહારુ જીવનમાં કોઈ ને કોઈ ઉપયોગિતા (utility) હોવી જ જોઈએ તેવું દૃઢપણે માનતા થયા. 1917 પછી નવી સ્થપાયેલ સોવિયેત સરકાર પણ ‘કલા ખાતર કલા’ને નહિ, પરંતુ ‘ઉપયોગિતા ખાતર કલા’ને સમર્થન આપતી હોવાથી માલેવિચની માફક રૉડ્ચેન્કોને ઉત્તેજન મળ્યું. તેમણે 1916માં રશિયન ‘કન્સ્ટ્રક્ટિવિઝમ’ કલાપ્રવાહના પ્રણેતા વ્લાદિમિર ટેટ્લીનના હાથ નીચે કામ કર્યું. તેણે ઈંટોને આડી ને ઊભી ગોઠવીને અમૂર્ત શિલ્પ સર્જ્યાં તેમજ ધાતુના નાનામોટા સળિયામાંથી બનાવેલાં વર્તુળોને એકબીજાં સાથે સાંધી, માળા જેવાં ગૂંચળાં સર્જી તેમને અધ્ધર ટાંગ્યાં, જે પવન આવતાં જ હાલી ઊઠતાં. આમ કૅલ્ડર (Calder) પછી મોબાઇલ શિલ્પ સર્જનારા રૉડ્ચેન્કો છે. તેમણે ફોટોગ્રાફીમાં પણ ગરુડના-દૃષ્ટિકોણ(eagle’s eye view)થી ઉપરથી (top view) નીચે અને છેક નીચેથી ઉપર મંડુક-દૃષ્ટિકોણ(frogs eye view)થી દૃશ્યો ઝડપી અવનવાં  પરિણામો મેળવ્યાં.

1918 પછીની સોવિયેત સરકારે રૉડ્ચેન્કોને અમૂર્ત કલાનો ત્યાગ કરવા મજબૂર કરી સમાજને કોઈક રીતે સીધી ઉપયોગી થઈ પડે તેવી ઉપયોગિતાલક્ષી કલા તરફ વાળેલા. રૉડ્ચેન્કોએ પછી થિયેટરના પડદા અને વસ્ત્રોની ડિઝાઇન કરવાનું શરૂ કર્યું હતું.

અમિતાભ મડિયા