રે, જૉન (જ. 29 નવેમ્બર 1627, બ્લૅક નોટલે, ઇસેક્સ, ઇંગ્લૅન્ડ; અ. 17 જાન્યુઆરી 1705, બ્લૅક નોટલે) : સત્તરમી સદીના એક અંગ્રેજ તત્વજ્ઞાની, ધર્મશાસ્ત્રી અને અગ્રણી પ્રકૃતિવાદી. તે બાહ્યાકારવિદ્યા (morphology) પર આધારિત વનસ્પતિઓની વર્ગીકરણ-પદ્ધતિ આપનારા પ્રથમ તબક્કાના પ્રકૃતિવાદી હતા અને કેરોલસ લિનિયસ કરતાં ઘણા સમય પહેલાં તેમણે વર્ગીકરણ-પદ્ધતિ સૂચવી હતી. તેમના પુરોગામીઓ – આલ્બટર્સ, સીઝાલ્પિનો, માલ્પીધી અને નેહીસિયાહ ગ્રૂ–ના શ્રેષ્ઠતમ મુદ્દાઓ પસંદ કરી પોતાનું આગવું વર્ગીકરણ આપ્યું. વર્ગીકરણવિજ્ઞાન(taxonomy)ના અંતિમ એકમ તરીકે જાતિ(species)ની સ્થાપના તેમણે આપેલો દીર્ઘસ્થાયી વારસો ગણાય છે. તેમણે આપેલા બાહ્યાકારકીય શબ્દો અને કેટલુંક નામકરણ હજુ સુધી કાયમ રહ્યાં છે.

તેઓ બ્લૅક નોટલેના એક લુહારના પુત્ર હતા. કેમ્બ્રિજમાં તે સમયે જરૂરિયાતવાળા હોશિયાર વિદ્યાર્થીઓને મદદ કરવા ટ્રસ્ટ પાસે સારું એવું ફંડ હતું. તેમણે તેનો લાભ લઈ 1644માં મેટ્રિકની પરીક્ષા ઉત્તીર્ણ કરી અને 1646માં ટ્રિનિટી કૉલેજમાં દાખલ થયા. તેમણે કેમ્બ્રિજમાં અંત:સ્થ રચનાશાસ્ત્ર (anatomy) અને રસાયણશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને 1648માં સ્નાતકની ઉપાધિ પ્રાપ્ત કરી. તે પછીના વર્ષમાં તેમને ટ્રિનિટીની ફેલોશિપ મળી અને મહાવિદ્યાલયના મઠમાં 13 વર્ષ શાંતિથી પસાર કર્યાં. તેઓ પૂર્ણપણે પ્રૉટેસ્ટંટપંથી હતા અને તેમણે ‘ઍક્ટ ઑવ્ યુનિફૉર્મિટી’ દ્વારા સૂચિત સોગંદ લીધા નહોતા. 1662માં તેમણે ફેલોશિપ ગુમાવી. તે પછી તેમણે પ્રકૃતિવાદી તરીકે કાર્યનો પ્રારંભ કર્યો, જે દરમિયાનમાં ટ્રિનિટીના વિદ્યાર્થીઓએ તેમને મદદ કરી હતી.

તેમણે સૌપ્રથમ વાર 1660માં કેમ્બ્રિજની આસપાસ થતી વનસ્પતિઓની સૂચિ પ્રકાશિત કરી. તેમણે તે માટે 9 વર્ષ કામ કર્યું અને પ્રાકૃતિક ઇતિહાસના માર્ગદર્શકની મદદ સિવાય સ્વયં તાલીમ લીધી. તેમણે 1662માં ફ્રાન્સિસ વિલગ્બાય (1635–1672) સાથે વેલ્સ અને કૉર્નવૉલનો પ્રવાસ ખેડ્યો. આ સમયગાળો તેમનો સંક્રાંતિકાળ હતો. રેએ વનસ્પતિસૃષ્ટિ અને વિલગ્બાયે પ્રાણીસૃષ્ટિ ઉપર અભ્યાસ કર્યો હતો. 1663થી 1666 દરમિયાન તે બંનેએ યુરોપ ખંડનો પ્રવાસ કર્યો.

રેએ 1670માં ‘Catalogus Plantarum Angliae’(ઇંગ્લૅંડની વનસ્પતિઓની સૂચિ)નું પ્રકાશન કર્યું. વિલગ્બાયનું 1672માં અવસાન થયું. વિલગ્બાયનાં બાળકોના ટ્યૂશન માટે તેમને વાર્ષિક 60 પાઉંડ આપવામાં આવતા હતા. તેમણે 1676માં ‘F. Willughbeii …… Ornithologia’ (એફ. વિલગ્બાય ……… પક્ષીવિજ્ઞાન) પ્રકાશિત કર્યું. આ પુસ્તક માટે વિલગ્બાય જેટલો જ રેનો પરિશ્રમ હતો, છતાં તેમણે માત્ર વિલગ્બાયના નામ હેઠળ પ્રકાશન કર્યું. તે વિલગ્બાયના ‘F. Willughbeii ….. de Historia Piscium’ (માછલીનો ઇતિહાસ, 1685) માટે કાર્ય કરતા હતા ત્યારે વિલગ્બાયની માતાનું અવસાન થયું. વિલગ્બાયની પત્નીને રેનું કાર્ય ગમતું ન હોવાથી વિલગ્બાયના નામ હેઠળ ‘History of Fish’ પ્રકાશિત થયા પછી તેણે રેને પ્રકાશનકાર્યમાં મદદ કરવી બંધ કરી. ત્યારપછી રૉયલ સોસાયટીએ તેમને પ્રકાશન માટે મદદ કરી.

1673માં વિલગ્બાયના ઘરની યુવાન શિક્ષિકા માર્ગારેટ ઓકલે સાથે તેમણે લગ્ન કર્યાં. તેઓ 13 વર્ષ સુધી સંતાનવિહોણા રહ્યા. ત્યારપછી તેઓ ચાર પુત્રીઓના પિતા બન્યા. આ પુત્રીઓ ઇયળો અને પતંગિયાં એકત્રિત કરતી અને પિતાને ઓળખવા અને તેમનું વર્ગીકરણ કરવા આપતી.

તેઓ જોસેફ દ ટૂર્નેફૉર્ટ(1656–1708)ના વર્ગીકરણના હિમાયતી હતા. તેમણે 1682માં ‘Methodus Plantarum Nova’ પ્રસિદ્ધ કર્યું, જે 1703માં ‘Methodus Plantarum Emendata’ તરીકે પુનરાવૃત્તિ પામ્યું. 1686થી 1704 સુધી ‘Historia Plantarum’ના ત્રણ ગ્રંથો પ્રકાશિત કર્યા. તેમણે એકદળી (monocotyledons), દ્વિદળી (dicolyledons), પૂર્ણસપુષ્પી (flowering, perfecti) અને અપૂર્ણ-અપુષ્પી (flowerless, imperfecti) નામકરણ સૌપ્રથમ વાર કર્યું. તેમની વર્ગીકરણ-પદ્ધતિ એકંદરે કૃત્રિમ હતી; છતાં ‘નૈસર્ગિક પદ્ધતિના પ્રથમ અંકુર’ તરીકે બિરદાવવામાં આવી.

રેએ વનસ્પતિઓની લગભગ 18,000 જાતિઓ માટે વર્ગીકરણ આપ્યું અને કાષ્ઠમય અને શાકીય વનસ્પતિઓના મુખ્ય વિભાગો હેઠળ એકદળી અને દ્વિદળીના વર્ગકો(taxa)ની ફળના પ્રકાર [શંકુમિત (conebearing) ફળ, કાષ્ઠ-ફળ (nut), અનષ્ઠિલ ફળ (berry) અને કૂટપટી ફળ(silique)]ના આધારે ઓળખ આપી અને પ્રત્યેક વિભાગનું પર્ણ અને પુષ્પનાં લક્ષણો પરથી વર્ગીકરણ કર્યું.

વનસ્પતિના સ્વરૂપ અને એકંદર બાહ્યાકારવિદ્યાને આધારે આપવામાં આવેલી આ વર્ગીકરણ-પદ્ધતિ તેના પછી અપાયેલી લિનિયસની કૃત્રિમ વર્ગીકરણ-પદ્ધતિ કરતાં ઘણી બાબતોમાં ચઢિયાતી હતી. બર્નાર્ડ-દ-જ્યુસી દ્વારા પાછળથી આપવામાં આવેલી વર્ગીકરણ-પદ્ધતિની તે સીધી પુરોગામી છે. લિનિયસના ‘Critica botanica’ અને ‘Philosophia botanica’ નામના ગ્રંથોમાં રજૂ કરાયેલ તત્વજ્ઞાનનો તે પાયો ગણાય છે.

તેમણે બ્રિટિશ અને યુરોપીય વનસ્પતિઓના અધ્યયનનો સાર-સંક્ષેપ ‘Synopsis Methodica Avium et Piscium’ (પક્ષીઓ અને માછલીના અધ્યયનનો સાર-સંક્ષેપ, મરણોત્તર પ્રકાશન, 1713) અને ‘Synopsis Methodica Animalium Quadrupedum et Sepentini Generis’ (ચતુષ્પાદોના અધ્યયનનો સાર-સંક્ષેપ, 1693) પ્રસિદ્ધ કર્યા. તેમના જીવનના છેલ્લા દાયકામાં કીટકો ઉપર અગ્રણી સંશોધનો કર્યાં અને ‘Historia Insectorum’નું મરણોત્તર પ્રકાશન કરવામાં આવ્યું. તેમણે હૃદય અને ફેફસાંની રચના પરથી ‘સસ્તન વર્ગ’ પ્રસ્થાપિત કર્યો અને કીટકોનું તેમનાં રૂપાંતરણ(metamorphosis)ના આધારે વર્ગીકરણ કર્યું.

તેઓ હંમેશાં ભારપૂર્વક કહેતા, ‘દિવ્યત્વ મારું લક્ષ્ય છે.’ તેમણે 1690ના દાયકામાં ધર્મ ઉપર ત્રણ ગ્રંથો લખ્યા અને 1691માં ‘The Wisdom of God Manifested in the Works of the Creation’ નામનું સૌથી લોકપ્રિય પુસ્તક લખ્યું. ‘Historia Insectorum’ ઉપરના તેમના સંશોધનકાર્ય દરમિયાન 77 વર્ષની ઉંમરે તેમનો સ્વર્ગવાસ થયો.

ચંદ્રકુમાર કાંતિલાલ શાહ

બળદેવભાઈ પટેલ