રેઝા, આકા-એ-અબ્બાસી (જ. આશરે 1570, મેશેદ, ઈરાન; અ. 1635, ઇસ્ફહાન, ઈરાન) : ઈરાની લઘુચિત્રકલાની ઇસ્ફહાન શૈલીનો એક મુખ્ય ચિત્રકાર તથા સમ્રાટ શાહ અબ્બાસ પહેલાનો પ્રીતિપાત્ર.

પિતા અલી અશ્ગર મેશેદના સફાવીદ સૂબા ઇબ્રાહીમ મિર્ઝાનો દરબારી ચિત્રકાર હતો. અહીં જ બાળક રેઝાએ તાલીમ લીધી. તેનાં તેજસ્વી ચિત્રોએ ઇસ્ફહાનના સમ્રાટ શાહ અબ્બાસનું તરત ધ્યાન ખેંચ્યું. સમ્રાટે તુરત જ રેઝાને ઇસ્ફહાન તેડાવી લીધો. ઇસ્ફહાન આવ્યા પછી રેઝા કુસ્તીબાજો અને પહેલવાનોના સંગે ચડ્યો અને કલાની ઉપેક્ષા કરવી શરૂ કરી. સમ્રાટ એને અઢળક નાણાં આપતો હોવા છતાં રેઝા એટલાં બધા બેફામ નાણાં વેડફતો કે વધુ નાણાં કમાવા માટે એણે બજારમાં પોતાનાં ચિત્રો વેચવા બેસવું પડતું.

રેઝાની શ્રેષ્ઠ ચિત્રકૃતિઓ 1604 લગીમાં સજાર્ર્ઈ. તેમાં લયાત્મક રેખાઓ અને હળવા ઋજુ રંગો વડે નમણી યુવતીઓ અને યુવાનો ચિત્રિત છે. 1604 પછી રેઝાની કલા અક્કડ થઈ ગઈ.

અમિતાભ મડિયા